સમરસ હોસ્ટેલમાં હેલ્થ વર્કર પર થયેલા હુમલામાં પોલીસ મેદાને : બેની અટકાયત

15 September 2020 07:19 PM
Rajkot
  • સમરસ હોસ્ટેલમાં હેલ્થ વર્કર પર થયેલા હુમલામાં પોલીસ મેદાને : બેની અટકાયત

ગઇકાલે સાંજે હેલ્થ વર્કરની અરજી મળતા જ બે આરોપીઓની અટકાયત કરાઇ : ફરીયાદ નોંધાવવા કલેકટરના આદેશ : કોરોના દર્દીના મોત બાદ તેમના પરિવારજનો દ્વારા નર્સિંગ સ્ટાફ પર જીવલેણ હુમલો કરાયો’તો MPHW મિલાપ જોષીને ફડાકા ઝીંકી દીધા હતા

રાજકોટ, તા. 15
શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે જીવના જોખમે પણ ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે આવા સમયે પણ તબીબી સ્ટાફ પર હુમલાની ઘટનાઓ બની રહી છે.

ગઇકાલે સમરસ હોસ્ટેલના કોરોના કેર સેન્ટરમાં દાખલ દર્દીનું મોત થતા તેમના પરિજનોએ હોબાળો મચાવી દીધો હતો અને આરોગ્ય કર્મીને લાફો ઝીંકી દઇ નર્સ પર જીવલેણ હુમલો કરી રીતસર આતંક મચાવતા બનાવના પડઘા છેક ગાંધીનગર સુધી પડયા હતા અને સીએમ વિજયભાઇ રૂપાણીએ કડક કાર્યવાહીના આદેશો છોડતા કલેકટર સહિતના અધિકારીઓેએ કાયદાકીય પગલા લેવા તજવીજ કરી છે. આ મામલે પોલીસ ફરીયાદ નોંધાશે તેનો હાલ નિર્ણય લેવાયો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ તા.8ના રોજ ન્યુ અંબિકા પાર્ક સાધુ વાસવાણી રોડ પર રહેતા દીપકસિંહ દોલતસિંહ કામલીયા (ઉ.વ.62)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ડાયાબીટીસના દર્દી હોવાથી અહીં વિશેષ સારવાર આપવામાં આવી હતી. તા.9ના રોજ તેમની તબિયત સુધારા પર જણાતા સમરસ હોસ્ટેલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડાયા હતા. ત્યાં પણ તેમને ઓકિસજન પર રાખવામાં આવ્યા હતા.

તા.14ના રોજ તેમની તબિયત લથડતા તુરંત સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરી દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નિપજયું હતું. થોડી કલાકો પહેલા જ તેમના સ્વજનો સાથે મૃતકની વાતચીત ફોન મારફત થઇ હતી અને ટુંકા સમયમાં જ મોત થઇ જતા પરિવારજનો રોષે ભરાયા હતા અને સમરસ હોસ્ટેલ ખાતે જઇ ત્યાં માથાકુટ કરી હતી જેમાં ચારેક લોકોએ ત્યાં જઇ ટેબલોને લાતો મારી હતી અને આરોગ્ય કર્મચારીઓ સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી અપશબ્દો કહ્યા હતા.

મૃતકના પુત્રોએ નર્સિંગ સ્ટાફના એકતાબેન જાદવ અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મિલાપ જોષી પર જીવલેણ હુમલો કર્યો હતો. મિલાપને ફડાકા માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. બનાવની નોંધ કલેકટરે લીધી હતી અને છેક ગાંધીનગર સુધી ઘટનાના પડઘા પડતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કાયદા મુજબ કાર્યવાહી કરવા આદેશો કર્યા હતા. રાજકોટ સીટી પ્રાંત-2 ચરણસિંહ ગોહિલે ઘટનાનો રીપોર્ટ કલેકટરને કર્યો હતો અને યુનિવર્સિટી પોલીસ મથકે સિકયુરીટી એજન્સીના કર્મચારી દ્વારા ફરીયાદ નોંધવા તજવીજ કરાઇ છે.

હેલ્થ વર્કરની અરજી મળતા જ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે હુમલો કરનાર કોરોના મૃતકના બે પુત્રોની અટકાયત કરી હતી. બંને હાલ અભ્યાસ કરતા હોવાથી તેમનું ભવિષ્ય ન બગડે તે માટે હેલ્થ વર્કરે ફરીયાદ નહીં કરવા ઇચ્છા વ્યકત કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કલેકટરના જણાવ્યા મુજબ કોરોના વોરીયર્સ પર થતા હુમલા કોઇ કાળે સાંખી નહી લેવા ફરીયાદ થશે.


Related News

Loading...
Advertisement