જંગી ઉત્પાદનનો અંદાજ છતાં ખાદ્યતેલો સળગ્યા

15 September 2020 04:19 PM
Rajkot Gujarat Saurashtra
  • જંગી ઉત્પાદનનો અંદાજ છતાં ખાદ્યતેલો સળગ્યા

રેકોર્ડબ્રેક પાક છતાં લોકોને સસ્તું સીંગતેલ નહિં મળે : સીંગતેલનો ડબ્બો 2000 ને પાર: કપાસીયા તેલમાં બે દિ’માં રૂા.50 તથા સનફલાવરમાં રૂા.100ની જોરદાર તેજી

રાજકોટ તા.15
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારા-સંતોષકારક વરસાદને પગલે મગફળી સહિતના ખરીફ પાકના જંગી-મબલખ ઉત્પાદનના અંદાજ વચ્ચે સીંગતેલ સહીતના ખાદ્યતેલો એકાએક સળગવા લાગ્યા છે. બે દિમાં જ મોટો ભાવવધારો થતા વેપારીઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા છે.

તેલબજારના સૂત્રોએ કહ્યું છે કે મુખ્યત્વે સીંગતેલ-કપાસીયા તેલ તથા સૂર્યમુખી તેલમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં ધરખમ ભાવવવધારો થયો છે. સીંગતેલ લુઝનો ભાવ 1200-1225 આસપાસ અટવાયા બાદ બે જ દિવસમાં 1275 થઈ ગયો છે. સીંગતેલ નવા ડબ્બાનો ભાવ 2135 વાળો 2200ની સપાટીને આંબી ગયો હતો.

આ જ રીતે કપાસીયા તેલમાં પણ ડબ્બે 50 રૂપિયા વધી ગયા છે. 1565 વાળો ભાવ 1600ને વટાવી ગયો છે. સનફલાવર તેલમાં પણ ડબ્બે 100 રૂપિયા વધી ગયા છે. પામોલીનમાં બે દિવસમાં રૂા.20નો ભાવવધારો થયો છે. કપાસીયા તેલની તેજી પાછળનું કારણ શોર્ટ સપ્લાય ગણવામાં આવે છે. કપાસનું વાવેતર ઓછુ થયુ છે.તેમાં પણ ઓગસ્ટનાં ભારે વરસાદથી નુકશાન થયુ છે.એટલે કાચામાલની મળતર ઓછી રહેવાની ભીતિ છે. સન ફલાવર તેલને લાગેવળગે છે ત્યાં સુધી ઉત્પાદક રાષ્ટ્રોમાં ઓછા પાકના રીપોર્ટથી તેજી થઈ છે.

બીજી તરફ સીંગતેલમાં તો નવી સીઝનમાં મોટુ ઉત્પાદન થવાનું હોવા છતાં જોરદાર તેજીથી વેપારીઓને પણ આશ્ચર્ય છે. મગફળીનું મબલખ ઉત્પાદન થવાનું છે ગ્રાહકો સસ્તુ સીંગતેલ મળવાની આશા રાખી રહ્યા છે.ધીમી ગતિએ નવી સીઝન શરૂ પણ થઈ ગઈ છે. સરકારે ટેકાના ભાવે ખરીદી વહેલી કરવાની જાહેરાત કર્યાનો પડઘો પડવાનું મનાય છે કારણ કે પ્રારંભીક માલ ખેડુતો બજારમાં મુકવાનાં બદલે સરકારને જ વેચે તેમ છે એટલે પિલાણમાં મગફળી ઓછી આવશે.


Related News

Loading...
Advertisement