માળીયાના કુંતાસી ગામે જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ

15 September 2020 03:51 PM
Morbi
  • માળીયાના કુંતાસી ગામે જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ

મોરબી તા.15
માળીયા તાલુકાના કુંતાસી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 15400 ની રોકડ કબજે કરીને કાર્યવાહી કરી હતી.
કુંતાસી ગામે ચતુરભાઈ મનજીભાઈ કોળી ની દુકાન પાસે ઓટલા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની માળિયા તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ચતુરભાઈ મનજીભાઈ કોળી, લાભુભાઈ મગનભાઈ કોળી, વિજયભાઈ ઉર્ફે ભુપતભાઈ દેવાભાઈ નાટડા, કિશનભાઇ દેવજીભાઈ સોમાણી અને ભરતભાઈ પ્રતાપભાઈ બાબરીયા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા તેથી પોલીસે 15400 ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો જુગારની બીજી રેડ હળવદ તાલુકાના નવા કડીયાણા ગામે કરસનભાઈ ઉર્ફે હકી વાઘજીભાઈ કોળીના ઘર પાસે કરવામાં આવી હતી ત્યારે આરોપી વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને તેની પાસેથી વરલી જુગારનું સાહિત્ય અને રોકડા 1572 રૂપિયા કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપરમાં મારામારી
મોરબી તાલુકાના જેતપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં લલીતભાઈ બાબુભાઇ ભોજવીયાનું મકાન આવેલ છે જેની બાજુમાં ફરિયાદી અબ્દુલભાઈ નથુભાઈ કેડ સંધીનો પ્લોટ આવેલો છે આ બંને વચ્ચેથી 10 ફૂટનો ચાલવા માટેનો જાહેર રસ્તો આવેલો છે જોકે આ રસ્તા ઉપર ટાઈલ્સના થપ્પા મૂકીને ચાર ફૂટની ગેરકાયદેસર દિવાલ ફરીયાદી દ્વારા બનાવી નાખવામાં આવી છે જે લલીતભાઇને સારુ નહી લાગતા તેને તેના બે ભાઇ દિલીપભાઇ અને મગનભાઇને બોલાવ્યા હતા બાદમાં ત્રણેય શખ્સોએ ધોકા અને પાઇપ વડે ફરીયાદીને મારમાર્યો હતો જેથી ભોગ બનેલા આધેડે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને હાલમાં આ બનાવમાં તપાસ શરૂ કરેલ છે.

સગીરાનું અપહરણ
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને મુકેશ બાબુભાઈ મકવાણા નામનો રાતાવિરડા ગામે રહેતો શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાથી હાલમાં સગીરાનું અપહરણ થયુ હોવાની ભોગ બનેલી સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


Loading...
Advertisement