સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા હજુ અષાઢી મુડમાં : વધુ 1 થી સાડા ચાર ઇંચ

15 September 2020 12:42 PM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા હજુ અષાઢી મુડમાં : વધુ 1 થી સાડા ચાર ઇંચ
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા હજુ અષાઢી મુડમાં : વધુ 1 થી સાડા ચાર ઇંચ
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા હજુ અષાઢી મુડમાં : વધુ 1 થી સાડા ચાર ઇંચ

લાલપુર અને ગિરનાર પર ધોધમાર વરસાદ : મોરબી-જુનાગઢમાં 2-2, ઉપલેટામાં પોણા બે ઇંચ : કચ્છ, અમરેલી જિલ્લામાં પણ વરસાદ ચાલુ

રાજકોટ, તા. 15
સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ભારે વરસાદની આગાહી વચ્ચે સાતેક જિલ્લાઓમાં અડધાથી સાડા ચાર ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત વિસ્તારમાં ચાર ઇંચ ખાબકયો છે.

લાલપુરમાં સાડા ચાર ઇંચ (108) મીમી વરસાદ પડયો છે. 24 કલાકમાં જામનગર જિલ્લામાં આ સિવાય કાલાવડમાં 3 ઇંચ, જામનગરમાં 1, ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. મોરબીમાં બે ઇંચ, ટંકારામાં દોઢ ઇંચ, જુનાગઢ અને ઉપલેટામાં પોણા બે ઇંચ, અમરેલીમાં 1 ઇંચ, અન્યત્ર છુટો છવાયો ઝાપટાથી માંડી અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

તા. 16 થી 18 ગુજરાતના અમુક ભાગોમાં ફરી ભારે વરસાદની આગાહી છે. કચ્છના 10 પૈકી 8 તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. ભુજમાં એક, માંડવી અને નખત્રાણામાં અડધો ઇંચ, અબડાસા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, મુંદ્રામાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

જુનાગઢ જિલ્લો
છેલ્લા ત્રણ દિવસથી જુનાગઢ શહેર અને જીલ્લામાં શ્રાદ્ધના દિવસોમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે.

ગઇકાલે ગિરનાર જંગલમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા 8મી વખત વિલીંગ્ડન ડેમ ઓવરફલો થઇને વહી રહ્યો છે. કાળવો, સોનરખ નદી બે કાંઠે વહી રહી છે ઉપરાંત જુનાગઢના આણંદપુર, હસ્નાપુર ડેમ ઓવરફલો થઇને વહી રહ્યા છે. નરસિંહ મહેતા સરોવર પણ બે કાંઠે વહી રહ્યું છે જુનાગઢને પાણી પુરતા ત્રણેય ડેમ ઓવરફલો થઇને વહી રહ્યા છે. શહેર પાણી પાણી થઇ જવા પામ્યું છે.
જોષીપરા અન્ડરબ્રીજ ફરીવાર સ્વીમીંગ પુલ બનવા પામ્યો છે. કોઇ વાહનો અંદર ન જાય તે માટે બેરીકેટ મુકવામાં આવ્યા છે. નીચાણવાળા મોતીબાગ, દોલતપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જુનાગઢ શહેરમાં ગઇકાલે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબકયો હતો. ગત રાત્રીના દરમ્યાન જુનાગઢમાં 46 મીમી મેંદરડા 28 મીમી, વિસાવદર 20 મીમી, વંથલી 17 મીમી, ભેંસાણ 6 મીમી, માંગરોળ-માણાવદરમાં પ મીમી વરસાદ ખાબકયો હતો. ગ્રામ્ય પંથકમાં એક ઇંચ વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. માત્ર કેશોદ અને માળીયા ખાતે મેઘરાજાએ વિરામ લીધો હતો.

મોરબી
મોરબી શહેર અને જીલ્લામાં ગઇકાલે સવારથી બપોર પછી અચાનક જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા તાલુકામાં બપોર પછી મેઘરાજાએ સટાસટી બોલાવી દેતા ગણતરીની મીનીટોની અંદર ભારે વરસાદ પડવાના કારણે મુખ્ય માર્ગો ઉપરથી વરસાદી પાણી વહી ગયા હતા જેથી વાહન ચાલકો સહિતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મોરબી જીલ્લાના કંટ્રોલ રૂમ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકામાં 47 મીમી, ટંકારા તાલુકામાં 37 મીમી અને વાંકાનેર અને માળીયા 20-20 મીમી વરસાદ થયો હતો.

મચ્છુ-2 ડેમના પાંચ દરવાજા ખોલાયા
મોરબીમાં ભારે વરસાદને પગલે ડેમોમાં પણ ફરી નવા નીરની આવક શરૂ થઇ છે. મચ્છુ ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક નોંધાઇ છે. જેના કારણે ડેમની સપાટી જાળવી રાખવા માટે ત્રણ દરવાજા ત્રણ ફુટ ખોલવામાં આવ્યા હતા.ત્ત્યારબાદ દરવાજાની સંખ્યા વધારી દેવામાં આવી છે. આમ હાલ ડેમના પાંચ દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અમરેલી
અમરેલી શહેર સહિત જિલ્લાનાં અર્ધા ઉપરાંતનાં વિસ્તારોમાં ગઈકાલે સોમવારે પણ વરસાદ પડતાં ખેતરોમાં પાકો નિષ્ફળ જવાની સંભાવના વધી જવા પામી છે. શહેરમાં સાંજનાં સમયે ધોધમાર વરસાદ પડી જતાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલી શહેર ઉપરાંત વિઠ્ઠલપુર ખંભાળીયા, વડેરા, ફતેપુર, નાના ભંડારીયા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં, નદી-નાળાઓ તથા નેરાઓમાં પાણી વહેતા થયા છે જયારે વડેરા ગામે એક રહેણાંક મકાનમાં વીજળી પડતા ઈલેકટ્રીક સાધનો બળી ગયા છે. જો કે જાનહાની થવા પામેલ નથી.

આ ઉપરાંત સાવરકુંડલા નજીકનાં ગ્રામ્ય વિસ્તારો તથા ખાંભા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડયા લીલીયા, ભેંસાણ, ક્રાંકચ, અંટાળીયા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

બાબરામાં એક દિવસ બાદ ફરી ધરાઈ, પીર ખીજડીયા, કોટડાપીઠા, વાવડી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.

ટંકારા
ટંકારામાં ગઇકાલે સાંજે છ વાગ્યા આસપાસજોરદાર વરસાદ પડેલ એકાદ કલાક માં દોઢ ઈચ વરસાદ પડેલ છે ટંકારા તાલુકાના સરાયા ,નેસડા સાવડી વિગેરે ગામોમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડેલ છે.
ટંકારામાં મોસમનો કુલ વરસાદ બાવન ઇંચ થયેલ છે રાજકોટ -. મોરબી રોડ ની કામગીરી ના કારણે એમ. ડી. સોસાઈટીના પાણીનો નિકાલ બંધ થતાં પાણી ભરાયાં હતા.


Related News

Loading...
Advertisement