ડ્રગ્સ કેસમાં હવે સારા, રકુલ, સિમોનનો ‘વારો’

15 September 2020 11:28 AM
Entertainment India
  • ડ્રગ્સ કેસમાં હવે સારા, રકુલ, સિમોનનો ‘વારો’

એનસીબી સમન્સ મોકલવાની તૈયારીમાં, 25 બોલિવુડ હસ્તીઓની ડ્રગ્સ મામલે યાદી તૈયાર હોવાનો ઇન્કાર કરતી એનસીબી

મુંબઇ તા. 15
સુશાંત રાજપુતના આપઘાત કેસ મામલે ડ્રગ્સની તપાસ કરી રહેલ નાર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રિત સિંહ અને ડિઝાઇનર સિમોન ખંભાતાને સમન્સ મોકલાવે તેવી શકયતા છે. રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ મામલે ઉપરોકત ત્રણેયના નામનો ખુલાસો કરતા તેમની પુછપરછ કરાય તેવી શકયતા છે.

એનસીબીના ડેપ્યુટી ડિરેકટર કેપીએલ મલ્હોત્રાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે એનસીબીએ ડ્રગ્સ મામલે બોલિવુડની 25 હસ્તીઓના નામની યાદી તૈયાર કરી હોવાની અફવાનું ખંડન કર્યું હતું.
રિયાએ કસ્ટોડીયલ પુછપરછ દરમિયાન સારા, રકુલ અને સિમોનના નામનો ખુલાસો કર્યો હતો. જોકે એનડીપીએસનાં વકીલના કહેવા પ્રમાણે ‘માત્ર રિયાના નિવેદનના આધારે એનસીબી કોઇ પગલાં લઇ ન શકે. આ માટે જરૂરી પુરાવા હોવા આવશ્યક છે.’

એનસીબીએ સોમવારે સુશાંતના નજીકના મિત્ર સુર્યદીપ મલ્હોત્રા (ઉ.વ. 23) ની ધરપકડ કરી હતી. સુર્યદીપને ડ્રગ મામલે મહત્વની કડી માનવામાં આવે છે. એનસીબીનાં અધિકારીઓના જણાવ્યા મુજબ ‘સુર્યદીપ બોલિવુડમાં ડ્રગ સાથે સંકળાયેલી અનેક હસ્તીઓના નામના ખુલાસા કરી શકે છે. સુર્યદીપનું નામ શૌવિક ચક્રવર્તીની ચેટમાં પણ સામે આવ્યુ હતુ. સુશાંતનાં કેપરી હાઇટ અને માઉન્ટ બ્લેન્ક એપાર્ટમેન્ટમાં સુર્યદીપની વારંવાર આવન-જાવન રહેતી હતી. તે શૌવિક સાથે લગભગ દરેક જગ્યાએ હાજર જોવા મળતો હતો. તે શૌવિકને ઘણી વખત ડ્રગ પાર્ટીમાં પણ લઇ ગયો હતો. સુર્યદીપ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેણે જ શૌવિકની અબ્દુલ બાસિત સાથે મુલાકાત કરાવી હતી. જે પછી બાસિતે અબ્બાસ, જૈદ અને કરણ સાથે મુલાકાત કરાવી હતી.

બાન્દ્રાથી વર્સોવા સુધી અનેક ડ્રગ પેડલર સુર્યદીપના સંપર્કમાં હતા. એનસીબીએ સોમવારે અનુજ સહિત અન્યને વિડીયો કોન્ફરન્સીંંગ દ્વારા મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે અનુજ, સંકેત પટેલ, સંદિપ ગુપ્તા અને અફતાબ ફતેહ અંસારીને 23 સપ્ટેમ્બર સુધી તથા કરમજીત સિંહ, ડવૈન ફર્નાંડિસ અને અંકુશ અનરેજાને 18 સપ્ટેમ્બર સુધી ન્યાયીક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા હતા.
એનસીબીએ સુશાંત રાજપુત મામલામાં ડ્રગ એંગલની તપાસ કરી રહયા છે. આ સિલસિલામાં મુંબઇ અને ગોવામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગોવાના રહેવાસી ક્રિસ કોસ્ટાને ત્યાંથી એનસીબીએ 1પ લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. જેના પર ડ્રગ પેડલીંગ કરવાના આક્ષેપો થઇ રહયા છે.


Related News

Loading...
Advertisement