હેટ-સ્પીચ હોરર : ભારતના ફેસબૂક પોલિસી ચીફ પર સકંજો!

15 September 2020 11:15 AM
India Technology
  • હેટ-સ્પીચ હોરર : ભારતના ફેસબૂક પોલિસી ચીફ પર સકંજો!
  • હેટ-સ્પીચ હોરર : ભારતના ફેસબૂક પોલિસી ચીફ પર સકંજો!
  • હેટ-સ્પીચ હોરર : ભારતના ફેસબૂક પોલિસી ચીફ પર સકંજો!

ફેસબૂક, વોટ્સએપ સહિતના અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બે જૂથોમાં વિભાજીત થઈ ગયા છે : ડાબેરી અને જમણેરી! બંને પક્ષ પોતપોતાની વિચારધારાને સત્ય ઠેરવવા માટે અલગ અલગ નુસખા અજમાવતાં રહે છે, જેમાં સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ સામેલ છે. દુ:ખની વાત એ છે કે બંને પક્ષો તરફથી અમુક વખત એવા શબ્દો, વિધાનો, નિવેદનો ઉચ્ચારાય છે જે હેટ-સ્પીચ ફેલાવવાનું કામ કરે છે. દાયકાઓથી આ સિલસિલો ચાલુ રહ્યો છે. સોશિયલ મીડિયાના આગમન બાદ હવે વર્ચ્યુઅલ હેટ-સ્પીચ વધુ પ્રચલિત બની છે.

દરેક મોટા દેશોમાં ફેસબૂકના પોતાના અલગ હેડક્વાર્ટર્સ છે, જેનું મુખ્ય કાર્ય ફેસબૂક યુઝર મેનેજમેન્ટથી માંડીને તેના પર ઠલવાઈ રહેલાં કોન્ટેન્ટને ફિલ્ટર કરતા રહેવાનું છે. પબ્લિક પોલિસી ચીફ આંખી દાસ હાલ ભારતના ફેસબૂક માટે પોલિસી ઘડવાનું કામ કરે છે. હેટ-સ્પીચ અને નેગેટિવિટી ફેલાવતા ફોટો, વીડિયો અથવા લખાણને તાત્કાલિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાનું કામ તેઓની ટીમ કરે છે. પાછલા દિવસોમાં આંખી દાસને ફેસબૂક યુઝર્સ તરફથી આપવામાં આવેલી ખૂન અને બળાત્કારની ધમકીઓએ આપણને સોશિયલ મીડિયાના નકારાત્મક પ્રભાવ વિશે વિચાર કરવા માટે મજબૂર કરી દીધા છે!

શા માટે ફેસબૂકની પબ્લિક પોલિસી ચીફ વિરૂદ્ધ ’આંખી દાસ મુર્દાબાદ’ જેવો નારો લગાવવામાં આવ્યો? શું ખરેખર ફેસબૂક હવે દિવસે ને દિવસે અરાજકતા ફેલાવવા પાછળનો મૂળ સ્ત્રોત બની રહ્યું છે? અભિવ્યક્તિની આઝાદીના નામે ફેસબૂકને આપણે ક્યાંક ’ટેકન ફોર ગ્રાન્ટેડ’ તો નથી લઈ રહ્યા ને? થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ પણ આક્ષેપ લગાવ્યો હતો કે ફેસબૂક ભાજપની તરફેણ કરી રહ્યું છે. સાચા-ખોટાની પરવાહ કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે તમે પણ આ ‘હેટ-સ્પીચ હોરર’નો હિસ્સો તો નથી ને?

લાઇવ WIRE - પરમ ભટ્ટ : થોડા દિવસો પહેલાની જ વાત છે. ફેસબૂકના ભારત ખાતેના હેડક્વાર્ટરમાં કામ કરતી પબ્લિક પોલિસી ચીફ આંખી દાસે પાંચ શખ્સો વિરૂદ્ધ દિલ્હી પોલીસ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. તેમનું કહેવું છે કે આ પાંચેય વ્યક્તિઓએ એમને મારી નાંખવાની ધમકી આપી છે. ફેસબૂક પર ઑનલાઇન પોસ્ટ અને કોન્ટેન્ટના માધ્યમથી તેઓ એમના શરીર વિશે અણછાજતી કમેન્ટ કરી રહ્યા છે!

આંખી દાસે જે પાંચ શખ્સ (હિમાંશુ દેશમુખ, અવેશ તિવારી, અનામિકા સિંઘ, ત્રાવિસ બિકાલ અને ‘જસ્ટ-એનેલિસીસ’ નામના ટવીટર હેન્ડલ યુઝર) વિરૂદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી તેઓ પોતપોતાના ક્ષેત્રમાં જાણીતી હસ્તીઓ છે. આ ઘટના પાછળની કહાની દિલચસ્પ છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ દ્વારા થોડા દિવસ અગાઉ એક લેખ છાપવામાં આવ્યો હતો, જેમાં આંખી દાસની પક્ષપાતી વર્તણૂંકનો અહેવાલ પણ હતો. લેખમાં જણાવ્યા મુજબ, ભાજપના કેટલાક નેતાઓ અને હિંદુત્વવાદી ગ્રુપ્સ માટે આંખી દાસે ફેસબૂકની પોલિસીમાં બદલાવ કર્યા હતાં. આમ કરવાથી તેઓના કોન્ટેન્ટને ફેસબૂકના હેટ-સ્પીચ અંગેના નિયમો ન પાળવાની છૂટ મળી ગઈ હતી.

આ વાત કેટલાક જર્નલિસ્ટ અને ડાબેરીઓના ધ્યાનમાં આવી. લેખની પુષ્ટિ કર્યા વગર તેઓ આંખી દાસ પર તૂટી પડ્યા. ઑનલાઇન ટ્રોલિંગ ચાલ્યું. બિભત્સ કમેન્ટ્સનો મારો વરસાવવામાં આવ્યો. હિન્દી ટીવી ન્યુઝ ચેનલ ‘સ્વરાજ એક્સપ્રેસ’ માટે કામ કરતા પત્રકાર અવેશ તિવારીએ પણ આંખી દાસની વિરૂદ્ધમાં બોલવાનું શરૂ કરી દીધું. તેના શરીરના રંગ, દેખાવ, જાતિ પર ટિપ્પણીઓ કરવામાં આવી. બળાત્કાર, ખૂન સહિતના ગુનાઓ આચરવા સુધી પહોંચી ગઈ. ફેસબૂક પબ્લિક પોલિસી ચીફ એક હદ્દથી વધારે આ બધું સહન ન કરી શકી અને તેણે દિલ્હી પોલીસ સાયબર સેલમાં જઈને ફરિયાદ નોંધાવી.

અવેશ તિવારી પણ એમ શાંત બેસી જાય એવો નહોતો. એણે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે પોતે આંખી દાસને ઓળખતો જ નથી. સબૂત માંગવામાં આવ્યા. ફોન-કોલ્સની યાદી તપાસવામાં આવી. અવેશ તિવારીના જણાવ્યા મુજબ, આંખી દાસ સાથે તેની કોઈ પ્રકારની વાતચીત થયાના પુરાવા મળી શક્યા નહીં. તો પછી સવાલ એવો ઉદભવ્યોે કે આંખીએ આખરે અવેશ તિવારીના નામે ફરિયાદ નોંધાવી શા માટે?

તેની પાછળનું કારણ એ હતું કે અવેશ તિવારીએ પોતાના ફેસબૂક અકાઉન્ટમાં ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના લેખના આઠ મહત્વના મુદ્દા ટાંકીને તેની સામે પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે આંખી દાસને ખટક્યું. પરંતુ અવેશ તિવારીએ આ પોસ્ટ કર્યા બાદ આંખી દાસ સાથે ફેસબૂક પર અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે વાતચીત અથવા ટિપ્પણી આપી હોય તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નહીં.

બાકીના યુઝર્સ પણ આવી જ રીતે આ કેસમાં ઢસડાયા. હિમાંશુ દેશમુખે અવેશ તિવારીની પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી, જેમાં આંખી દાસના અકાઉન્ટને ટેગ કરવામાં આવ્યું. (ફેસબૂક પર સમજ્યા-વિચાર્યા વગર પોસ્ટ શેર કરવાનો અંજામ શું આવી શકે એનું આ જીવંત ઉદાહરણ છે!) આ અંગે વાત કરતા હિમાંશુ જણાવે છે કે, ફેસબૂકની પોલિસીઓ કડક છે. અગર એના અલ્ગોરિધમને જરા પણ એવું લાગે કે હેટ-સ્પીચ રૂલ્સનું ખંડન થઈ રહ્યું છે તો તરત તે યુઝરની પોસ્ટ ડિલીટ કરી નાંખે છે. પરંતુ આ કેસમાં એવું થયું નહીં. ન તો અવેશ તિવારીની પોસ્ટ ડિલીટ થઈ કે ન તો હિમાંશુ દેશમુખની! આ કારણોસર એમણે સામો સવાલ એ ઉઠાવ્યો કે ફેસબૂકને અમારી પોસ્ટમાં કંઈ વાંધાજનક કોન્ટેન્ટ ન લાગ્યું તો પછી આંખી દાસે શું વિચારીને પોલીસમાં ફરિયાદ નોંધાવી?

આ ઘટનાને કારણે અવેશ તિવારી અને બાકીના યુઝર્સને એમ કહેવાનો મોકો મળી ગયો કે ફેસબૂક અભિવ્યક્તિની આઝાદી સાથે છેડછાડ કરી રહ્યું છે. અવેશ તિવારીની કંઈ કેટલીય પોસ્ટ્સ આડેધડ રીતે ફેસબૂકમાંથી ડિલીટ થઈ ચૂકી છે. સામાન્ય રીતે જ્યારે યુઝરની કોઈ પોસ્ટ ડિલીટ થાય ત્યારે તેને ઇમેઇલ અથવા અન્ય કોઈ રીતે ફેસબૂક દ્વારા પોસ્ટ ડિલીટ કરવાનું કારણ આપવામાં આવે છે. અરંતુ અવેશ તિવારીને આવા કોઈ કારણો હજુ સુધી મળ્યા નથી. તેની પોસ્ટ પર કાતર ફરી રહી છે.

કંટાળીને તેણે પણ આંખી દાસ વિરૂદ્ધ રાયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં તેણે સ્પષ્ટપણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આંખી દાસ દ્વારા તેના સ્વતંત્રતાના અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે. તેણે એફ.આઈ.આર.માં એમ પણ જણાવ્યું કે દેશમાં જાતિવાદ તથા અરાજકતા ફેલાવવા બદલ આંખી દાસને કડક સજા થવી જોઈએ. તે ફક્ત આટલેથી જ અટક્યો નહીં. પોતાની ફેસબૂક પોસ્ટ્સ પર જેમ ફાવે એવી ગાળો લખનાર વિવેક સિંહા અને રામ સાહુ નામના બે યુઝર્સની વિરૂદ્ધમાં પણ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી.

દિવસે ને દિવસે આ કેસમાં નવા ટવીસ્ટ આવી રહ્યા છે. આંખી દાસ અને અવેશ તિવારીમાંથી અંતે કોની જીત થશે એ કહી શકવું મુશ્કેલ છે. પુરાવાઓની શોધખોળ થઈ રહી છે. નવા નવા નામો સામે આવી રહ્યા છે.

રોજબરોજ આપણે કેટકેટલાય યુઝર્સ અને ફેસબૂક પોસ્ટ્સના સંપર્કમાં આવીએ છીએ. કયું અકાઉન્ટ ફેક છે અને કયું સાચું, એ પરખવું મારા-તમારા જેવા સામાન્ય માણસ માટે અઘરું છે. એટલે જ કોઈ પણ પોસ્ટને શેર કરતા પહેલાં અથવા તેના પર ટિપ્પણી આપતાં પહેલાં એ ચકાસી લેવું જોઈએ કે આપણા એક પગલાંથી કોઈ વ્યક્તિની ગરિમા અથવા આત્મસ્વમાનને હાનિ તો નથી પહોંચી રહી ને?

bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement