કયા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ ? ગૂગલ મહિનાઓ પહેલાં કહી દેશે

15 September 2020 11:00 AM
India Technology World
  • કયા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ ? ગૂગલ મહિનાઓ પહેલાં કહી દેશે

ગૂગલ ટ્રેન્ડસના અભ્યાસના આધારે અમેરિકી નિષ્ણાંતોનો દાવો: જે લોકોને પેટની બીમારી સૌથી વધુ રહે છે તેઓ કોરોનાની ઝપટે ઝડપથી ચડી જતાં હોવાની ચેતવણી

નવીદિલ્હી, તા.15
કોઈ વિસ્તારમાં જો સંક્રમણ ફેલાઈ રહ્યું છે ગૂગલની મદદથી મહિનાઓ પહેલાં તેની જાણકારી મળી જશે. અમેરિકી નિષ્ણાતોએ ગૂગલ ટ્રેન્ડસના અભ્યાસના આધારે આ દાવો કર્યો છે. આ નિષ્ણાતોના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ એટલે કે પેટની બીમારી સાથે જોડાયેલાં લક્ષણોની વધુ ખોજ કરાઈ બાદમાં એ સ્થાન કોરોના હોટસ્પોટમાં તબદીલ થઈ ગયું હતું. જો આ વાતને મુખ્ય સંકેત માની લેવામાં આવે તો લાખો લોકોને સંક્રમણની ઝપટમાં આવવાથી બચાવી શકાય છે.

અમેરિકાની મૈસાચ્યુસેટ જનરલ હોસ્પિટલના નિષ્ણાતોએ જાન્યુઆરીથી મે મહિના સુધી અમેરિકાના 15 રાજ્યોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં તેમણે શોધી કાઢ્યું કે આ મહિનાઓમાં ન્યુયોર્કમાં સૌથી વધુ લોકોએ પેટ સંબંધી બીમારી વિશે ગૂગલમાં સર્ચ કર્યું હતું.

મોટાભાગના લોકોએ પાચનતંત્રમાં ઈન્ફેક્શન, સોજા, પેટમાં ગોટાળો થવો, ઝાડા-ઊલટી, ગભરામણ, તાવ વગેરે વિશે ગૂગલ થકી માહિતી મેળવી હતી. તમામ લોકોએ સૂંઘવાની શક્તિમાં ઘટાડા વિશે પણ મહદ્ અંશે સર્ચ કર્યું હોવાનું નિષ્ણાતોના અભ્યાસમાં બહાર આવ્યું છે. જેમ જેમ સંક્રમણ વધતું ગયું તેમ તેમ બીમારીઓ વિશે શોધ કરનારા લોકોની સંખ્યા સતત વધતી ગઈ છે. નિષ્ણાતોએ આ આધારે ચેતવણી પ્રણાલી પણ વિકસિત કરી છે.

ગૂગલ ઈન્ડિયાના વડા સંજ ગુપ્તાએ જણાવ્યું કે અમે નવ ભાષાઓમાં મહામારી વિશષ લોકો સુધી સાચી જાણકારી પહોંચાડી છે. અત્યારે ભારતમાં 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે જે ગૂગલનો સતત ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં 200 કરોડ વખત મહામારી વિશે લોકોએ સર્ચ કર્યું હોવાનું ગુપ્તાએ જણાવ્યું હતું. જ્યારે 45 કરોડથી વધુ લોકો ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

ક્લિનિકલ ગેસ્ટ્રો એન્ટરોલોજી અને હેપેટોલોજી જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર જો શરૂઆતથી આ પ્રકારના સર્ચ ઉપર શરૂઆતથી જ નજર રાખવામાં આવશે તો તમામ વિસ્તારોને હોટસ્પોટમાં તબદીલ થતાં બચાવી શકાયા હોત કેમ કે સરકારો પહેલાંથી જ સાવચેત બની ગઈ હોત અને લોકેશન જોઈને ત્યાંના તમામ લોકોનો ઝડપથી ટેસ્ટ કરી લેવાયો હોત. આવું કરવાથી સંક્રમિતોને અન્ય લોકોથી અલગ કરવા પણ સરળ બની જાય તેમ હતા. મહામારી સામે લડવા માટે આપણી પાસે આ પ્રકારની શ્રેષ્ઠ ટેકનીક હતી.


Related News

Loading...
Advertisement