વિંછીયાના ગઢાળા ગામે ઘરે ઘરે પાણી વિતરણ : નલ સે જલ યોજના શરૂ

15 September 2020 10:32 AM
Jasdan
  • વિંછીયાના ગઢાળા ગામે ઘરે ઘરે પાણી વિતરણ : નલ સે જલ યોજના શરૂ

વાસ્મો આધારિત 21.54 લાખના ખર્ચે તૈયાર થયેલ પાણી યોજનાથી ગ્રામજનોને પાણી મામલે કાયમી નિરાંત

જસદણ, તા. 15
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સૌથી છેવાડાના ગામ ગઢાળા ખાતે નલ સે જલ અન્વયે વાસ્મો દ્વારા રૂા. 21,54,269 ના ખર્ચે તૈયાર થયેલ ગામના તમામ 327 ઘરો સુધી ઘરે-ઘર નળ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનું પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ યોજાયું હતું.
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાનું સૌથી છેવાડાનું ગામ ગઢાળા આ નલ સે જલ યોજના અન્વયે હવે સૌથી પહેલા પાણીદાર ગામ બની અન્ય આસપાસના ગામો માટે આર્દશ બન્યું છે.

તેમ ગઢાળા ખાતે ઘરે- ઘર નળ દ્વારા પાણી વિતરણની યોજનાનું લોકાર્પણ કરતા પાણી પ્રુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇમોદીના મહત્વાકાંક્ષી એવા ઓગમેન્ટેશન જનરલ ઇન રૂરલ એરીયા ટેપ કનેકટીવીટી કાર્યક્રમ અન્વયે સમગ્ર દેશમાં ગ્રામ્ય કક્ષાએ ઘર આંગણે નળ દ્વારા પાણી વિતરણની યોજના અમલી બનાવી છે. જે અંતર્ગત રાજયના તમામ ગામોનો તબક્કાવાર આ યોજના અન્વયે સમાવેશ કરી અમલીકરણ થશે. જેથી ગ્રામ્યકક્ષાએ લોકોને ખાસ કરીને મહિલા વર્ગને દુર સુધી પાણી ભરવા જવાની મુશ્કેલીમાંથી રાહત થશે.

આ તકે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે નાના અને છેવાડાના છતાં આદર્શ એવા આ ગામમાં વાસ્મો દ્વારા રૂા. 21,54,269 ના ખર્ચે તૈયાર થયેલ આ યોજના જિલ્લા સમિતિ દ્વારા તા. 28/01/2020માં મંજુર થયેલ હતી. પરંતુ ગામના જાગૃત સરપંચશ્રી ભરતભાઇ ગરણીયા, અને ગોરસભાઇ તથા અરવીંદભાઇની ટીમે ગામના ઘરેઘરે ફરી લોકોને જાગૃત કરી ઘરદીઠ લોકફાળો ઉઘરાવી વાસ્મો દ્વારા રૂા. 21,54,269 ના ખર્ચે તૈયાર થયેલ ઘરે ઘરે નળ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા માટે રૂા.2,35,000/-નો લોકફાળો એકત્ર કર્યો છે. આમ આ યોજના ખરેખર તો ગામની પોતીકી યોજના છે માટે ગામના દરેક નાગિરકે આ યોજના અન્વયે થયેલ કામગીરીનું જતન થતા રાખરખાવ રાખવા તૈયાર રહેવા તથા પાણીનો બગાડ ન કરી યોગ્ય ઉપયોગ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

જસદણ અને વિછિંયા તાલુકાઓ કાયમ પાણીની અછત ભાગવતાં તાલુકાઓ છે. પરંતુ આલણસાગર સહિતના આ તાલુકાઓના જળાશયોને સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી મળતા હવે પાણીની અછત નહીં રહે. આ ઉપરાંત નલ સે જલ યોજના દ્વારા ઘરેઘર પાણીનું વિતરણ શકય બનતા પીવાના પાણી માટે આ તાલુકાની મહિલાઓને બેડા માથે ઉંચકી દુર સુધી હવે જવું નહીં પડે તે બાબતે સંતોષ વ્યકત કરતા મંત્રીશ્રી બાવળીયાએ સરપંચ ભરતભાઇ તથા તેમની ટીમ અને ગામ લોકાની પીવાના પાણી માટેની આ યોજનામાં આગેવાની કરવા અંગે પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઢાળા ગામે ત્રણ ઘટકોમાં થયેલ આ કામગીરીમાં પ્રથમ ઘટકમાં સૌની યોજના અન્વયે ભડલી જુથ યોજના અંતર્ગત ગામથી આવતા પાણીના સંગ્રહ માટેના સમ્પથી ગામની તમામ શેરીઓ સુધીની પાઇપલાઇન બીછાવાઇ હતી. બીજા ઘટકમાં શેરીઓથી 327 ઘરો સુધી અડઘાની પાઇપલાઇન ઘરેઘર સુધી પહોંચાડાઇ હતી. જયારે ત્રીજા ઘટકમાં સમ્પ પર 10 હોર્સપાવરની પમ્પીંગ મશીનરી વડે પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવાઇ છે. આમ રાજકોટ જિલ્લાનું સૌથી છેવાડાનું એવું ગઢાળા ગામ હવે પાણીદાર ગામ બન્યું છે.

આ કાર્યક્રમમાં વિંછિયા તાલુકા વિકાસ અધિકારી વી.આર.રાબા., મામલતદાર આર.બી.ડાંગી, જિલ્લા પંચાયતના સદસ્ય કાળુભાઇ, વાસ્મોના અધિકારી નિતિનભાઇ રૂપારેલીયા, કર્મચારીશ્રી મગનભાઇ અઘારા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement