તીર્થનગરી પાલીતાણામાં કોરોના મહામારી વચ્ચે ગંદકી-કચરાના ઢગલા !

15 September 2020 10:28 AM
Bhavnagar
  • તીર્થનગરી પાલીતાણામાં કોરોના મહામારી વચ્ચે ગંદકી-કચરાના ઢગલા !

શહેરની મુખ્ય બજારો-જૈન મંદિરો-ધર્મશાળા આસપાસ સફાઇનો અભાવ : પાલિકા તંત્રની અણઆવડત કે નિષ્ક્રિયતા ?

(મેહુલ સોની)
પાલીતાણા, તા. 15
પાલીતાણા શહેરની મુખ્ય બજારોમાં તેમજ રહેણાંક વિસ્તારો અને વિકસીત સોસાયટી વિસ્તારોમાં અનેક ઠેકાણે કચરાઓના ઢગલાઓ જોવા મળે છે. રોજ રોજ કચરો પુષ્કળ પ્રમાણમાં શહેરના રાજમાર્ગો પર પણ જોવા મળે છે. સફાઇ માટેની ગાડીઓ પણ જોવા મળે છે. છતાં પણ શહેરના રોડ કે રહેણાંકવાળા વિસ્તારો વ્યવસ્થિત સાફ થતા ન હોય પ્રજા સુધરાઇના બેકાળજીભર્યા વલણથી કંટાળી ગઇ છે.

શહેરના દરેક વિસ્તારોમાં સફાઇ અંગેનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. શહેરમાં રાહદારીઓને પ્લાસ્ટીક કોથળીઓ તેમજ કચરાના ઢગલાના કારણે પગ લપસતા પડવાનો પણ ભય સતાવી રહ્યો છે. શહેરના રહેણાંકવાળા અને વિકસીત સોસાયટી વિસ્તારોમાં નિયમિત વ્યવસ્થિત સફાઇ ન થતા હોય અને કચરો વ્યવસ્થિત રીતે ઉપડતો ન હોય એ જવાબદારી કોના શીરે ? અને વિવિધ ઠેકાણે રહેણાંકવાળા વિસ્તારોમાં એકઠો થયેલો કચરો ઉપાડશે કોણ ?

આ ઉપરાંત શહેરના રસ્તાઓ અને ફુટપાથની હાલત પણ કથળી ગઇ છે. એનું રીનોવેશન કયારે થશે તે પ્રજા પુછી રહી છે. પરંતુ પાલીકા તંત્ર આ અંગે અકળ મૌન સેવી રહી છે. આથી પ્રજા પણ વિચારમાં પડી ગઇ છે જાવું તો જાવું કયાં અને ફરીયાદ કરવી તો કોને કરવી ?

કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે. સાંસદ અને ધારાસભ્ય પણ ભાજપના છે. કેન્દ્રમાં મંત્રી તરીકે પણ પાલીતાણાના મનસુખભાઇ માંડવીયા છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા પણ પાલીતાણાના છે. આ ઉપરાંત પાલીતાણા નગરપાલીકામાં પણ ભાજપનું શાસન છે છતાં પણ પાલીતાણાની આ દશા છે.

શહેરમાં ઠેર ઠેર ગંદકીના કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ વધવા પામેલ છે. આ ઉપરાંત પાલીકા દ્વારા વિતરણ થતું ડહોળા પાણીનો કકળાટ લોકોમાં સાંભળવા મળે છે. શહેરની મઘ્યમાં આવેલ ખારો નદી તેમજ લીંડીયો નદી પણ કચરાનું ઘર બની ગયેલ છે. આ બંને નદીમાં સફાઇની જરૂર છે.

શહેરના વિકસીત વિસ્તાર એવા નગરપાલીકાના પ્રમુખના વોર્ડ નં. રમાં આવેલ ડાયમંડ નગરથી કૃષ્ણાચાર્ય સોસાયટી, બદાવડાવાડી વિસ્તારમાં કાચો રસ્તો હોય ચોમાસામાં વાહન ચાલકો અને રાહદારીઓને ખુબ જ યાતના થાય છે. આ માર્ગ નવો બનાવવા પ્રજાજનો દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવેલ છે. છતાં નવો માર્ગ બનતો નથી ડો. દવે સાહેબના દવાખાનાથી ડાયમંડનગર સુધીમાં સીસી રોડના ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. આ રોડ પણ મરામત માંગે છે. પ્રજાની મુશ્કેલીઓ દુર કરવા કે તેના પ્રશ્નોનો નિકાલ લાવવા ચુંટાયેલા મ્યુનિ. સદસ્યો વામણા પુરવાર થયાની છાપ જનમાનસમાં પડી છે.

ખુંટીયા મુકત પાલીતાણા કયારે ? મ્યુનિ.ના શાસકો વામણા પુરવાર
પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં ખુંટિયાનો ત્રાસ દિવસેન દિવસે વધતો જાય છે અને રાહદારીઓને ઢીંકે ચડાવતા અસંખ્ય નાગરીકો હોસ્પિટલાઇઝ અથવા મોતને ભેટયા હોવાના પણ બનાવો બન્યા છે. તેમ છતાં આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવામાં તંત્ર વામણું પુરવાર થયું છે.

પાલીતાણા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દિન પ્રતિદિન ખુંટીયાનો ત્રાસ વધતો જાય છે અને રાહદારીઓ તેનો વિના વાંકે ભોગ બની રહ્યા છે. દિવસેને દિવસે શહેરના જાહેર માર્ગો પર ફરતા આ આખલાઓની સમસ્યા અંગે મ્યુનિ. તંત્ર તાકીદે કોઇ જાનહાની થાય તે પહેલા કડક અને કાયમી પગલા ભરે તેવું સૌ નગરજનો ઇચ્છી રહ્યા છે.


Loading...
Advertisement