રાજકોટમાં ડરનો માહોલ: વધુ બજારો અને વ્યાપારી-ઔદ્યોગિક સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન ભણી જાય તેવા સંકેત

12 September 2020 05:10 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં ડરનો માહોલ: વધુ બજારો અને વ્યાપારી-ઔદ્યોગિક સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન ભણી જાય તેવા સંકેત

અનલોક-4 પછી પણ રાજકોટમાં સંક્રમણમાં જબરા વધારાથી મહાનગર ચિંતાજનક સ્થિતિમાં ધકેલાઇ રહ્યું છે

*સોની બજાર અને દાણાબજાર બાદ આસપાસના વિસ્તારોમાં પણ વેપારીઓએ વિચારણા શરૂ કરી
*શહેરના ગીચ અને ભીડભાડવાળી બજારોમાં સંક્રમણ માટે છુટો દૌર હોવા જેવી સ્થિતિ
*સોશ્યલ ડિસ્ટન્સનું સ્વૈચ્છીક પાલન થતુ નથી : સરકાર પણ બેફીકર
*‘સાંજ સમાચાર’ દ્વારા રજુ થયેલ તબીબી ચેતવણીના અહેવાલની પણ અસર
*બે સપ્તાહના કાનૂની લોકડાઉન કરતા સ્વૈચ્છિક લોકડાઉનથી સંક્રમણ ઘટાડવાનો વિકલ્પ વિચારાઇ રહ્યો છે : આગામી સપ્તાહ મહત્વનું

રાજકોટ તા.12
રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલુ અનલોક જેમ-જેમ આગળ વધતુ જાય છે તેમ તેમ રાજકોટમાં કોરોના સંક્રમણમાં પણ થઇ રહેલા વધારા અને ખાસ કરીને સતત ઉંચા રહેલા મૃત્યુઆંકથી શહેરમાં હવે વાસ્તવિક રીતે ભયનો માહોલ સર્જાવા લાગ્યો છે અને શહેરના મઘ્યમાં આવેલી સોની બજાર બાદ હવે દાણાપીઠના વેપારીઓએ પણ સ્વૈચ્છીક રીતે લોકડાઉન જાહેર કરી દેતા આગામી દિવસોમાં થોડા વધુ બજારો અને એસોસીએશનો પણ આ પ્રકારે સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાય તેવી શકયતા નકારાતી નથી.

રાજકોટમાં આગામી દિવસોમાં નવરાત્રીના તહેવારો ઉજવવાની પણ અને ખાસ કરીને અર્વાચીન દાંડીયા રાસના આયોજકોએ ચાલુ વર્ષે તેઓ કોઇપણ પ્રકારનું આયોજન નહી કરે તેવી જાહેરાત કરી દીધી છે. અગાઉ મહાનગરમાં ગણપતિ મહોત્સવ, મહોર્રમ સહિતના તહેવારોનું પણ વ્યકિતગત અને લો પ્રોફાઇલ ઉજવણી કરવામાં આવી હતી. જયારે શાળા કોલેજો હજુ બંધ છે અને મહાનગરપાલિકાએ રાજય સરકાર તથા કેન્દ્રની ગાઇડ લાઇન છતાં જાહેર બગીચાઓ અને ફરવાના સ્થળોને હજુ લોક જ રાખ્યા છે.

જે દર્શાવે છે કે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ કોઇપણ રીતે કાબુમાં નથી અને રોજ જે રીતે કેસો વધી રહ્યા છે અને શહેરના ટોચના અગ્રણીઓ પણ હવે કોરોના સંક્રમીત બન્યા છે તેનાથી એક નવો જ માહોલ સર્જાવા લાગ્યો છે. અગાઉ લોકડાઉન સમયે લોકોએ કાનુના ડરથી ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું અને બજારો પણ સરકારે બંધ રખાવી હતી. પરંતુ અનલોક-4 પહોંચી ગયા પછી જે રીતે સંક્રમણ વધુ છે તે સાથે હવે મોટી બજારોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ નથી અને જે રીતે ગીર્દી થઇ રહી છે છતાં લોકો બિન્દાસ્ત બની ગયા હતા તેની અસર હવે જોવા મળી રહી છે અને સંક્રમણ વધતા હજુ બે દિવસ પહેલા જ સોની બજાર દ્વારા શનિવારથી એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

જયારે આજે દાણાપીઠમાં અડધા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા માર્ગ, લાખાજી માર્ગ, એસટી સ્ટેન્ડ વિસ્તાર ઉપરાંત શહેરમાં આવેલા અન્ય બજારો કે જયાં સૌથી વધુ ભીડ થાય છે ત્યાં પણ સ્વૈચ્છીક લોકડાઉનની સ્થિતિ બનશે તેવા સંકેત છે. આ અંગે વેપારી સંગઠનોમાં હવે વિચારણા શરૂ થઇ ગઇ છે તો એક બાદ એક એસોસિએશનો પણ જે રીતે સંક્રમણ વઘ્યુ છે તેનાથી વધુ લોકો ભોગ બને તે પૂર્વે આ પ્રકારના પગલા લઇને ગીર્દી ટાળી લોકો ઓછામાં ઓાછ બજારમાં આવે અને વેપારી તથા તેમના કર્મચારીઓ પણ સંક્રમિત ન થાય તે જોવા માટે વિચારણા કરી રહ્યા છે.

હજુ ગઇકાલે જ ‘સાંજ સમાચાર’ દ્વારા શહેરના તબીબ વર્તુળોને ટાંકીને રાજકોટમાં બે સપ્તાહના લોકડાઉનની આવશ્યકતા જાહેર કરી હતી. તેનો પડઘો પણ શહેરમાં પડયો છે અને તેના પગલે વધુ બજારો અને એસોસીએશન લોકડાઉનમાં જોડાય તેવી શકયતા પણ દર્શાવાઇ રહી છે.

રાજકોટમાં લોકડાઉન સંબંધી અનેક વિકલ્પો તંત્ર વિચારે
(1) સોની બજારની જેમ તમામ માર્કેટ તથા બજારો એક સપ્તાહ સુધી પૂર્ણ રીતે બંધ રાખવા
(2) વિક એન્ડમાં વધુ ગીર્દી સર્જાતી હોય તથા લોકો બહાર નીકળતા હોય, અઠવાડીયામાં બે દિવસ શનિ-રવિમાં પૂર્ણ રીતે લોકડાઉન અમલી બનાવવુ
(3) અગાઉ જેમ રાત્રીના લોકડાઉન લદાયુ હતુ તે હવે અમલી નથી અને તેના કારણે રાત્રીના મુખ્ય માર્ગોમાં ભીડ જોવા મળી રહી છે અને તેનાથી સંક્રમણ ફેલાઇ છે તેથી રાત્રીના 9 વાગ્યાથી સવારના 7 સુધી ફરી એક વખત નાઇટ કર્ફયુ જેવુ લોકડાઉન અમલી બનાવવુ
(4) સમગ્ર રાજકોટમાં તમામ માર્કેટને ચોક્કસ સમયે જ ખુલ્લી રાખવી એટલે કે અડધા દિવસ જેવુ લોકડાઉન પરિસ્થિતિ સંતોષકારક ન થાય ત્યાં સુધી ચાલુ રાખવુ


Related News

Loading...
Advertisement