રાહુલ, પ્રિયંકાનું કદ અને ઉતરપ્રદેશનું વજન: કોંગ્રેસ સંગઠનમાં ‘નિમણુંક’થી ફેરફાર: ચૂંટણી નહીં

12 September 2020 03:46 PM
India Politics
  • રાહુલ, પ્રિયંકાનું કદ અને ઉતરપ્રદેશનું વજન: કોંગ્રેસ સંગઠનમાં ‘નિમણુંક’થી ફેરફાર: ચૂંટણી નહીં

ચૂંટણી માંગનારા કપિલ સિબ્બલ, મનિષ તિવારી નિરાશ: આઝાદની પાંખ કપાઈ : હાંસિયામાં ધકેલાઈ ગયેલા જિતીન પ્રસાદને મોટી જવાબદારી: રાહુલના પુનરાગમનનો તખ્તો

નવી દિલ્હી તા.12
કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં મોટા ફેરફાર કરી કેટલાય તીર ચલાવી કેટલાય નિશાન સહજતાથી સાધ્યા છે. ઉતરપ્રદેશના 8 નેતાઓને મોટી જવાબદારી સોંપી મહામંત્રી પ્રિયંકાનું કદ યુપી સંગઠનમાં વધાર્યું છે. એ સાથે પ્રમોદ તિવારી, જિતીન પ્રસાદ, રાજેશ મિશ્ર જેવા નેતાઓને સન્માન આપી રાજયમાં ઝડપી બનેલી બ્રાહ્મણ રાજનીતિમાં મોટી ચાલ ચાલી છે.

ઉતરપ્રદેશની દ્દષ્ટિએ જ નહીં, ગાંધી પરિવારની સામે પડનારા પત્રલેખકોની પણ પાંખ કાપવા એ જૂથના નેતા અને રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદને હરિયાણાના પ્રભારી મહાસચિવ તરીકે પડતા મુકવામાં આવ્યા છે. રાજકીય પંડિતોના મતે જુના જોગીઓ સહીત રાહુલ ગાંધીના વફાદારોને બઢતી મળી છે, અને એ સામે એઆઈસીસીના સંમેલનમાં નવા પ્રમુખની ચૂંટણી માટે ઈલેકશન ઓથોરીટીની રચના કરવામાં આવી છે. સંગઠનમાં ફેરફારથી ટીમ રાહુલને નવી તાકાત મળી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાને રોજબરોજના કામમાં મદદ કરવા પાંચ સભ્યોની ખાસ ટીમની રચના કરી છે. એ ઉપરાંત કોંગ્રેસે કારોબારીનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે, અને તેમાંથી પણ જાણીતા ચહેરાઓ ગુલામનબી આઝાદ અને મલ્લીકાર્જુન ખડગેને મહામંત્રી તરીકે દૂર કરાયા છે. જો કે બન્નેને નવગઠિત કારોબારીમાં સ્થાન આપ્યું છે.

ગત મહીને આઝાદ, આનંદ શર્મા, મુકુલ વાસનિક અને જિતન પ્રસાદ સહિતના કોંગ્રેસ અધ્યક્ષને 23 નેતાઓએ પત્ર લખ્યો હતો અને એમાં પુર્ણકાલીન નેતાગીરી ઉભી કરવા અને 135 વર્ષ જુના સંગઠનની સતત પડતી વિષે આધુનિરીક્ષણની માંગ સાથે 11 મુદાનો એકશન પ્લાન રજુ કરવામાં આવ્યો હતો.

સંગઠનમાં, વિશેષત: કારોબારી સભ્યોની ચૂંટણીની માંગ કરનારા કેટલાકને ગઈકાલે જરૂર કરાયેલા ફેરફારોથી સંતોષ થયો નથી. 23 પત્રલેખકો પૈકી એક કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે મહાન દિમાગવાળાઓનું ડહાપણ ચાલ્યું છે. વરણી જ નિયમ હોય તેવું લાગે છે, અને અપવાદ તરીકે પણ ચૂંટણી પસંદ કરાઈ નથી.

અન્ય એક પત્રલેખક મનિષ તિવારીએ મભમ જણાવ્યું હતું કે સફળતા આખરી નથી, અને નિષ્ફળતા ઘાતક નથી. ચાલુ રહેવાની હિંમત મહત્વની છે. નહેરુ, પટેલ અને આંબેડકરના ભારતના વિચારની રક્ષા કરવા અને અમારી ફરજ નિભાવીશું. એવી આશા સામે હું મહેનત કરતો રહીશ.અલબત, પત્રલેખકોમાંના ચારને કારોબારીમાં ચાલુ રખાયા છે. કેટલાક માને છે કે મોવડીમંડળે આ રીતે સમાધાનાત્મક વલણ અપનાવ્યું છે.

પક્ષે કોંગેસ અધ્યક્ષને મદદ કરવા પાંચ સભ્યોની સમીતી રચી છે, પણ એ એઆઈસીસીના સંમેલન તરફ સંગઠનને લઈ જવાની ગોઠવણ છે. પત્રલેખકોએ માંગણી કરી હતી એવી એ સામુહિક નેતાગીરી નથી.

સોનિયાને મદદ કરવા નીમાયેલી સમીતીમાં એક એન્ટોની, અહેમદ પટેલ, અંબિકા સોની, કે.સી.વેણુગોપાલ અને રાજે રણદીપ સૂરજેવાલા સામેલ છે. એમાં એક પત્રલેખક મુકુલ વાસનિકને પણ સમાવાયા છે.

મહામંત્રી અથવા રાજયોના પ્રભારી તરીકે કામગીરી મેળવનારા રાહુલના વફાદારો વેણુગોપાલ, શક્તિસિંહ ગોહિલ, સુરજેવાલા, જીતેન્દ્રસિંહ, અજય યાકેન, રાજીવ સાતવ, આરપીએન સિંહને કારોબારીમાં સામેલ કરાયા તે સૂચવે છે કે રાહુલ આખરે પોતાનો ખચકાટ પડતો મુકી પક્ષનું નેતૃત્વ કરવા આગળ આવે તેવી શકયતા બળવતર બની છે.

આવો રોડમેપ પત્રલેખકો માટે પીછેહઠ સમાન છે. લોકસભામાં પક્ષના નેતા અધીરરંજન ચૌધરીને કારોબારીના સભ્યના બદલે કાયમી આમંત્રીત બનાવામાં તે દર્શાવે છે કે પક્ષપ્રમુખ તરીકે રાહુલ ગાંધી પરત આવશે તો તે લોકસભામાં પક્ષના નેતા પણ બની શકે છે. ઉતરપ્રદેશને લાગેવળગે છે ત્યાં સુધી પૂર્વ સાંસદ પ્રમોદ તિવારીને પહેલીવાર કારોબારીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા છે. એ ઉપરાંત પુર્વ સાંસદ રાજેશ મિશ્ર પ્રદેશના એકમાત્ર નેતા છે, જેમને કેન્દ્રીય ચૂંટણી સમીતીમાં જગ્યા મળી છે.

પત્રલેખકો પૈકી એક જિતીન પ્રસાદ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવું લાગ્યું હતું, હવે કારોબારીમાં વિશેષ આમંત્રીત બન્યા છે અને આંદામાન-નિકોબાર સામે પશ્ર્ચિમ બંગાળજેવા પડકારરૂપ રાજયના પ્રભારી બનાવાયા છે. રાજય પક્ષના નેતાઓ માને છે કે ઉતરપ્રદેશના નેતાઓના વધેલા કદનો વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ફાયદો મળી શકે છે.


Related News

Loading...
Advertisement