રાજકોટમાં સંક્રમણ રોકવા પખવાડિયાનું ‘લોકડાઉન’ લાદવા વિચારો : તબીબી આલમ

11 September 2020 04:21 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં સંક્રમણ રોકવા પખવાડિયાનું ‘લોકડાઉન’ લાદવા વિચારો : તબીબી આલમ

છેલ્લા બે માસથી વધેલા સંક્રમણથી ગંભીર પરિસ્થિતિ : નવરાત્રિ સહિતના આયોજનો થવા જ ન જોઇએ, નહીંતર પરિસ્થિતિ વધુ વણસશે : તબીબી સહિતનો પેરા મેડીકલ સ્ટાફ પણ હવે સંક્રમીત થવા લાગ્યો છે તે ચિંતાજનક

*અનલોક પછી સોશ્યલ ડીસ્ટન્સ સહિતની આવશ્યકતા જરાપણ રહી નથી : મહાનગરમાં વધેલા કેસ માટે લોકોની બેકાળજી જવાબદાર : ઊંચો મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય
*ગાંધીનગરથી ખાસ ડેપ્યુટ થયેલા અને રાજકોટમાં કોરોના સંક્રમણની કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથેની મીટીંગમાં શહેરના ટોચના નિષ્ણાંત તબીબોનો સ્પષ્ટ મત
*રાજકોટમાં હાલ 150થી વધુ પેરામેડીકલ નર્સિંગ સ્ટાફ કોરોનાની ઝપટે ચડી ગયા છે જેથી સ્ટાફની ખામી પડી રહી છે અને આ સ્થિતિ વધુ વકરશે તેવો ભય ઉભો જ છે
*કોરોના સામેની ફરજમાં પીછેહટનો પ્રશ્ન જ નથી : સમગ્ર કામગીરીમાં જોડાયેલા લોકો અને હોસ્પિટલની સુવિધાઓમાં છ માસમાં અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે તે પણ ઉકેલવા જરૂરી: તનાવ વધવાનો ભય

રાજકોટ,તા. 11
સૌરાષ્ટ્રના પાટનગર જેવા રાજકોટમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના પોઝીટીવ કેસ તથા ખાસ કરીને જે રીતે રાજકોટનો મૃત્યુઆંક સતત ઊંચો જઇ રહ્યો છે અને રાજ્ય સરકારના તમામ પ્રયાસો છતાં સંક્રમણને બ્રેક મારવામાં સફળતા મળી નથી તે વાસ્તવિકતા વચ્ચે મહાનગરના ટોચના નિષ્ણાંત તબીબોએ હાલમાં જ કોરોના કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમાં રાજકોટમાં ઓછામાં ઓછા એક પખવાડિયાના લોકડાઉન કે તેવી સ્થિતિ જરુરી હોવાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં શહેર કઇ રીતે મહાસંક્રમણમાંથી પસાર થઇ રહ્યું છે તેનો ગંભીર સંકેત મળી ગયો છે.

તબીબી આલમના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ એક તરફ જ્યારે દીપાવલી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે રાજકોટ અને આસપાસના વિસ્તારો તથા ગ્રામીણ વિસ્તારોમાંકોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લાછ માસથી સરકારી અને ખાનગી તબીબો તથા પેરા મેડીકલ સ્ટાફ એક પળના આરામ વગર કોરોના સામેના સંક્રમણમાં સતત કામગીરી કરી રહ્યા છે.

બીજી તરફ અનલોક થયા બાદ પરિસ્થિતિ ગંભીર બની છે તે આપણી સામે છે. રાજકોટમાં રોજના 90 થી 100 કેસ પોઝીટીવ નોંધાઈ રહ્યા છે અને મહાનગરનો મૃત્યુ આંક પણ ઉંચો છે. ખાસ કરીને હવે કોમોર્બિડીટી કે વૃધ્ધ વયના કોરોના પોઝીટીવ જ નહીં પણ યુવા વર્ગમાં પણ સંક્રમણ લાગ્યા બાદ મૃત્યુના કેસ નોંધાયા તે દર્શાવે છે કે રાજકોટનો કોરોના વાઈરસ એ ઘાતક બન્યો છે અને આ સ્થિતિમાં અનલોક પછી સોશ્યલ ડીસ્ટન્સનું ભાગ્યે જ પાલન થાય છે.

રાજ્ય સરકાર દ્વારા હાલમાં તમામ પ્રકારની પાબંધીઓ ઉઠાવાઈ રહી છે. અને તેના પરિણામે બજારોથી લઇ તમામ સ્થળોએ લોકો કોઇપણ પ્રકારની કોરોનાની ચિંતા વગર જ જે રીતે એકત્ર થઇ રહ્યા છે તે પણ અત્યંત ગંભીર બાબત છે. રાજકોટની સરકારી સહિતની કચેરીઓમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને તેના કારણે કોરોના વધુ ફેલાય તેવો ભય છે. જેમાં હવે સરકારે કોઇપણ રીતે સંક્રમણ રોકવું તે એક જ એજન્ડા પર જવું જોઇએ. અને જો સરકાર તે માટે જરુર હોય તો પખવાડિયા કે તે રીતનું લોકડાઉન લાદી અને ફરી એક વખત ટેસ્ટીંગ સહિતની પ્રક્રિયા કનટેનમેન્ટ ઝોનમાં આકરા પગલા લઇને કોરોનાની કડી તોડવાનો એક સામૂહિક પ્રયાસ યુધ્ધના ધોરણે થાય તે જરુરી છે.

તબીબી આલમ સાથેની આ બેઠકમાં ગાંધીનગરથી ખાસ ડેપ્યુટ થયેલા ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણમાં જોડાયેલા તમામ અધિકારીઓ પણ સામેલ હતાં. તબીબી આલમે એ પણ ભય વ્યક્ત કર્યો કે છેલ્લા છ માસથી કોરોનાની કામગીરીમાં રોકાયેલા હોવાથી હવે મેડીકલ સ્ટાફ તથા મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જવાબ આપવા લાગ્યુ છે અને તેના કારણે કોરોનાના દર્દીઓના ઇલાજ સહિતના સમયે તનાવ જેવી સ્થિતિ પેદા થવા લાગી છે. પેરા મેડીકલ સ્ટાફમાં પણ હવે થોડો આરામ જેવી સ્થિતિ અને રિફ્રેશ થવાની કામગીરી જરુરી છે. પણ કોરોનાનું સંક્રમણ ન તૂટે ત્યાં સુધી આ શક્ય નથી.

અગ્રણી તબીબોએ જણાવ્યું હતું કે, સમગ્ર તબીબી આલમ આ સંક્રમણના સમયે રાજ્ય સરકારની સાથે છે અને પીછેહઠ કરવાનો કોઇ પ્રશ્ર્ન જ નથી પરંતુ સંક્રમણ ન તૂટે તો પરિસ્થિતિ વધુ ગંભીર થાય તેમ છે. અને તેથી રાજ્ય સરકારે હવે ફરી એક વખત લોકડાઉન સહિતની સ્થિતિ માટે વિચારવું જરુરી બની ગયું છે.

તબીબોએ જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે પરંતુ કોરોના સંક્રમણ વધે તો પરિસ્થિતિ વધુ ખરાબ હશે. ઉપરાંત નવરાત્રિ જેવા આયોજનો કે જ્યાં સોશ્યલ ડીસ્ટન્સ શક્ય જ નથી તે ન જ થવા જોઇએ તેવો અમારો સ્પષ્ટ અભિપ્રાય છે અને તેના આયોજનો સાથે જોડાયેલા તથા રોજગાર મેળવતા લોકોની સ્થિતિ અમે સમજી શકીએ છીએ પરંતુ અત્યારે પ્રાથમિકતા કોરોના સંક્રમણની જ હોવી જોઇએ તેથી અમે સ્પષ્ટ અભિપ્રાય આપીએ છીએ કે સરકારે હવે રાજકોટ માટે કોઇ ખાસ ફોર્મ્યુલા વિચારવાની જરુર છે.

ખાનગી સહિતની હોસ્પિટલોમાં મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પણ હવે છ માસની કામગીરી બાદ થોડા મેઇન્ટેન્સન અને રીપેરીંગની જરુર છે. પેરા મેડીકલ સ્ટાફ પણ ઘટવા લાગ્યો છે અને સમગ્ર પુરવઠા હરોળ ફરીથી સુનિશ્ચિત કરવી પડે તેમ છે અને તેથી સરકારે તે મુદ્દે વિચારવું જોઇએ.


Related News

Loading...
Advertisement