ફરી વરસાદી રાઉન્ડ: 17મી સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદ થશે

11 September 2020 03:01 PM
Rajkot Gujarat Saurashtra
  • ફરી વરસાદી રાઉન્ડ: 17મી સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદ થશે

અરબી સમુદ્ર- બંગાળની ખાડીમાં બે સરકયુલેશન અને તેની વચ્ચેના ભાગોમાં બ્હોળુ સરકયુલેશન: જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: સૌરાષ્ટ્રના 75 ટકા ભાગોમાં દોઢથી ત્રણ ઈંચ તથા 25 ટકા વિસ્તારોમાં દોઢ ઈંચ સુધી વરસાદની શકયતા: કયાંક અતિભારે વરસાદમાં પાંચ ઈંચથી વધુ પાણી વરસી જાય

રાજકોટ તા.11
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા આઠ-દસ દિવસથી મેઘવિરામ રહ્યા બાદ ફરી વરસાદી રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે. તા.17ને આગામી ગુરુવાર સુધી રાજયના મોટાભાગના વિસ્તારોમાં હળવો-ભારે વરસાદ અને કયાંક અતિભારે વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓને આજે વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સિસ્ટમો અંતર્ગત ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો નોર્મલથી ઉતર બાજુ છે જયારે પુર્વ છેડો નોર્મલની નજીક છે. અમૃતસર, મેરઠ, વારાણસી, ડીગા થઈને ઉતરપુર્વ બંગાળની આડે સુધી લંબાય છે. ચોમાસુ ધરી લો-પ્રેસર સીસ્ટમને કારણે આવતા દિવસોમાં નોર્મલથી દક્ષિણ તરફ આવી જવાની શકયતા છે.

આ સિવાય ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રના કિનારાથી કેરળના દરિયાકાંઠા સુધી છે. એક અપર એર સાયકલોનીક સરકયુલેશન મધ્યપુર્વ અરબી સમુદ્રમાં ગોવાની નજીક છે. ગઈકાલે કર્ણાટક પાસે હતું. આવતા દિવસોમાં ઉતર બાજુ મુંબઈ તરફ સરકતુ રહેશે.

અન્ય એક અપર એર સાયકલોનીક સરકયુલેશન પશ્ચિમ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના કિનારા નજીક 3.1 કિલોમીટરના સ્તરે છે તે આવતા બે દિવસમાં મજબૂત થઈને લો-પ્રેસરમાં રૂપાંતરીત થઈ જશે. આ લો-પ્રેસરના પ્રભાવ હેઠળ ચોમાસુ ધરી નોર્મલથી દક્ષિણ બાજુ આવી જશે.

તેઓએ કહ્યું કે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીના અપર એર સરકયુલેશનની વચ્ચે બ્હોળુ સરકયુલેશન છે. અરબી સમુદ્રનું સરકયુલેશન ઉતર તરફ સરકે એટલે બહોળુ સરકયુલેશન બંગાળની ખાડીના લો-પ્રેસર સુધી પહોંચશે.

તા.11થી17 સપ્ટેમ્બર દરમ્યાનની આગાહી કરતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે આગાહી સમયગાળામાં અમુક દિવસોમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. જયારે અન્ય અમુક દિવસોમાં વરસાદનો વ્યાપ અને વિસ્તાર વધશે.

સૌરાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી 17મી સપ્ટેમ્બર સુધીમાં 75 ટકા વિસ્તારોમાં 35થી75 મીમી અર્થાત દોઢથી ત્રણ ઈંચ વરસાદ થવાની શકયતા છે. બાકીના 25 ટકા ભાગોમાં દોઢ ઈંચ સુધીનો વરસાદ થશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા સાર્વત્રિક દોઢથી ત્રણ ઈંચ સુધીની રહેશે. મધ્ય ગુજરાતમાં 75 ટકા વિસ્તારોમાં દોઢથી ત્રણ ઈંચ તથા બાકીના 25 ટકા ભાગોમાં દોઢ ઈંચ વરસાદ થશે. કચ્છ તથા ઉતર ગુજરાતમાં દોઢ ઈંચ સુધી હળવો વરસાદ થવાની શકયતા છે. જો કે, મધ્ય ગુજરાતને લાગુ વિસ્તારોમાં વરસાદની માત્રા વધુ રહી શકે છે.

કયાંક-કયાંક ભારે-અતિભારે વરસાદની પણ શકયતા છે જયાં વરસાદની માત્રા પાંચ ઈંચથી વધુ રહી શકે છે.

ચોમાસાની વિદાયના હજુ કોઈ સંકેત નથી: 17મી પછી પણ નવો રાઉન્ડ આવી શકે
સામાન્ય વર્ષોમાં નૈઋત્ય ચોમાસાની વિદાય સપ્ટેમ્બરની શરૂઆતમાં જ શરૂ થતી હોય છે. રાજસ્થાનથી તેનો પ્રારંભ થાય છે. પરંતુ આ વખતે હજુ તેના કોઈ એંધાણ નથી. ચોમાસુ પાછુ ખેંચાવા વિશે એકપણ પરિબળ દેખાયા નથી.

અશોકભાઈ પટેલે એવો પણ નિર્દેશ કર્યો હતો કે આજે 17મી સપ્ટેમ્બર સુધીની આગાહી કરવામાં આવી છે. 17મી પછી પણ વરસાદનો નવો રાઉન્ડ આવવાની શકયતા ઉભી જ છે. અર્થાત હજુ તાત્કાલીક ચોમાસુ પુરુ થાય તેમ નથી કે વરસાદી રાઉન્ડ અટકે તેમ નથી.


Related News

Loading...
Advertisement