રાજકોટના 100થી વધુ ડોક્ટરો કોરોનાગ્રસ્ત થઈ જતાં IMAનું એલર્ટ

10 September 2020 11:10 AM
Rajkot Saurashtra
  • રાજકોટના 100થી વધુ ડોક્ટરો કોરોનાગ્રસ્ત થઈ જતાં IMAનું એલર્ટ

કોવિડ-નોન કોવિડ હોસ્પિટલના ડોક્ટરોએ સોશ્યલ ડિસ્ટન્સ, પીપીઈ કિટ, એન-95 માસ્ક, ઓપીડીમાં એક જ વ્યક્તિને અંદર આવવા દેવા સહિતના અનેક નિયમોનું ચુસ્ત પાલન કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ: સુરત, અમદાવાદ બાદ રાજકોટની સ્થિતિ બગડતાં સાવચેત રહેવા અપાયા દિશા-નિર્દેશો

રાજકોટ, તા.10
અનલોક-1,2,3 અને 4ના તબક્કાઓ દરમિયાન રાજકોટના કોરોનાએ ભૂક્કા કાઢી નાખ્યા હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં લોકો તેની હડફેટે ચડી રહ્યા છે તો મોત પણ એટલી જ સંખ્યામાં થઈ રહ્યા છે. ખાસ કરીને દર્દીઓને સાજા કરતાં ડોક્ટરો જ કોરોનાગ્રસ્ત બનવા લાગતાં ચિંતામાં બમણો વધારો થવા પામ્યો છે. અત્યારે રાજકોટના 100થી વધુ લોકો કોરોનામાં પટકાઈ જતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઈએમએ દ્વારા કોવિડ અને નોન કોવિડ એમ બન્ને હોસ્પિટલના ડોક્ટરો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ અંગે ઈન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો.જય ધીરવાણીએ જણાવ્યું કે અત્યારે રાજકોટમાં કોરોનાના કેસ વસતી પ્રમાણે અત્યંત વધી રહ્યા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી. આ બધાની વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 100થી વધુ ડોક્ટરો કોરોનામાં પટકાયા છે જે પૈકીના અમુક ડોક્ટરો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે તો અન્ય ડોક્ટરો હોમ આઈસોલેટ થઈ ગયા છે.

આ તમામ ડોક્ટરો ઝડપથી સાજા થઈ જાય તે માટે કામના કરાઈ રહી છે. બે મહિના પહેલાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર દ્વારા મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ સહિતના શહેરો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે એક મહિના પહેલાં સુરત અને દોઢ મહિના પહેલાં અમદાવાદમાં પણ આ પ્રકારનું એલર્ટ અપાયું હતું. હવે રાજકોટની સ્થિતિ પણ બગડી રહી છે ત્યારે અહીં પણ આ પ્રકારનું એલર્ટ જાહેર કરવું જરૂરી બની ગયું છે. આ એલર્ટ અંતર્ગત તમામ ડોક્ટરોએ 6 ફૂટનું ડિસ્ટન્સ જાળવવું, દર બે કલાકે હેન્ડ સેનિટાઈઝ, એન-95 માસ્ક પહેરવું, ફેસશિલ્ડ પહેરી રાખવા, ઓપીડી દરમિયાન દર્દીને જ અંદર આવવા દેવા અને તે દર્દીને પણ પૂરતી તકેદારી સાથે અંદર આવવા દેવા સહિતની સાવચેતી રાખવી અત્યંત જરૂરી ગણાવવામાં આવી છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું કે દર્દી કોઈ પણ બીમારી માટે દાખલ થાય કે તેનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો જ જોઈએ. આ ઉપરાંત દરેક ડોક્ટરે પીપીઈ કિટ પહેરીને રાખવી જોઈએ. આ ઉપરાંત હોસ્પિટલની અંદર દર્દીના એકથી વધારે સગા એકત્ર ન થાય તે માટેના નિયમો અમલી બનાવી દેવા જોઈએ. દરેક તબીબે ઓપીડીમાં આવવા માટે દરેક દર્દીને એક નિર્ધારિત સમય આપી દેવો જોઈએ જેથી ભીડ એકઠી ન થાય. ખાસ કરીને ઓપરેશન પહેલાં થતી નાસ્તપાર્ટીને પણ આ સમયમાં બંધ કરી દેવી જોઈએ. આ સહિતની તકેદારીનું પાલન કરવાથી કોરોના દૂર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આઈએમએ દ્વારા વધુમાં જણાવાયું કે અત્યારે બને એટલું સાવચેત રહેવાનો સમય છે તેથી પરિવાર તેમજ મિત્રમિલનને ટાળવું જોઈએ. આ ઉપરાંત દરેક ડોક્ટરે ઈમ્યુનિટી પાવર વધારવા ઝીન્ક, વીટામીન સી અને ડીની ટેબ્લેટનું અવશ્ય સેવન કરવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોના અત્યારે બેકાબૂ બની ગયો છે અને દરરોજ ડોક્ટરો પણ તેની ઝપટે ચડી રહ્યા છે. ખાસ કરીને નોન-કોવિડ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરોને પણ કોરોના થતાં તબીબી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બગડી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ડોક્ટરો આટલી કાળજી ખાસ રાખજો: આઈએમએની સલાહ
- યોગ્ય સ્ટાન્ડર્ડ ધરાવતું માસ્ક, ફેસશિલ્ડ, ગ્લવ્ઝ, એપ્રોન હોસ્પિટલમાં હો ત્યારે સતત પહેરી રાખવા
- કોઈ પણ પ્રકારના દર્દીઓ અથવા મળવા આવતાં સંબંધીઓ સાથે સુરક્ષિત સંપર્ક જાળવવો
- શક્ય એટલો ઓછો સમય સંબંધીઓ કે દર્દીઓ સાથે રાખવો
- દર્દીઓ સાથે આવતાં તેમના સંબંધીઓમાંથી માત્ર એકને જ પ્રવેશ આપવો
- કોઈ પણ તબીબી પ્રક્રિયા નિયત કરેલી હોય અને શક્ય હોય તો તે મોકુફ રાખવી
- બાળકોના નિષ્ણાત તબીબો સૌથી વધુ સંક્રમિત થયા છે કારણ કે બાળકો સુપરસ્પ્રેડર હોય છે ત્યારે બાળકોના તબીબોએ ખાસ તકેદારી રાખવી પડશે
-બાળકોને ચકાસતી વખતે શક્ય એટલી વધુ તકેદારી રાખવી
- હોસ્પિટલના સ્ટાફ સાથે પણ સંપર્કમાં ખાસ કાળજી રાખવી. સ્ટાફ સાથે સંપર્ક વખતે માસ્ક કે અન્ય સુરક્ષિત સંશાધનો ધારણ કરવામાં આવતાં ન હોવાનું ધ્યાને આવ્યું છે પરંતુ તે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ સંક્રમિત હોઈ શકે છે.
- ઓપરેશન થયા પછી નાસ્તા પાર્ટી પણ ન કરવી.
- અત્યારનો સમય હાઈએલર્ટનો છે. પરિવાર કે મિત્રો સાથે પાર્ટી કરવાનું પણ ટાળવું તમામ લોકો માટે ફાયદાકારક છે. ઝીન્ક, વીટામીન-સી, વીટામીન-ડી રોગ પ્રતિકારક શક્તિ માટે નિયમિત લેવી.

પિડીયાટ્રીક, ફિઝિશ્યન, કાર્ડિયોલોજીસ્ટ, પલ્મનોરોજીસ્ટ સહિતના ડોક્ટરો પર વધુ ખતરો
રાજકોટના 100 જેટલા ડોક્ટરો કોરોનાની હડફેટે ચડી ચૂક્યા છે જેના કારણે ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આઈએમએના પ્રમુખ ડો.ધીરવાણીએ જણાવ્યું હતું કે કોરોનાનો સૌથી વધુ ખતરો બાળરોગ નિષ્ણાત ઉપર રહે છે કેમ કે બાળકો સુપરસ્પ્રેડર ગણાય છે. બાળકોને માસ્ક પહેરાવાતું નથી તો તે વારંવાર રડ્યા રાખે છે જેથી બાળકોની સારવાર કરનારા ડોક્ટરને કોરોના ઝડપથી લાગુ જવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ફિઝિશ્યન, કાર્ડિયોલોજિસ્ટ, પલ્મનરોજીસ્ટ, ક્રિટિકલ કેર સહિતની ફેકલ્ટીના ડોક્ટરોએ પણ કોરોનાને લઈને ખાસ્સું સાવચેત રહેવાની જરૂર રહે છે. અત્યારે કોરોના શહેરી વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના ડોક્ટરોએ પણ પૂરતી તકેદારી રાખવી જરૂરી બની જાય છે.


Related News

Loading...
Advertisement