ઉલ્લું બનાવીંગ: હાઈ-વેને પડતો મુકી, રાજકોટની ‘શૂરી’ પોલીસે શહેરમાંથી જ દંડ વસુલ્યો!

09 September 2020 04:58 PM
Rajkot Saurashtra
  • ઉલ્લું બનાવીંગ: હાઈ-વેને પડતો મુકી, રાજકોટની ‘શૂરી’ પોલીસે શહેરમાંથી જ દંડ વસુલ્યો!
  • ઉલ્લું બનાવીંગ: હાઈ-વેને પડતો મુકી, રાજકોટની ‘શૂરી’ પોલીસે શહેરમાંથી જ દંડ વસુલ્યો!
  • ઉલ્લું બનાવીંગ: હાઈ-વેને પડતો મુકી, રાજકોટની ‘શૂરી’ પોલીસે શહેરમાંથી જ દંડ વસુલ્યો!

ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી સહિતના વિસ્તારો શહેરની હદમાં આવે છે ત્યાં દોઢ જ કલાકમાં 29500ના દંડની વસૂલાત: સવારે જાગતાંની સાથે જ ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલી થઈ જતાં શહેરીજનોમાં ઉહાપોહ: એકાએક પરિપત્ર પ્રસિદ્ધ કરી દેવાની પેટર્ન ઉપર પણ અનેક પ્રશ્નાર્થ

રાજકોટ, તા.9
ગુજરાતની સરકાર અને પોલીસ ક્યારે કયું જાહેરનામું અને કયો પરિપત્ર પ્રસિદ્ધ કરી દે તેની કલ્પના કદાચ ભગવાન પણ કરી ન શકતાં નથી. ગતરાત્રે અચાનક હેલ્મેટ નહીં પહેરનારા ઉપર તવાઈ ઉતારવાનો નિર્ણય લેવાઈ જતાં અને તે પરિપત્ર વાયુવેગે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જતાં લોકોમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. જો કે મોડેથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ ડ્રાઈવ માત્ર હાઈ-વે ઉપર જ કરવામાં આવશે, શહેરમાં નહીં પરંતુ રાજકોટની ‘શૂરી’ પોલીસને ગમે તેમ કરીને દંડ વસૂલી લેવાનું શૂરાતન ચડી ગયું હોય તેવી રીતે શહેરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરીને લોકોને ભરડી નાખ્યા હતા.

જેવો પરિપત્ર બહાર પડ્યો કે પોલીસે ધોકાપછાડ ઝુંબેશ શરૂ કરી દઈ હેલ્મેટ નહીં પહેરનારા લોકોને ઉભા રાખી રાખીને દંડ લેવાનું શરૂ કરી દીધું હતું. સવારે 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પોલીસે શહેરમાં સમાવિષ્ટ ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં હેલ્મેટ ચેકિંગ હાથ ધરી 44 લોકો પાસેથી 29500ના દંડની વસૂલાત કરી લીધી હતી. આ ચેકિંગ ઝુંબેશ 12 વાગ્યા પછી પણ યથાવત રહી હોવાથી દંડની રકમ અને દંડાનારા લોકોની સંખ્યામાં વધારો થશે. જો કે લોકોમાં મુંઝવણ એ જોવા મળી હતી કે શહેરના ઘણા લોકોની દુકાન-ઓફિસ માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી પાસે આવેલી હતી.

ત્યારે તેમનામાં એવો ગણગણાટ સાંભળવા મળ્યો હતો કે આ ત્રણેય વિસ્તારો શહેરની હદમાં આવી રહ્યા છે અને પોલીસવડાએ હાઈ-વે પર જ ચેકિંગ હાથ ધરવાનો આદેશ આપ્યો છે તેથી શું તેમના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે કે નહીં ? ઘણા લોકોએ પોતાની દુકાન-ઓફિસ ભલે માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી પાસે હોય પરંતુ તે ત્રણેય વિસ્તારો શહેરની હદમાં આવતાં હોવાનું માની હેલ્મેટ પહેરવાનું ટાળ્યું હતું પરંતુ પોલીસને કદાચ આ વાતની ખબર ન હોય તેવી રીતે તે તો આ ચોકડીઓ પર ચોકડી વળીને ગોઠવાઈ ગઈ હતી અને લોકોને દંડી નાખ્યા હતા. ભલે ઉપરોક્ત વિસ્તારો ટ્રાફિકથી ભરપૂર રહેતાં હોય પરંતુ શહેરમાં સામેલ છે તે વાસ્તવિકતા છે. એકંદરે પહેલાં ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર પ્રસિદ્ધ થયો અને પછી પોલીસવડા દ્વારા તેમાં સુધારો થવો લોકો માટે ‘ઉલ્લું બનાવીંગ’ સમાન બની રહ્યો હતો.

ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે હેલ્મેટનું ચેકિંગ હાઈ-વે ટચ પોઈન્ટ ઉપર જ કરવામાં આવશે પરંતુ 12 વાગ્યા સુધી પોલીસ દ્વારા જે વિસ્તારોમાંથી દંડ લેવામાં આવ્યો તે વિસ્તાર હાઈ-વે નહીં બલ્કે શહેર ટચ વિસ્તાર છે ત્યારે તેમણે પણ દંડ વસૂલવા માટે જાણીતી પોલીસને શહેર અને હાઈ-વેના સીમાડા સમજાવવા જ રહ્યા.

બીજી બાજુ એકાએક પરિપત્ર પ્રસિદ્ધ કરી દેવાની પેટર્ન ઉપર પણ પ્રશ્નાર્થ મુકાયો હતો કેમ કે આ રીતે ક્યારેય પરિપત્ર બહાર આવ્યો નથી. લોકો સવારે જાગ્યા કે તેમના મોબાઈલમાં ફરજિયાત હેલ્મેટને લગતાં મેસેજ જોવા મળ્યા હતા. આ પછી એકબીજાને ફોન કરીને આ મેસેજ સાચો છે કે ખોટો તેની ખરાઈ કરવા લાગ્યા હતા.

રાજકોટ પોલીસને બીજો પરિપત્ર ‘મોડે’થી મળે પણ દંડનો પરિપત્ર ‘સમયસર’ મળી ગયો !
સરકાર દ્વારા જે કોઈ પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે તે રાજકોટની પોલીસે હંમેશા ‘મોડે’થી જ મળતાં હોવાનું ચિત્ર હંમેશા ઉપસેલું જ રહ્યું છે. જો કે આજથી ફરજિયાત હેલ્મેટ ઝુંબેશ શરૂ કરવાનો પરિપત્ર ‘સમયસર’ મળી જતાં તે મુદ્દો પણ ચર્ચાની એરણે ચડ્યો હતો. સવારે પરિપત્ર મળ્યો કે 10:30 વાગ્યાથી પોલીસની ટુકડીઓ દંડ વસૂલાતની કામગીરીમાં લાગી પણ ગઈ હતી અને દોઢ કલાકમાં 44 લોકોને પકડી પાડી દંડની વસૂલાત પણ કરી લીધી હતી.

આટલા પોઇન્ટ પરથી હેલ્મેટ વગર પસાર થતા નહીં
શહેર પોલીસ દ્વારા હાઇવે ટચ ટ્રાફીક પોઇન્ટ પર હેલ્મેટનો દંડ વસૂલવામાં આવનાર છે. જેમાં માસુમ વિદ્યાલય અમદાવાદ રોડ, આરટીઓ ઓફિસ માર્કેટીંગ યાર્ડ, ગ્રીન લેન્ડ ચોકડી, કુવાડવા રોડ જુનુ પોલીસ સ્ટેશન, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી મોરબી રોડ, માલીયાસણ ગામ, મારવાડી કોલેજ, કુવાડવા ગામ, કુવાડવા જીઆઇડીસી, કુચીયાદળ ગામનું પાટીયુ, કાગદડી ગામનું પાટીયુ, સાત હનુમાન, ભગીરથ પેટ્રોલ પંપ, કુવાડવા ગામનું તળાવ, માર્કેટીંગ યાર્ડ, ત્રંબા ગામ, વીઠલવાવ, પીરવાડી, ખોખડદળ, આજી નદીનો પુલ, ગમારા પેટ્રોલ પંપ, કોઠારીયા ગામ, ગોંડલ રોડ ચોકડી, મહિકા ગામ, સરધાર ગામ, અણીયારા ગામ, લાખાપર ગામ, ગોંડલ રોડ, જુનુ ટોલ નાકુ, માધાપર ચોકડી, માધાપર ચોકડીથી મોરબી બાયપાસ રોડ, એસઆરપી કેમ્પ, કણકોટનું પાટીયુ તથા કોસ્મોપ્લેકસ સિનેમા સહિતનાનો સમાવેશ થાય છે.

લોકડાઉન-માસ્ક દંડનો ફટકો, હવે હેલ્મેટ નહીં પહેરવાના દંડનો ઝટકો લોકો સહન કરશે
કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉને લોકોની હાલત કફોડી કરી નાખી છે ત્યારપછી અનલોકમાં બહાર નીકળવાની અને વેપાર-ધંધા શરૂ કરવાની છૂટ તો અપાઈ પરંતુ માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલવાનું શરૂ કરી દેવામાં આવતાં લોકોને પડ્યા પર પાટું લાગ્યું હતું. હજુ આ બધાની કળ વળી નથી ત્યાં ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે અને જો એમ નહીં કરવામાં આવે તો દંડ વસૂલવામાં આવતાં લોકોનો રીતસરનો મરો થઈ જવા પામ્યો છે. આ પહેલાં જ્યારે રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલી બનાવાયો ત્યારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જેથી સરકાર દ્વારા આ નિયમને હાઈ-વે પૂરતો મર્યાદિત બનાવી દેવામાં આવતાં તે માંડ માંડ શાંત પડ્યો હતો.


Related News

Loading...
Advertisement