શાળાઓ ખુલશે પણ પ્રાર્થના-સ્પોર્ટસ એકિટવિટી પર પ્રતિબંધ

09 September 2020 11:56 AM
Rajkot Saurashtra
  • શાળાઓ ખુલશે પણ પ્રાર્થના-સ્પોર્ટસ એકિટવિટી પર પ્રતિબંધ

રાજયમાં ધો.9 થી 12ના છાત્રો માટે તા.21 સપ્ટેમ્બરથી શાળા ખોલવા નિર્ણય: બે છાત્રો વચ્ચે 6 ફૂટની દૂરી, પેરેન્ટસની મંજૂરી, થર્મલ સ્ક્રીનીંગ, માસ્ક પહેરવા સહિતના નિયમોનું ફરજીયાત પાલન કરવુ પડશે

રાજકોટ તા.9
કોરોના મહામારીને લઇને દેશમાં છેલ્લા પાંચ-છ મહિનાથી સ્કૂલો બંધ છે ત્યારે 21મી સપ્ટેમ્બરથી ધો.9 થી 12ના છાત્રો માટે સ્કૂલો તબક્કા વાર ખોલવાની વિચારણા ચાલી રહી છે જે શરતોને આધીન રહેશે. આ શરતો મુજબ સ્કૂલે જવા વાલીઓની મંજૂરી, માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ, દરેક છાત્રોનું થર્મલ સ્ક્રીનીંગ વગેરેનો સમાવેશ થાય છે.

કોરોના મહામારીને લઈ છેલ્લા લાંબા સમયથી સ્કૂલ કોલેજો બંધ છે. પરંતુ હવે તેને તબક્કાવાર ખોલવા વિચારણા ચાલી રહી છે. આજે મળતી વિગતો મુજબ ધોરણ 9 થી 12 માટે 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે. જોકે વાલીઓની લેખિત મંજૂરી લેવામાં આવશે. અને બે વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર રખાશે. તબક્કાવાર કલાસ ચાલે તે મુજબ આયોજન કરવા શાળા સંચાલકો સાથે શરતો રાખવામાં આવશે. એવી માહિતી પણ રહી છે કે, સરકારે આ અંગે એસઓપી રેડી કરી છે. બીજીતરફ ઓનલાઈન શિક્ષણની કામગીરી યથાવત રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સ્ટાંડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) મુજબ વિદ્યાર્થીઓએ શાળાએ જવુ કે નહીં તે તેમના પર નિર્ભર રહેશે. તેમજ નવી ગાઈડલાઈન પ્રમાણે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર હોવુ અનિવાર્ય રહેશે. ફેસ કવર કે માસ્ક લગાવવું પણ ફરજીયાત રખાયું છે. જ્યારે કંટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓને ખોલવા માટે અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકોને સ્કૂલ જવા મંજુરી આપવામાં આવશે નહીં. શાળા વધુમાં વધુ 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓલનાઈન ટીચિંગ, ટેલી કાઉન્સિલિંગ અને તેની સાથે જોડાયેલા અન્ય કામો માટે બોલાવી શકશે. જયારે સગર્ભા અને મોટી ઉંમરના શિક્ષક કે કર્મચારીઓને સ્કૂલે બોલાવી શકાશે નહીં.

વિદ્યાર્થીઓને ભેગા થવા, એસેમ્બલી હોલ અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ યથાવત રહેશે. અને ઈમરજન્સીની સ્થિતિમાં સંપર્ક કરી શકાય તે માટે શાળામાં રાજ્ય હેલ્પલાઈન નંબર ઉપરાંત સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓના નંબર પણ જાહેર કરવાના રહેશે. જે શાળાઓનો ઉપયોગ ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે થયો હતો તેને પણ શરૂ કરતાં પહેલા સેનેટાઈઝ કરવાના નિર્દેશ છે. તમામ શાળાઓને હાઈપોસ્લોરાઈડ સોલ્યૂશનથી સેનેટાઈઝ કરવા કહેવાયું છે.


Related News

Loading...
Advertisement