વિજતંત્રના વધુ એક ડેપ્યુટી ઈજનેરને કોરોના: કચેરી-સ્ટાફમાં તકેદારી ન લેવાતા ઉહાપોહ: કલેકટર સુધી રાવ

11 August 2020 05:44 PM
Rajkot
  • વિજતંત્રના વધુ એક ડેપ્યુટી ઈજનેરને કોરોના: કચેરી-સ્ટાફમાં તકેદારી ન લેવાતા ઉહાપોહ: કલેકટર સુધી રાવ

છેવટે પ્રહલાદ પ્લોટ સ્થિત કચેરી સેનીટાઈઝ કરાઈ: કોન્ટ્રાકટ બેઈઝડ કર્મચારીઓ સંક્રમીત થાય તો જવાબદારી કોની? સવાલ

રાજકોટ તા.11
રાજકોટ વિજકંપનીમાં વધુ એક ડેપ્યુટી ઈજનેરને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા ફફડાટ ફેલાયો હતો. ઓફીસ સેનીટાઈઝ ન કરાતા કે અન્ય કર્મચારીઓને કવોરન્ટાઈન ન કરાયાનો ગણગણાટ ઉભો થયો હતો અને મામલો છેક જીલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો. પીજીવીસીએલના પ્રહલાદપ્લોટ ખાતેના કસ્ટમર કેર સેન્ટરના ડેપ્યુટી એન્જીનીયર લાલકીયાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

બે દિવસ પુર્વે તેઓ કોરોના સંક્રમીત બનવા છતાં કસ્ટમરકેર ઓફીસ સેનીટાઈઝ ન કરાતા કે તેઓના સંપર્કમાં કર્મચારીઓ આવ્યા છે કે કેમ તેની કાળજી ન લેવાતા ઉહાપોહ સર્જાયો હતો. કસ્ટમર કેર સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ કોન્ટ્રાકટ બેઈઝ પર છે. કોરોના સંક્રમણનું જોખમ છતાં કોઈ જાતની તકેદારી લેવામાં આવી નથી.
સૂત્રોએ એમ જણાવ્યું છે કે કોરોના સંક્રમણ છતાં તેની ઝપટે ચડતા કર્મચારીઓની રજા કે નાણાકીય સહાય વિશે વિજતંત્રમાં કોઈ નિર્ણય કે નિયમ નથી. કસ્ટમર કેરના કર્મચારીઓ તો કોન્ટ્રાકટ બેઈઝડ હોય છે. તેઓ સંક્રમીત થવાના સંજોગોમાં આર્થિક સહિતની રીતે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

કસ્ટમર કેર સેન્ટરમાં અધિકારીને કોરોના છતાં તકેદારીના કોઈ પગલા નહીં લેવાયાનો મામલો છેક કલેકટર સુધી પહોંચ્યો હતો. કચેરીમાં કામ કરતા 50 જેટલા કર્મચારીઓ પર જોખમ ભમતુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.વિજતંત્રના સૂત્રોએ એમ કહ્યું કે હવે કસ્ટમર કેર કચેરી સેનીટાઈઝ કરી દેવામાં આવી છે. પ્રહલાદપ્લોટ સબડીવીઝન તથા કસ્ટમર કેર સેન્ટરનું એક જ બિલ્ડીંગ છે જે બન્ને કચેરી સેનીટાઈઝ કરવામાં આવી હતી. બાકી ડેપ્યુટી ઈજનેર લાલકીયાની તબીયત અગાઉ જ નાદુરસ્ત હતું. પોઝીટીવ રીપોર્ટ આવ્યાના ચારેક દિવસ પહેલાથી જ ઓફીસે આવ્યા ન હતા એટલે સીધા સંપર્કનું જોખમ ઓછુ હતું.


Related News

Loading...
Advertisement