મુસ્લિમ સમાજની આજી ડેમની શાળામાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર

11 August 2020 05:06 PM
Rajkot
  • મુસ્લિમ સમાજની આજી ડેમની શાળામાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર

મુસ્લિમ આગેવાન યુસુફભાઈ જુણેજા સાથે જિલ્લા કલેક્ટરની બેઠક; જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર આપશે

રાજકોટ,તા. 11
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા જતાં કેસોને ધ્યાનમાં લઇ રાજકોટ જિલ્લા કલેક્ટરે રાજકોટ શહેરમાં આજી ડેમ પાસે આવેલી મુસ્લિમ સમાજની એક શાળામાં કોરોના પોઝીટીવ દર્દીઓની મફત સારવાર મળી રહે તે માટે વધુ એક કોવિડ કેર સેન્ટર શરુ કરવાની મંજૂરી આપી હોવાનું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું અને આ વાતને સમર્થન મુસ્લિમ સમાજના આગેવાન યુસુફભાઈ જુણેજાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં આપ્યું હતું.

રાજકોટ શહેર અને જિલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ માસના પ્રથમ 10 દિવસમાં જ કોરોના પોઝીટીવના 700થી વધુ કેસો અને 200થી વધારે લોકોના મૃત્યુ થયા છે. કોરોના સંક્રમણ હજુ 15 દિવસ વધે તેવું ખુદ આરોગ્ય સચિવે તાજેતરમાં રાજકોટ ખાતે યોજેલી એક મીટીંગમાં ચેતવણી આપી હતી. શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધારાના 160 બેડ વેન્ટીલેટર સાથેની સગવડતાના ઉભા કરવામાં આવ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 520 પેશન્ટોને સમાવી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથોસાથ 16 જેટલી શહેરની ખાનગી હોસ્પિટલોને કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરવા માટેની મંજૂરીઓ આપવામાં આવી છે.

રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત સમરસ હોસ્ટેલ, ગેરેયા હોસ્પિટલ, રેનબસેરામાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં કોરોના સંક્રમણ વધે તો શું કરવું ? તે સંદર્ભની ભીતિને ધ્યાનમાં લઇ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મુસ્લિમ સમાજના આગેવાન યુસુફભાઈ જુણેજાને કલેક્ટરે તેડાવ્યા હતા. યુસુફભાઈ જુણેજાની આજી ડેમ પાસે એક શાળા આવેલી છે. આ શાળામાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર કોરોના પોઝીટીવ દર્દીઓને મફત સારવાર મળે તે માટે કોવિડ કેર સેન્ટર શરુ કરવા માટે સમજૂત કરવામાં આવ્યા છે.

જેનો હકારાત્મક અભિગમ મુસ્લિમ સમાજના આગેવાન યુસુફભાઈ જુણેજાએ આપ્યો છે. આજી ડેમ પાસેની યુસુફભાઈ જુણેજાની શાળામાં ટૂંક સમયમાં 100 પથારીની સગવડતા સાથેનું કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટેનું વધુ એક કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવશે તેવું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ અંતમાં ઉમેર્યું હતું.

રાજકોટની 16 ખાનગી કોવિડ કેર સેન્ટરમાં વેન્ટીલેટરની સગવડતા વધારવા માટે તજવીજ
રાજકોટ : રાજકોટ શહેરની 16 જેટલી ખાનગી હોસ્પિટલો કોરોના પોઝીટીવ દદીઓની સારવાર કરી રહી છે. આ કોવિડ કેર સેન્ટર હોસ્પિટલના આઈસીયુમાં વેન્ટીલેટરની સગવડતા વધારવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટરે કવાયત હાથ ધરી છે. રાજકોટ શહેરની 16 અને જિલ્લાની 3 હોસ્પિટલોમાં હાલ વેન્ટીલેટરની સગવડતા ઓછા પ્રમાણમાં છે. હાલ જે સગવડતા છે તેને ડબલ કરવા માટે જિલ્લા કલેક્ટરે તમામ ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબો સાથે એક મહત્વની મીટીંગ કરી છે. આઈસીયુમાં વેન્ટીલેટરની સગવડતા કોરોના પોઝીટીવ અને ગંભીર દદીઓને મળી રહે તે માટે ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. હાલમાં 100 જેટલા વેન્ટીલેટરો ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે આ સંખ્યા 200ની કરવા માટે ખાનગી હોસ્પિટલોના સંચાલકો અને તબીબો સાથે ચર્ચા કરી વેન્ટીલેટરની સગવડતા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થાય. સાથોસાથ કોરોના પોઝીટીવ અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓનો ડેથ રેશિયો કાબૂમાં આવે તે માટે જિલ્લા કલેક્ટર સતત ઝઝૂમી રહ્યા હોવાનું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement