બિહારની ચૂંટણી સમયસર જ યોજાશે: પંચની જાહેરાત

11 August 2020 12:07 PM
India Politics
  • બિહારની ચૂંટણી સમયસર જ યોજાશે: પંચની જાહેરાત

ગુજરાત સહિતની પેટાચૂંટણીઓ યોજી ચૂંટણીપંચ ગ્રાન્ડ રીહર્લસર કરશે : કોરોનાની સાવચેતી વચ્ચે ચૂંટણી યોજવા પંચ તૈયાર: મુખ્ય ચૂંટણી કમિશ્ર્નરની સ્પષ્ટ વાત: ઓકટો-નવે વચ્ચે ચૂંટણીની શકયતા

નવી દિલ્હી
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં ચૂંટણીઓ યોજવા અંગે સર્જાયેલી અનિશ્ચીતતા વચ્ચે ચૂંટણી પંચે જાહેર કર્યુ છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે જ યોજવામાં આવશે. રાજયમાં ચૂંટણીઓ હાલ મુલત્વી રાખવા રાષ્ટ્રીય જનતાદળ સહીતના અનેક રાજકીય પક્ષોએ આ ચૂંટણી મુલત્વી રાખવાની માંગ કરી હતી પણ ચૂંટણી પંચે તે નકારી છે.

મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર શ્રી સુનિલ અરોરાએ એક વાતચીતમાં જણાવ્યું કે બિહારમાં ચૂંટણી સમયસર જ યોજવા પંચ આગળ વધી રહ્યા છે અને કોરોના સંક્રમણની સ્થિતિમાં જે કંઈ જરૂરી હશે તે તમામ સાવચેતીઓ લેવાશે. શ્રી અરોરાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે અમો આ ચૂંટણી અને તેમાં ભાગ લેનાર સૌ કોરોનાના સંક્રમણથી મુક્ત રહે તે રીતે તમામ સાવચેતી લેશું. બિહારમાં કોરોના સંક્રમણ વધતુ જાય છે પણ રાજય વિધાનસભાની ચૂંટણી તા.29 નવે. પુરી થાય છે

જેથી તે પૂર્વે નવી ચૂંટણીઓ અને નવી વિધાનસભા બની જવી જરૂરી છે. જો તેમ ન થાય તો રખેવાળ સરકાર અથવા તો રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ છે પણ ચૂંટણી પંચના વડા એ જે રીતે ચૂંટણી યોજવા મકકમતા બતાવી છે તે જોતા હવે ઓકટોબર-નવેમ્બરમાં રાજયમાં દિપાવલી પછી ચૂંટણી યોજાઈ શકે છે અને તે પુર્વે ગુજરાત સહિતના રાજયોમાં જે લોકસભા વિધાનસભા પેટાચૂંટણીઓ છે તે યોજી ચૂંટણી પંચ કોરોના વચ્ચેની સાવચેતીનું રીહર્લસર કરી લેશે અને તેના આધારે બિહારની ચૂંટણી ફોર્મ્યુલા નિશ્ચીત કરાશે. બિહારમાં વધુ તબકકામાં ચૂંટણી યોજાઈ તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement