મેડીકલ સ્ટોર પરથી શરદી, તાવની દવા ખરીદતા લોકો પર રખાશે નજર

08 August 2020 05:53 PM
Ahmedabad Gujarat
  • મેડીકલ સ્ટોર પરથી શરદી, તાવની દવા ખરીદતા લોકો પર રખાશે નજર

તમામ કેમીસ્ટને ફલુ જેવા લક્ષણોની દવા લેવા આવતા લોકોની માહિતી આપવા સૂચના

અમદાવાદ તા.8
સામાન્ય રીતે લોકો તાવ અને શરદી ઉધરસની દવા નજીકના મેડીકલ સ્ટોરમાંથી ખરીદતા હોય છે. પરંતુ હાલમાં તાવ, શરદી, ઉધરસ કોરોનાના મહત્વના લક્ષણ માનવામાં આવે છે તેથી તેનું સંક્રમણ અટકાવવા માટે આવા દર્દીઓની વિગત રાખવી અથવા તો તેમનું સમયસર પરીક્ષણ કરવું જરૂરી બની ગયુ છે ત્યારે રાજયના ગાંધીનગર, અમરેલી અને વલસાડમાં નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યોછે જેમાં જો તમે મેડીકલ સ્ટોરમાં જઈ તાવ, શરદી, ઉધરસની દવા માંગશો તો તમારે તમારું નામ સહિતની કોન્ટેકટ ડિટેઈલ્સ પણ આપવી પડશે. તમારા લક્ષણોને આધારે આરોગ્ય વિભાગ દ્વારા તમારા આરોગ્યની તપાસ કરવામાં આવશે.

ગાંધીનગર, અમરેલી, વલસાડનાં કલેકટર દ્વારા તમામ કેમીસ્ટને ફલુ જેવા લક્ષણોની દવા લેવા આવતાં લોકોની યાદી બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ માહિતી તેમણે દરરોજ જીલ્લા વહીવટી અધિકારીને આપવાની રહેશે. ગાંધીનગરનાં કલેકટરે આ માટેની મોબાઈલ એપ પણ બનાવી છે જેના થકી કેમીસ્ટ સીધી જ સરકારી પોર્ટલ પર માહિતી અપલોડ કરી શકે.

આ પછી આરોગ્ય વિભાગની ટીમ જે-તે વ્યક્તિની મુલાકાત લઈ તેમનાં ઘરમાંથી કોઈ સંક્રમીત છે કે કેમ તેની માહિતી મેળવશે અને જરૂરી જણાશે તો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.
ગાંધીનગરના કલેકટર રાકેશ આર્યાના જણાવ્યા મુજબ ‘આ પ્રોજેકટ પ્રાયોગીક ધોરણે જુલાઈમાં અમલમાં મુકવામાં આવ્યો હતો. જે પછી તમામ કેમીસ્ટ માટે આ માહિતી આપવી ફરજીયાત કરવામાં આવી છે. ‘આ સિસ્ટમથી કોરોનાના સંક્રમણ પર નજર રાખવામાં મદદ મળી છે. હવે અમે આ સીસ્ટમ પ્રાઈવેટ પ્રેકટીસનર પર પણ લાગુ કરવાની વિચારણા કરી રહ્યા છીએ.’

ગાંધીનગરમાં 10-15 ટકા લોકો ફલુના લક્ષણો ધરાવતી દવાઓ સીધી જ મેડીકલ સ્ટોરમાંથી ખરીદતા હોવાનું સામે આવ્યું છે. દરરોજ સરેરાશ 1200 લોકોએ 500 મેડીકલ સ્ટોરમાંથી ફલુના લક્ષણો ધરાવતી દવાઓ ખરીદતા હોવાનું માલુમ પડયું હતું. વલસાડનાં કલેકટર આર.આર.રાવલનાં જણાવ્યા મુજબ હાલમાં જિલ્લામાં 151 એકટીવ કેસ છે. ફલુના લક્ષણો ધરાવતા લોકો સરકારી હોસ્પીટલ અથવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં અચકાતા અથવા ડરતા હોવાનું સામે આવ્યું છે. ‘જીલ્લામાં 300 જેટલા મેડીકલ સ્ટોર છે અને એ તમામને માહીની આપવા માટેની સૂચના આપવામાં આવી છે. અમારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફલુ જેવા લક્ષણો ધરાવતી દવા લીધી હોય તેવા લોકોનું ફોલોઅપ લે છે જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.’


Related News

Loading...
Advertisement