રાજ્યસભાના સાંસદ ગુજરાલ કોરોના પોઝીટીવ જાહેર થતાં અભયભાઈ ભારદ્વાજ સહિત 10 સાંસદોને તકેદારીની સૂચના

08 August 2020 05:31 PM
Ahmedabad Gujarat
  • રાજ્યસભાના સાંસદ ગુજરાલ કોરોના પોઝીટીવ જાહેર થતાં અભયભાઈ ભારદ્વાજ સહિત 10 સાંસદોને તકેદારીની સૂચના

કાનૂન અને ન્યાય બાબતોની સંસદીય સમિતીની બેઠકમાં હાજર રહેલા નરેશ ગુજરાલને સંક્રમણના છૂપા લક્ષણો હતા : જો કે સોશ્યલ ડીસ્ટન્સ સહિતની તકેદારી સાથે બેઠક યોજાઈ હોવાથી ચિંતા નથી : અભયભાઈ ભારદ્વાજની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત

રાજકોટ,તા. 8
હાલના કોરોના સંક્રમણના કારણે સંસદનું ચોમાસુ સત્ર ક્યારે મળશે તે પણ પ્રશ્ર્ન છે અને એક વખત સત્રની તારીખ નિશ્ર્ચિત થયા બાદ તે કઇ રીતે યોજવું તે અંગે પણ ચર્ચા છે. તો બીજી તરપફ હાલમાં જ સંસદીય સમિતિની બેઠકમાં હાજર રહેતા સભ્યોમાંથી એકાદ-બે સાંસદ કોરોના પોઝીટીવ જાહેર થતાં આ પ્રકારની બેઠકોમાં હાજરી આપનાર અન્ય સાંસદોના સ્વાસ્થ્ય અંગે ચિંતા શરુ થઇ ગઇ છે.

જો કે સંસદની સ્ટેન્ડીંગ કમિટી કે અન્ય સમિતિઓની બેઠક પૂરા સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના પ્રોટોકલ મુજબ જ યોજાય છે પરંતુ હાલમાં દિલ્હીમાં મળેલી કાયદો અને ન્યાય વિભાગની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં હાજર રહેલા અકાલી દળના સાંસદ તથા પૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલના પુત્ર નરેશ ગુજરાલ કોરોના પોઝીટીવ જાહેર થતા આ બેઠકમાં હાજર રહેલા રાજકોટના સાંસદ અભયભાઈ ભારદ્વાજ સહિતના 10 સાંસદોને રાજ્યસભા સેક્રેટરીએટ દ્વારા સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે.
રાજ્યસભા સેક્રેટરીએટ દ્વારા આ અંગે હાજર રહેલા તમામ સાંસદોને એક મેઇલ મોકલીને તેઓને જો કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવી લેવા પણ સલાહ આપવામાં આવી છે.

જો કે આ બેઠકમાં હાજર રહેલા અભયભાઈ ભારદ્વાજે સાંજ સમાચાર સાથેની એક મુલાકાતમાં જણાવ્યું કે તમામ કમિટીની બેઠકો પૂરા સોશિયલ ડીસ્ટન્સ અને અન્ય સાવધાની સાથે મળે છે. બેઠકમાં દરેક સભ્યો વચ્ચે છ ફૂટનું અંતર હોય છે અને આ બેઠકમાં તેઓ પોઝીટીવ જાહેર થયેલા સાંસદ નરેશ ગુજરાલથી અંદાજે 6 ખુરશી બાદ બેઠા હતા અને આમ તેઓ પૂરતા સલામત અંતરે હતા. અને તેમને તેથી સંક્રમણની કોઇ ચિંતા નહીં હોવાનું માને છે. છતા પણ તેઓ તમામ સાવધાની રાખશે.

મહત્વનું એ છે કે ગુજરાલ આ બેઠકમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેમનું બોડી ટેમ્પરેચર વગેરે ચેક કરવામાં આવ્યું હતું અને તે નોર્મલ જણાયું હતું અને તેથી જ બેઠકમાં હાજરી આપી હતી. આમ તેઓના કોરોના પોઝીટીવના છુપા લક્ષણો હતા અને તેથી તે ઝડપી શકાયા ન હતા. તેથી આ રીતે અન્ય બેઠકોમાં પણ ચિંતા રહી શકે છે.

ભારદ્વાજે જણાવ્યું કે તેઓ ગુજરાલ કે અન્ય કોઇપણ સાંસદોને રુબરુ મળ્યા નથી. બેઠકમાં હાજરી આપવાની સાથે જ અલગ રીતે આવ્યા હતા અને અલગ રીતે ગયા છે તથા તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કર્યું છે.

અભય ભારદ્વાજની રાજ્યસભાની સબોર્ડીનેટ લેઝીસલેશન કમિટીમાં પણ નિયુક્તિ
ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના સભ્ય અને રાજકોટ ભાજપના અગ્રણી અભયભાઈ ભારદ્વાજને પહેલા કાયદો અને ન્યાય બાબતોની સંસદીય સમિતિમાં નિયુક્તિ કરાયા બાદ હવે તેઓને વધુ મહત્વની ગણાતી સબોર્ડીનેટ લેઝીસલેશન કમિટીમાં પણ નિયુક્તિ કરવામાં આવી છે. આમ તેઓ બે કમિટીમાં પ્રતિનિધિત્વ કરશે.

સબોર્ડીનેટ લેઝીસલેશન કમિટી એ રાજ્યસભામાં રજૂ થતાં ખરડાઓ ગૃહમાં રજૂ થતા પહેલા તેના પર વિચારણા કરે છે અને તે અત્યંત મહત્વનું કામ ગણાય છે. ભારદ્વાજ જે લાંબો કાનૂની અનુભવ છે તે જોતા તેમને આ કમિટીમાં નિયુક્તિ કરવામા આવ્યા છે.


Related News

Loading...
Advertisement