બદલીના માત્ર 51 દિવસમાં ઇન્કમટેક્સ વડા અમીત જૈનને ફરી ગુજરાતનો હવાલો

08 August 2020 05:28 PM
Ahmedabad Gujarat
  • બદલીના માત્ર 51 દિવસમાં ઇન્કમટેક્સ વડા અમીત જૈનને ફરી ગુજરાતનો હવાલો

13 સીનીયર અધિકારીઓની બદલી; અન્ય 17ને વધારાના ચાર્જ

અમદાવાદ,તા. 8
ગુજરાતમાંથી બદલી પામેલા આવકવેરા વિભાગના વડા અમીત જૈનને 51 દિવસમાં ફજીયાત ગુજરાતનો હવાલો સોંપવામાં આવ્યો છે. સીનીયર આઈઆરએસ અધિકારી અમીત જૈનની ગત જૂનમાં મહારાષ્ટ્ર ઇન્કમટેક્સ વડા તરીકે બદલી થઇ હતી. હવે ફરી બદલી સાથે ગુજરાતમાં ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમટેક્સ (ઇન્વેસ્ટીગેશન) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

માત્ર 51 દિવસમાં જ ફરી બદલી થવા વિશે અનેકવિધ ચર્ચા થવા લાગી છે.અમીત જૈનની મુંબઈ બદલી થયા પૂર્વે ગુજરાતના કાર્યકાળ દરમ્યાન જ બે વખત પ્રમોશન આપ્યા હતા. 26મી મેના રોજ ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમટેક્સનું પોસ્ટીંગ મળ્યું હતું. આ પૂર્વે ગુજરાતમાં ઇન્વેસ્ટીગેશન વિભાગમાં ડાયરેક્ટર હતા. ત્યારપછી પ્રિન્સીપાલ ડાયરેક્ટરપદે બઢતી મળી હતી. આઈઆરએસ લોબીમાં તેઓ સારુ વર્ચસ્વ ધરાવતા હોવા ઉપરાંત સીધા કરવેરા બોર્ડના વડા પી.સી. મોદીના અંગત સાથીદાર તરીકેની છાપ ધરાવે છે.

અમીત જૈન ઉપરાંત ઇન્કમટેક્સના અન્ય કેટલાક અધિકારીઓની પણ બદલી થઇ છે. મુંબઈના ચીફ કમિશનર પતંજલિ માન પ્રિન્સીપાલ ચીફ કમિશનરનો ચાર્જ અપાયો છે. અમદાવાદ ચીફ કમિશનર-1 સુમંત મિશ્રાને રાજસ્થાનમાં ઇન્કમટેક્સ ડાયરેક્ટર જનરલ બનાવાયા છે. તિરુવંથપુરમના ચીફ કમિશનર રવિન્દ્ર કુમારને કેરળના પ્રિન્સીપાલ ચીફ કમિશનર બનાવાયા છે.

ગુજરાતના ઇન્કમટેક્સ વડા પ્રિતમસિંઘને ઉતરપ્રદેશ (પૂર્વ)ના આવકવેરા વડા બનાવાયા છે. કુલ ચીફ કમિશનર સ્તરના 13 અધિકારીઓની બદલી થઇ છે. અને અન્ય 17 અધિકારીઓને વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement