અગ્નિકાંડ: મૃતદેહ શબવાહીનીમાં મૂકવા કર્મીઓએ પડાવ્યા પૈસા

08 August 2020 05:21 PM
Ahmedabad Gujarat
  • અગ્નિકાંડ: મૃતદેહ શબવાહીનીમાં મૂકવા કર્મીઓએ પડાવ્યા પૈસા

અમદાવાદમાં શ્રેય હોસ્પીટલના અગ્નિકાંડ પછી સરકારી હોસ્પિટલમાં માનવતાને શર્મશાર કરતી ઘટના

અમદાવાદ તા.8
શ્રેય હોસ્પીટલનાં અગ્નિકાંડમાં 8 દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. આ મૃતક દર્દીઓના પરિવારજનોને શ્રેય હોસ્પીટલ બાદ સિવિલ હોસ્પીટલમાં પણ કડવો અનુભવ થયો હતો. મૃતદેહને શબવાહીની મુકવા માટે કર્મચારીઓએ પરિવારજનો પાસે પૈસાની માંગ કરી હતી તો સ્મશાનમાં પણ અગ્નિ સંસ્કારનાં પૈસા આપવા પડયા હોવાની કબુલાત પરિવારજનોએ કરી હતી.

હોસ્પિટલમાં અગ્નિકાંડને લીધે મોતને ભેટેલા દર્દીઓનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી રાહ જોઈને બેઠેલા પરિવારજનોને કલાકો સુધી તેમનાં આપ્તજનનો મૃતદેહ સોંપવામાં આવ્યો ન હતો. પોતાના આપ્તજનને ગુમાવી ચૂકેલા એક વ્યક્તિએ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મોડી સાંજે અમારા પિતાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. મોડું થઈ ગયું હોવાથી પુરતા પ્રમાણમાં સ્ટાફ હાજર ન હતો.

તેમણે મૃતદેહને અમારા વાહન પાસે આવીને મુકી દીધો અને અમને વાહનમાં જાતે મુકી દેવા જણાવ્યું જે પછી બીજા કર્મચારીઓ આવ્યા અને તેમણે મૃતદેહ શબવાહીનીમાં મૂકવા કહ્યું અને 200-300 રૂપિયા માંગ્યા હતા. આવી જ ફરિયાદ અન્ય એક મૃતકનાં પરિવારજને કરી હતી. જો કે કોઈ વિવાદ ન થાય તે માટે તેમણે પણ આ રકમ ચૂકવી દીધાનું જણાવ્યું હતું જે પરિવારજનોએ પોતાના આપ્તજનો ગુમાવ્યા તેમને સહાનુભૂતિ તો દુર પરંતુ આવા અમાનવીય વર્તનનો સામનો કરવો પડયો.

આ વાત સામે આવ્યા પછી આ કર્મચારીઓ સામે પગલા લેવામાં આવે તેવી ચર્ચા ઉઠી છે.


Related News

Loading...
Advertisement