રાજસ્થાનમાં ભાજપે પણ ધારાસભ્યોને સલામત કરવાનું શરૂ કર્યું : વસુંધરા જૂથના 12 ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં

08 August 2020 04:51 PM
India Politics
  • રાજસ્થાનમાં ભાજપે પણ ધારાસભ્યોને સલામત કરવાનું શરૂ કર્યું : વસુંધરા જૂથના 12 ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં

સોમનાથ મંદિરે દર્શન કરીને કોઇ રિસોર્ટમાં આ ધારાસભ્યોને તા. 12 સુધી સલામત રખાશે : ગેહલોટ સરકારની કટોકટીમાં ભાજપમાં પણ આંતરિક ડખ્ખો : સાઈડલાઈન કરવાના પ્રયાસો સામે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જે.પી. નડ્ડાને ફરિયાદ કરી

જયપુર,તા. 8
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે હવે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ એકશનમાં આવી ગયા હોવાના સંકેત છે અને તેમના જૂથના 12 જેટલા ધારાસભ્યોને સોમનાથ મંદિરના દર્શનના બહાને ગુજરાતમાં શિફટ કરવાની તૈયારી છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ અશોક ગેહલોટ સરકારની તા. 14ના રોજ વિધાનસભામાં વિશ્વાસ મતની પ્રક્રિયા શરુ થશે. જો કે પ્રથમ દિવસે જો વિશ્વાસ મત લેવાઈ જશે તેવું નિશ્ચીત નથી પરંતુ માનવામાં આવે છે કે ભાજપે તેના તમામ ધારાસભ્યોને અલગ અલગ રીતે સલામત કરવાનું શરુ કરી દીધું છે

અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ગ્રુપના અને ઉદયપુર ક્ષેત્રના 12 ધારાસભ્યોને ગુજરાતમાં આજે સોમનાથ મંદિરના દર્શનથી તેમને ગુજરાતમાં કોઇ રિસોર્ટમાં રાખવામાં આવશે. અગાઉ પાયલોટ જૂથના ધારાસભ્યો ગુજરાત અને રાજસ્થાનની સરહદ પરના એક રિસોર્ટમાં પહોંચ્યા હોવાનું જાહેર થયું હતું જ્યારે બીજી તરફ હવે વસુંધરા જૂથના ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં પહોંચી રહ્યા છે. ભાજપે આ રીતે પક્ષના ધારાસભ્યોને અલગ અલગ શિફટ કરવાનો વ્યૂહ ઘડ્યો છે.

માનવામાં આવે છે કે વસુંધરા રાજેએ હાલમાં જ પક્ષના પ્રમુખ જે.પી. નડ્ડા સાથે વાતચીત કરી હતી અને તેઓએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આંતરિક રીતે તેમને એકબાજુ કરવા જે પ્રયાસો થઇ રહ્યા છે તે ચલાવી લેશે નહીં. સુત્રોના જણાવ્યા મુજબ વસુંધરા રાજે ખુદ દિલ્હીમાં કેમ્પ કરીને બેઠા અને તેઓ તા. 12ના રોજ જયપુર પરત ફરશે.

ભાજપે તેના અલગ અલગ જૂથમાં ધારાસભ્યોને તા. 12 કે 13 સુધી રાજસ્થાન બહાર રાખવા તૈયારી કરી છે અને ત્યારબાદ દિલ્હીથી પક્ષના કોઇ ટોચના નેતાઓ પહોંચી જશે અને બાદમાં જ ધારાસભ્યોને એક સ્થળે એકત્રિત કરાશે. અને તા.14ના રોજ સલામત રીતે વિધાનસભામાં તેઓ ગેહલોટ સરકાર વિરુધ્ધ મતદાન કરી શકે તે જોવાશે.


Related News

Loading...
Advertisement