રાજકોટમાં હજુ 15 દિવસ કોરોનાના કેસ વધશે: જયંતિ રવિની લાલબતી

07 August 2020 03:48 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં હજુ 15 દિવસ કોરોનાના કેસ વધશે: જયંતિ રવિની લાલબતી

જન્માષ્ટમીના તહેવારોના ‘ફરવાના’ દિવસો પૂર્વે જ આરોગ્ય સચિવની ચિંતાજનક ચેતવણી : રાજકોટમાં ‘રાઈઝીંગ ટ્રેન્ડ’ છે, કોરોના સંક્રમણ હજુ ‘સર્વોચ્ચ સ્તરે’ પહોંચવુ બાકી ત્યારબાદ સંખ્યા સ્થિર થશે અને પછી ઘટશે: અમદાવાદ-સુરતમાં પણ આવુ જ થયુ હતું: સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચો પોઝીટીવીટી રેટ રાજકોટમાં હોવાથી મુખ્યમંત્રીથી માંડીને સરકાર ચિંતીત: રોજેરોજ રીપોર્ટ ફીડબેક લઈને સૂચના અપાય છે

રાજકોટ તા.7
રાજકોટમાં કોરોનાના સતત વધતા કહેર વચ્ચે આરોગ્ય સચિવ જયંતિ રવિએ એવી લાલબતી ધરી છે કે હજુ એકાદ પખવાડીયા સુધી કોરોનાનું સંક્રમણ વધી શકે છે અને ત્યારપછી સ્થિર થશે. જન્માષ્ટમી પર્વ માથે છે અને તહેવારોમાં હજારો લોકો ખુલ્લેઆમ બહાર નીકળવાની આશંકા છે ત્યારે આરોગ્ય સચિવની ચેતવણીને ગંભીર ગણી શકાય તેમ છે.

રાજકોટને કોરોનાના અજગરભરડા વચ્ચે ત્રીજી વખત રાજકોટ દોડી આવેલા આરોગ્ય સચિવ જયંતિ રવિએ સ્પષ્ટ કર્યું હતું કે રાજકોટમાં અત્યારે કોરોનાનો ‘રાઈઝીંગ ટ્રેન્ડ’ છે. અર્થાત કેસો વધવામાં છે. અમદાવાદ-સુરત જેવા કોરોના પ્રભાવિત શહેરોમાં પણ અગાઉ આવુ જ થયુ હતું જયાં કોરોના કેસો સતત વધ્યા બાદ થોડા દિવસે સ્થિર થયા હતા અને પછી ઘટવા લાગ્યા હતા. રાજકોયમાં પણ સમાન ટ્રેન્ડ હોવાનું મનાય છે. હજુ 15 દિવસ કેસ વધતા રહેશે. કોરોના કેસ સર્વોચ્ચ સ્તરે પહોંચવાના બાકી છે. ત્યારબાદ સ્થિર થશે અને પછી ઘટવા લાગશે.

સમગ્ર ગુજરાતમાં અત્યારે સૌથી વધુ પોઝીટીવીટી રેટ રાજકોટનો હોવાનું કબુલતા તેઓએ જણાવ્યું હતું કે રાજય સરકારની રાજકોટ પર ખાસ વોચ છે. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં કોરોના સંક્રમણ પર નજર રાખીને રોજેરોજનો રીપોર્ટ મેળવવા ઉપરાંત જરૂરી સૂચનાઓ આપતા રહ્યા છે.

તેઓએ ઉમેર્યુ હતું કે રાજકોટના કેસો વિશે રોજેરોજ ફીડબેક લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે. 18 ટકાનો પોઝીટીવીટી રેટ ઘટાડીને 7થી10 ટકા પર લઈ આવવા તથા તે માટે ટેસ્ટીંગ વધારવાની સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લા એકાદ મહિનાથી કોરાનાએ કાળોકેર વર્તાવ્યો છે અને નવા કેસોની સંખ્યા રોજેરોજ નવી ઉંચાઈએ પહોંચી રહી છે. ચાલુ સપ્તાહમાં સરેરાશ 70થી80 કેસ નોંધાય રહી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 1570 કેસ નોંધાયા છે. જયારે રાજકોટ જીલ્લામાં 804 કેસો છે. રાજકોટ શહેર-જીલ્લામાં કુલ કેસ 2374 પર પહોંચી ગયા છે. જયારે 19000થી વધુ સેમ્પલ લેવાયા છે.


Related News

Loading...
Advertisement