કોરોના બેકાબુ બનતા કાલે મુખ્યમંત્રી રૂપાણી જામનગર આવશે

07 August 2020 02:54 PM
Jamnagar Gujarat
  • કોરોના બેકાબુ બનતા કાલે મુખ્યમંત્રી રૂપાણી જામનગર આવશે

સ્થાનિક ધારાસભ્ય-મંત્રીની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે : તંત્રમાં ભારે ચહલ-પહલ

જામનગર તા.7:
જામનગર શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસ વિમાનની ગતિએ આગળ વધી રહ્યા હોવાથી સરકાર અને સરકારી તંત્રમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આવતીકાલે સ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ મુખ્યમંત્રી જામનગર આવી રહ્યા છે.

જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસની ગતિમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. શહરેમાં ગઇકાલ સુધીમાં નોંધાયેલા કોરોનાના પોઝીટીવ કેસના આંક સાતસોને પાર થઇ ગયો છે. છેલ્લા 3 દિવસમાં જ કોરોનાના 100 કેસ સામે આવ્યા છે.

આવતીકાલે બપોરે 2 વાગ્યે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જામનગર આવી રહ્યા છે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થતા જ સ્થાનિક તંત્રમાં પણ ભારે ચહલ-પહલ જોવા મળે છે.

શહેરમાં વધી રહેલા કોરોનાના સ્થાનિક સંક્રમણને નિયંત્રિત કરવા માટે તંત્રને ખાસ સુચના આપશે અને કાર્યપધ્ધતિમાં ફેરફાર સુચવશે. મુખ્યમંત્રી જામનગરમાં જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના મુદ્દે સમીક્ષા બેઠક કરશે. તેમજ જામનગરના ધારાસભ્ય અને મંત્રી. આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)તથા અન્ય આગેવાનોને પણ મળશે અને જરૂરી માહિતી મેળવશે.

મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થયો હોવાની વાતને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સમર્થન આપ્યું હતું. મુખ્યમંત્રીના આગમન પૂર્વ જામનગર શહેર અને જિલ્લાના અધિકારીઓમાં ભારે ચહલ-પહલ જોવા મળે છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે કોરોના સંદર્ભે સેમ્પલ લેવાનું પ્રમાણ તંત્રે વધારી દિધુ છે.


Related News

Loading...
Advertisement