રાજકોટમાં વધુ સવા બે ઇંચ વરસાદ : આજી નદી બે કાંઠે વહી

07 August 2020 01:17 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં વધુ સવા બે ઇંચ વરસાદ : આજી નદી બે કાંઠે વહી

પ્રસિઘ્ધ રામનાથ મંદિર પાણીમાં ડુબી ગયુ : રાત્રે ફાયરબ્રિગેડ અને મેયર દોડયા : ગઇકાલે રાત્રે શાંત સ્વરૂપે એક ધારો વરસાદ પડયો : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : મૌસમનો કુલ 25 ઇંચ વરસાદ થયો : આજે પણ સવારથી વરસાદી માહોલ યથાવત

રાજકોટ તા.7
ગત બુધવારે રાજકોટમાં તોફાની વરસાદ બાદ
ગઇકાલે ગુરૂવારે સાંજે 7:30 થી 9 વચ્ચે વધુ સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જો કે ગઇકાલે મેઘરાજાનું શાંત સ્વરૂપ રહ્યું હતું અને મઘ્યમ પરંતુ ચોક્કસ બનીને મેઘરાજા વરસ્યા હતા. રાજકોટ હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ ગઇકાલથી આજે સવારે 8:30 કલાકે પૂરા થતા 24 કલાક દરમ્યાન રાજકોટ શહેરમાં 59.3 મીમી (સવા બે ઇંચ જેટલો) વરસાદ નોંધાયો હતો. આ સાથે મૌસમનો કુલ વરસાદ 2પ ઇંચથી વધુ નોંધાયો છે.

દરમ્યાન ફાયર બ્રિગેડ અનુસાર રાજકોટનાં સેન્ટ્રલ ઝોનમાં 40 મીમી, વેસ્ટ ઝોનમાં 39 મીમી અને ઇસ્ટ ઝોનમાં 38 મીમી, વરસાદ નોંધાયો હતો. દરમ્યાન રાજકોટમાં ગઇકાલે પડેલા સવા બે ઇંચ જેટલા વરસાદનાં પગલે 150 ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડી, નાનામવા રોડ, ઉપરાંત જૂના રાજકોટનાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

આ ઉપરાંત ગઇકાલે ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદી બે કાંઠે થઇ હતી અને રામનાથ મહાદેવ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આથી રાત્રે મેયર દોડી ગયા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદી બે કાંઠે થતાં રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઇ જતાં મેયર દોડી ગયા હતા. શહેરમાં ગત સાંજથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં ગત સાંજથી અવિરત મેઘ મહેર વરસી હતી. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડયો હતો.

જેના કારણે શહેર મઘ્યેથી પસાર થતી આજી નદીમાં પૂર આવ્યું હતું. નદી બે કાંઠે વહી હતી. રાજકોટનું તીર્થ સ્વયંભુ રામનાથ મહાદેવ પરથી પાણી વહી રહ્યું હતું. આથી ફાયર બ્રિગેડની ટીમે ખડે પગે રહી હતી. કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને નદી વિસ્તારમાં ન જવા આદેશ અપાયો છે. જરૂર પડયે સ્થળાંતરની કામગીરી પણ કરાશે પરંતુ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હાલ કોઇ જરૂર જણાતી નથી.દરમ્યાન આજરોજ પણ રાજકોટ શહેરમાં સવારથી વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આકાશમાં વાદળો છવાયેલા છે અને આજે પણ રાજકોટ ઉપર મેઘકૃપા વરસે તેવા એંધાણ છે.


Related News

Loading...
Advertisement