ચોટીલામાં વનવિભાગના કર્મચારીઓએ પશુપાલકને ઢોર માર માર્યાનો આક્ષેપ

07 August 2020 01:15 PM
Surendaranagar Rajkot Saurashtra
  • ચોટીલામાં વનવિભાગના કર્મચારીઓએ પશુપાલકને ઢોર માર માર્યાનો આક્ષેપ

ખેરાણા રોડ પર આવેલી વનવિભાગની જગ્યામાં ઢોર ઘુસી ગયા બાદ બે યુવાનો સામે કાર્યવાહી કરાઈ હતી, જામીન પ્રક્રિયા કરવા ચોટીલાની કચેરીએ બોલાવી માર માર્યો: રોષે ભરાયેલા માલધારી સમાજના આગેવાનો પોલીસ મથકે એકત્ર થયા: ગુનો નોંધવા માંગણી કરી

રાજકોટ તા.7
ચોટીલા વનવિભાગની કચેરીમાં પશુપાલક યુવાનને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ફોરેસ્ટ વિભાગની વીડીમાં પશુઓ ઘુસાડી દેવા બાબતે અગાઉ ફરિયાદ નોધાઈ હતી. જે મામલે કચેરીએ બોલાવી માલધારી યુવાનને માર મારવામાં આવ્યો હતો.

આ બાબતે ચોટીલા પોલીસ મથકે માલધારી સમાજના આગેવાનોનો જમાવડો થયો હતો અને માર મારનાર ફોરેસ્ટના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા માંગ કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ બે-ત્રણ દિવસ પહેલાં પાંચવડા ગામ નજીક હજામીયા ગૌચરમાં ગામના બે માલધારી યુવાન પોતાનો માલ ઢોર ચરાવતા હતા એવામાં વરસાદ આવતા તમામ પશુઓ નજીકમાં આવેલ વનવિભાગની વીડીમાં ઘુસી ગયા હતા. જેને ફોરેસ્ટ વિભાગે માલધારી યુવાનો સામે કાર્યવાહી કરી હતી. પાંચવડા ગામના સરપંચ અને આગેવાનોની મધ્યસ્થીથી દંડ ભરી દેવા નકકી થયું હતું. ત્યારબાદ બન્ને યુવાનો અને તેના કાકા ખીમાભાઈ લક્ષ્મણભાઈ સાંબડને જામીનની કાર્યવાહી કરવા ચોટીલાના પાળીયાદ રોડ પર આવેલી વનવિભાગની કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યાં જામીન પ્રક્રિયા થઈ ગયા બાદ બન્ને યુવાનોને બહાર બેસાડી ખીમાભાઈને કચેરીના રૂમ નં.4માં લઈ જવાયા હતા અને માર માર્યો હતો તેવો આક્ષેપ કરાયો છે. અસહ્ય મારથી ખીમાભાઈ બેભાન થઈ ગયા હતા. હોશમાં આવ્યા બાદ તેમને છોડી મુકાયા હતા. જેની જાણ તેમણે પરિવાર અને સગાવ્હાલાને કરતા પ્રથમ ચોટીલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણક્ષ માલધારી સમાજમાં વાયુવેગે પ્રસરી જતા ગઈકાલે સાંજે ચોટીલા પોલીસ મથકે સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને ફોરેસ્ટના કર્મચારી વિજયભાઈ નામના વ્યક્તિ સહીત અન્ય 3 લોકો સામે ગુનો નોંધવા માંગ કરી હતી અને ચીમકી આપી હતી કે, કોઈ કાર્યવાહી નહીં થાય તો સમાજ એકઠો થઈ સરકારમાં રજુઆત કરશે. ઘટનાના પગલે માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો છે.


Related News

Loading...
Advertisement