લોધીકા સંઘની ચૂંટણીમાં સમાધાન : બંને જુથને 50-50 ટકા બેઠક

07 August 2020 01:12 PM
Rajkot Saurashtra
  • લોધીકા સંઘની ચૂંટણીમાં સમાધાન : બંને જુથને 50-50 ટકા બેઠક

રાજકોટ જિલ્લાની પ્રતિષ્ઠિત પૈકીની એક સહકારી સંસ્થા બીનહરીફ થવાના માર્ગે : નીતિન ઢાંકેચા જુથનું ‘વજન’ ઘટયુ છતાં પૂર્વશરત મુજબ આગેવાનોએ નક્કી કરેલા નામોનો સ્વીકાર : મધરાત સુધી બેઠકોના ધમધમાટ વચ્ચે 13 બેઠકોના ઉમેદવારો ફાઇનલ : બેના નામ સવારે નક્કી થયા : ઢાંકેચા જૂથના સાત તથા રૈયાણી જુથના 8 ઉમેદવાર : ચેરમેન પદે નીતિન ઢાંકેચા યથાવત રહેશે

રાજકોટ તા.7
રાજકોટ જિલ્લાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાઓ પૈકીની એક એવા રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણીમાં છેવટે સમાધાન નક્કી થઇ ગયું છે. શાસક નીતિન ઢાંકેચા જૂથનું વજન ઘટયુ હોવા છતાં આગેવાનોને આગ્રહને ઘ્યાનમાં રાખીને સમાધાન સ્વીકારી લેવામાં આવ્યું હતું. બંને જૂથને અડધી-અડધી બેઠકો ફાળવવામાં આવી હોવાના નિર્દેશ છે.

રાજકોટ લોધીકા સંઘ માટેના ઉમેદવારો નક્કી કરવા માટે ગઇકાલ બપોરથી બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો. મધરાત સુધી મીટીંગ ચાલી હતી. રાજયના પુરવઠા પ્રધાન જયેશ રાદડીયા, રમેશ રૂપાપરા, લાલજી સાવલીયા તથા ડી.કે.સખીયા દ્વારા ઉમેદવારોના નામો ફાઇનલ કરવામાં આવ્યા હતા. અડધો ડઝન જેટલા ઉમેદવારો માટે જબરી ખેંચતાણ થઇ હતી. ત્રંબા અને પારડીની બેઠક માટે મધરાત સુધી પણ કોઇ નિકાલ આવી શકયો ન હતો અને છેવટે આજે સવારે બંને બેઠકોના ઉમેદવારો ફાઇનલ કરવામાં આવ્યા હતાં. સહકારી ક્ષેત્રમાં થતી ચર્ચા પ્રમાણે બે દાયકાથી લોધીકા સંઘમાં એક ચક્રી શાસન ધરાવતા નીતિન ઢાંકેચા જૂથનું વજન ઘટાડવામાં આવ્યું છે. તેના જૂથના માત્ર 7 નામો મંજૂર કરવામાં આવ્યા છે. જયારે ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂથના આઠ ઉમેદવારો લેવામાં આવ્યા છે.

લોધીકા સંઘના ચેરમેન નીતિન ઢાંકેચાએ આજે સવારે વાતચીતમા: જણાવ્યું હતું કે પોતાના ગ્રુપના 50 ટકા ઉમેદવારો હોવા છતાં ચેરમેન પદે પોતે જ રહેશે તેવુ નક્કી થયું છે અને આગેવાનોએ આ માટે ખાત્રી આપી છે.

લોધીકા સંઘની ચૂંટણી માટે છેલ્લા એક સપ્તાહથી ધમધમાટ ચાલી રહ્યો છે. 24મી ઓગષ્ટે ચૂંટણી યોજાવાની છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે સવારે તમામ 15 નામ ફાઇનલ થઇ જતાં ઉમેદવારો દ્વારા એક સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે નીતિન ઢાંકેચા તથા અરવિંદ રૈયાણી બંને જૂથ વચ્ચે સમાધાન થઇ ગયું હોવાથી હવે કોઇ નારાજગી કે બળવો થવાનો સવાલ નથી. જિલ્લા બેંકની જેમ આ ચૂંટણી પણ બીન હરીફ થઇ જવાનું સ્પષ્ટ છે. આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 15થી વધુ કોઇ ઉમેદવાર ફોર્મ ન ભરે એટલે ચૂંટણી બીન હરીફ થઇ જશે.

લોધીકા સંઘના ઉમેદવારો
(1) નીતિન ઢાંકેચા
(2) અરવિંદ રૈયાણી
(3) હરીભાઇ અજાણી
(4) હંસરાજભાઇ પીપળીયા
(5) બાબુભાઇ નસીત
(6) પ્રવિણભાઇ સખીયા
(7) રામભાઇ જળુ
(8) લક્ષમણભાઇ સિંધવ
(9) નાથાભાઇ સોરાણી
(10) સંજયભાઇ અમરેલીયા
(11) મનસુખભાઇ સરધારા
(12) નરેન્દ્રસિંહ જાડેજા
(13) કાનભાઇ ખાંપરા


Related News

Loading...
Advertisement