આપઘાતનાં 1 દિવસ પહેલા સુશાંત નવી ફિલ્મ સાઈન કરવાની તૈયારીમાં હતો !

07 August 2020 12:21 PM
Entertainment India
  • આપઘાતનાં 1 દિવસ પહેલા સુશાંત નવી ફિલ્મ સાઈન કરવાની તૈયારીમાં હતો !

જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથે અભિનેતાએ કરી હતી લાંબી ચર્ચા

મુબઈ,તા. 7
બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાતને મહિના કરતાં વધુનો સમય વિતવા છતાં હજુ સુધી કોઇ સ્પષ્ટ કારણ સામે આવી શક્યું નથી. જો કે સુશાંતના કોલ ડિટેલ રેકોર્ડમાં સામે આવ્યું છે કે આપઘાતનાં એક દિવસ પહેલાં તેણે બોલિવૂડનાં જાણીતા પ્રોડ્યુસર રમેશ તોરાની અને ડાયરેક્ટર નિખિલ અડવાણી સાથે ફિલ્મની સ્ક્રીપ્ટ અને પ્લોટ પર મિનિટો સુધી ચર્ચા કરી હતી.

સુશાંત સિંહનાં ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલનાં રેકોર્ડીંગ ડિટેઇલ પરથી માલુમ પડ્યું છે કે 8 જૂનનાં રોજ ઘર છોડયા પછી રિયા ચક્રવર્તી અને સુશાંતસિંહ વચ્ચે કોઇ જ વાતચીત થઇ નથી. જો કે તે આ સમયગાળા દરમિયાન તેની બહેનો સાથે સતત સંપર્કમાં હોવાનું માલુમ પડ્યું છે. કોલ ડીટેઇલ રેકોર્ડ (સીડીઆર)ની માહિતી મુજબ સુશાંતના આપઘાતનાં એક દિવસ પહેલાં એટલે કે 13 જૂનનાં રોજ સુશાંતને તેના ટેલેન્ટ મેનેજર ઉદયસિંહ ગૌરી સાથે વાતચીત થઇ હતી. આ વાતચીત ઘણી લાંબી ચાલી હતી. ઉદયસિંહનાં જણાવ્યા મુજબ આ સમયે સુશાંત નોર્મલ રીતે વાત કરી રહ્યો હતો.

ઉદયની સાથે સુશાંતે બોલિવૂડનાં જાણીતા પ્રોડ્યુસર રમેશ તૌરાની અને ડાયરેક્ટર નિખીલ અડવાણી સાથે કોન્ફરન્સ કોલ કર્યો હતો. તેમની વચ્ચે ફિલ્મની સ્ક્રીપ્ટ અને પ્લોટ પર વાતચીત થઇ હતી.

રમેશ તૌરાનીએ પણ આ વાત કબૂલી હતી અને જણાવ્યું હતું કે મેં સુશાંતને એક સ્ક્રીપ્ટ વિશે જણાવ્યું હતું. નિખિલે પણ ફિલ્મનું નરેશન સંભાળ્યું હતું તે સમયે સુશાંતનું વર્તન સામાન્ય હતું. સુશાંતે ફિલ્મને લઇને અમુક શંકા અને પ્રશ્નો પણ પૂછ્યા હતા.

કોલ રેકોર્ડ પરથી સામે આવ્યું હતું કે, અભિનેતાએ 12 મીનીટમાં 5 કોલ કર્યા હતા જે પછી તે દિવસે એક પણ ઇનકમિંગ કે આઉટગોઇંગ કોલ ન હતાં. સુશાંતસિંહ અને તેની બહેન વચ્ચે અમુક કોલ થયા હતા. મુંબઈ પોલીસે ટેલેન્ટ મેનેજરનું નિવેદન પણ નોંધ્યું છે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

બીજી બાજુ બિહાર પોલીસનાં ઇન્સ્પેક્ટર જનરલે બીએમસી ચિફને પટના એસપી વિનય તિવારીને ક્વોરન્ટાઈનમાંથી મુક્ત કરવા પત્ર લખ્યો છે કે જેઓ સુશાંતના કેસની તપાસ માટે મુંબઈ આવ્યા હતા. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હવે કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે ત્યારે પટના એસપીને ત્યાં (મુંબઈ) કોઇ તપાસ કરવાની નથી તેમને શક્ય તેટલી જલ્દી ક્વોરન્ટાઈનમાંથી મુક્ત કરવામાં આવે જેથી તે બિહારમાં પોતાની ડ્યુટી જોઇન કરી શકે. પટના પોલીસનાં 4 સભ્યો પટના જવા રવાના થઇ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement