આઈપીએલ પછી ચાઈનીઝ વિવો પ્રો-કબડ્ડી લીગ, બિગબોસની સ્પોન્સરશિપમાંથી પણ આઉટ

07 August 2020 11:41 AM
Entertainment India Sports
  • આઈપીએલ પછી ચાઈનીઝ વિવો પ્રો-કબડ્ડી લીગ, બિગબોસની સ્પોન્સરશિપમાંથી પણ આઉટ

સ્માર્ટ ફોન કંપની ભારતમાં વિજ્ઞાપન પાછળ દર વર્ષે 1000 કરોડથી વધુ ખર્ચે છે

મુંબઈ,તા. 7
ઇન્ડીયન પ્રીમિયર લીગની 2020ની આવૃતિ માટે ક્રિકેટ બોર્ડ સાથે છેડો ફાડ્યા બાદ ચાઈનીઝ સ્માર્ટ ફોન મેન્યુફેકચરર વિવોએ પ્રો. કબડ્ડી લીગ (પીકેએલ) અને બિગબોસ રિયાલીટી શો એમ બે મોટા ટાઈટલ સ્પોન્સરશીપમાંથી હટી જવા નિર્ણય કર્યો છે.

વિવોનો પીકેએલ માટે વાર્ષિક 60 કરોડનો કરાર છે, જ્યારે તે બિગબોસની સીઝન માટે બાયાકોમ-18ની માલિકીની કલર્સ ચેનલને 30 કરોડ રુપિયા ચૂકવે છે. કરાર સાથે સીધી રીતે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે સરહદે ભારત-ચીન સરહદે અથડામણ પછી બ્રાન્ડ જે નકારાત્મક પબ્લીસીટીનો સામનો કરી રહી છે તે જોતાં તેણે નીચી મૂંડી રાખવાનું નક્કી કર્યું છે. કંપનીએ ઓછામાં ઓછું વર્ષ માટે તમામ મુખ્ય કરારમાંથી હટી જવા નિર્ણય લીધો છે.

તે વધુ રિટેલ ડીસ્કાઉન્ટ અને કમિશન દ્વારા પ્રોડક્ટસ વેચવા પર વધુ ધ્યાન આપશે. વિવોએ 2017માં પીકેએલ ટાઈટલ સ્પોન્સરશીપ માટે સ્ટાર ઇન્ડીયા સાથે રુા. 300 કરોડનો કરાર કર્યો છે, 2020ની એડિશન રદ થઇ છે, પણ સૂત્રોએ જણાવ્યું હતું કે વિવોએ ડીલ પૂરી કરવાની જાણ સ્ટાર ઇન્ડીયાને કરી છે. એવી જ રીતે આ ચાઈનીઝ ફોન નિર્માતાએ 2019માં કલર્સ સાથે રુા. 60 કરોડની બે વર્ષની ડીલ કરી હતી. 2020ની બિગબોસ સિઝન ઓક્ટોબરમાં આઈપીએલ સાથે સ્પર્ધા કરી લોંચ થશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડીયા (બીસીસીઆઇ) સાથે રુા. 2190 કરોડની આઈપીએલ ટાઈટલ સ્પોન્સરશીપ ડીલના કારણે વિવો ભારતમાં મોટા વિજ્ઞાપનકારો પૈકી એક બની છે.

કંપની દર વર્ષે માર્કેટિંગ અને પ્રમોશન માટે રુા. 1000 કરોડથી વધુનો ખર્ચ કરે છે. એમાં બીસીસીઆઈને રુા. 440 કરોડ અને આઈપીએલ દરમિયાન વધારાના રુા. 120-150 કરોડનો સમાવેશ થાય છે. કોરોના મહામારીના કારણે આઈપીએલ સપ્ટેમ્બર સુધી પાછી ઠેલાઈ ભારત બહાર યોજાનાર છે. ચાઈનીઝ મૂળ અને ભારતમાં ચીન વિરોધી લોકલાગણીના કારણે વિવોએ આઈપીએલ 13મી એડિશનમાંથી બહાર નીકળી જવા નિર્ણય કર્યો છે. બીસીસીઆઈ અને વિવો મોબાઈલ ઇન્ડીયા લીમીટેડે ગઇકાલે ચાલુ વર્ષે પાર્ટનરશીપમાં વિરામ લેવાનું નિવેદન કર્યું હતું.


Related News

Loading...
Advertisement