રૂપાણી શાસનના ચાર વર્ષ; પ્રતિબદ્ધતા-પરિશ્રમમાં કમી નથી

07 August 2020 10:40 AM
Ahmedabad Gujarat Rajkot
  • રૂપાણી શાસનના ચાર વર્ષ; પ્રતિબદ્ધતા-પરિશ્રમમાં કમી નથી

રાજયમાં સ્થિર શાસન આપવામાં સૌથી મોટી સફળતા

*ગુજરાતમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેની ટીમ શાસનના ચાર વર્ષ પુરા કરી રહી છે તે સમયની મૂલવણીમાં સાબિત થયું છે કે ટી-20ની આક્રમકતા સાથે ટેસ્ટ ટીમની સ્થિરતા પણ છે..
*શાસનની શ્રેષ્ઠતાનો કોઈ છેડો નથી અને પ્રજાની અપેક્ષાનો પણ અંત નથી, પણ તે બન્ને વચ્ચેનું અંતર ઓછામાં ઓછું હોય તે રૂપાણી શાસને જોયું છે, નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત મોડેલને લુણો લાગવા દીધો નથી તે સ્વીકારવું પડે
*પડકારોનો સામનો પ્રતિબદ્ધતા અને પરિશ્રમ સાથે થયો છે છતાં સ્વર્ણિમ સંકુલના નિર્ણયોમાં જીલ્લા તાલુકા કક્ષાએ અમલમાં ઢીલાશ છે, જેના કારણે કોરોના સામેની લડાઈમાં થોડી અસ્થિરતા જોવા મળી હતી પણ અમદાવાદ મોડેલથી સાબીત થયુ છે કે તંત્ર પાસે નેતૃત્વની દિશા છે
*ચાર વર્ષ રાજકીય શાસન તરીકે સ્થિરતા રહી છે, મુખ્યમંત્રીએ તેમના રાજકીય જીવનનો નિચોડ શાસનમાં આપ્યો છે, પ્રજા વચ્ચે રહેવાની ચાહના અને દો-ગજની દૂરી સમયે પણ ડેશબોર્ડથી સતત સજાગતા એ બેનમુન કામગીરી છે

ગુજરાતમાં આજે વિજયભાઈ રૂપાણી સરકાર શાસનના ચાર વર્ષ પુરા કરે છે અને રાજયમાં સ્થીર શાસન આપવા બદલ મુખ્યમંત્રી રૂપાણી અને તેમની ટીમ અભિનંદનને પાત્ર છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોની તમામ ચાહના સાથે દિલ્હીમાં રાષ્ટ્રીય નેતૃત્વ કરવાનું સ્વીકાર્યુ તે પછી એક સૌથી મોટો પ્રશ્ર્ન એ હતો કે રાજયમાં હવે કોણ સુકાની, મોદી શાસનની એક જે વિરાટ-નકકર અને શ્રેષ્ઠ સ્થિતિ બનાવી ગયા હતા.

ગુજરાતને વાઈબ્રન્ટ-રાજય તરીકે ફકત ભારત જ નહી વિશ્ર્વના ઔદ્યોગીક નકશામાં ગુજરાતને એક સ્થાન અપાવી ગયા, રાજયની સુખાકારી માટે નર્મદા બંધથી લઈ સૌની યોજના અને શિક્ષણમાં પેટ્રોલીયમ યુનિ. ગુજરાતમાં ભારતના શ્રેષ્ઠ રાજમાર્ગ તથા ગેસગ્રીડ દરેક ક્ષેત્રે જે સુવિધા સર્જી ગયા અને જે રીતે કર્ફયુ વગરનું શાસન આપ્યું. સદભાવનાની એક મશાલ પ્રજજવલીત કરી તથા વહીવટીતંત્ર પર મોદીજીની એક આંખ ફરે ત્યાં પ્રજાના કામ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જીને જયારે શાસનનું ‘ગુજરાત મોડેલ’ દેશને આપી ગયા તે વારસો આગળ વધારવાનું તો ઠીક પણ જાળવવાનું પણ સહેલું ન હતું પરંતુ મોદીજીની સાથે જ કામ કરી ગયેલા આનંદીબેન પટેલ તથા વિજયભાઈ રૂપાણીએ તે પરંપરા આગળ ધપાવવા અને મોદીજીને પણ તેમના મોડેલ પર ગર્વ થાય તે રીતે શાસન કર્યુ તે નોંધ ચોકકસ લેવી પડે અને આજે મુખ્યમંત્રી તરીકે રૂપાણી ચાર વર્ષ પુરા કરી અન્ય કેટલાક પુર્વ મુખ્યમંત્રીઓની હરોળમાં આ સમયગાળો પુરા કરનાર પુર્વ મુખ્યમંત્રીઓ સાથે બેઠા છે પણ તેમાં કેટલો સમય શાસન કર્યુ કેવુ શાસન કર્યુ તે બન્ને સાચી રીતે મુલવાય તો રૂપાણી સરકાર ડીસ્ટીગ્શન માર્કસ મેળવે છે.

રૂપાણી અને તેમની કેબીનેટે ચાર વર્ષમાં ગુજરાતમાં ઉભા થયેલા પડકારોનો સામનો કરવામાં કોઈ પાછી પાની કરી નથી પછી તે અતિવૃષ્ટિ હોય કે હાલની કોરોના સંક્રમણની સ્થિતિ એક ટીમ તરીકે રૂપાણી કેબીનેટ કામ કરે છે તેની નોંધ લેવી પડે છતાં પણ હજુ ઘણા સુધારાની આવશ્યકતા છે. કોઈ શાસન કદી પૂર્ણ હોઈ શકે નહી અને લોકોને અપેક્ષાઓનો પણ અંત આવતો નથી તેથી આ બે છેડા ભેગા કરવાનું દુષ્કર છે અને તેની અપેક્ષા પણ રાખી શકાય નહી છતાં શકય તેટલા શ્રેષ્ઠ શાસનની અપેક્ષા રાખી શકાય, વહીવટી દ્રષ્ટીએ મોદી સરકારની કામગીરીને નજીકની જોવાની રૂપાણીને તક મળી હતી તે તેમના માટે પ્લસ પોઈન્ટ બની ગઈ છે.

ભાજપમાં સંગઠનથી લઈ સીનીયર સાથીઓ વચ્ચે રહેવાથી તેઓ શાસન-સંગઠન વચ્ચેની દૂરી ઘટાડી શકયા છે. રાજકોટમાં કોર્પોરેટર સ્ટેન્ડીંગ ચેરમેન, મેયર તરીકેનો રેકોર્ડ બનાવ્યો તે તેમના માટે શાસનની પાઠશાળા બની રહી હતી અને પછી બોર્ડ-નિગમમાં કામગીરી કરી તેઓ ગાંધીનગર કલ્ચરથી પણ માહિતગાર થયા. આમ તેઓ કદાચ રાજકીય કારકિર્દીમાં ઝડપથી રાજયમાં ટોચના સ્થાને પહોંચ્યા હોવા છતાં પેરેશુટ-સીએમ નથી તે છેલ્લા ચાર વર્ષમાં સાબીત કર્યુ છે. સતત પ્રજાની વચ્ચે રહેવા માટે પ્રવાસનો રેકોર્ડ તેમના નામે છે.

કોરોના કાળમાં દો-ગજ કી દૂરી ને કદી વહીવટી તંત્રથી દૂરી બનવા દીધી નથી તે આપણે જોઈ રહ્યા છીએ. તેઓએ પક્ષ તરફથી જે ટીમ મળી તેની પાસેથી શ્રેષ્ઠ કામગીરી માટેનું નેતૃત્વ આપ્યું છે પણ છતા હજુ પ્રશ્નો પણ અનેક છે. સરકાર ખાસ કરીને કોરોનાકાળમાં તેઓ જેને શ્રેષ્ઠ કામગીરી માને છે તેની સામે અનેક પ્રશ્નો પણ છે પણ તે શાસન કરતા વહીવટીતંત્ર કક્ષાના છે. આમ ગાંધીનગરનું સ્વર્ણિમ સંકુલ-1 ગમે તે શ્રેષ્ઠ નિર્ણયો કરતું હોય તો પણ તેનો પડધો જીલ્લો કે તાલુકા લેવલ સુધી પડતો નથી તે વાસ્તવિકતા છે અને તેના કારણે દરેક સમયે પ્રજાને કાં તો સહન કરવું પડે છે અથવા તો દ્વીધાભરી સ્થિતિનો ભોગ બને છે.

નિર્ણયોમાં સ્પષ્ટતા કે પારદર્શતામાં થોડા પ્રશ્ર્નો છે. જે વારંવાર ડોકીયા કરે છે અને તેના કારણે વહીવટીતંત્ર પણ સજાગ કે શ્રેષ્ઠ સક્રીયતા દાખવતું નથી. નિયમો-કાનુનોની માયાજાળથી કોઈ શાસન ચાલી શકે નહી. ઓછામાં ઓછા કાનૂનથી વધુમાં વધુ સરળતા એ શાસનની શ્રેષ્ઠતા છે જે મંત્ર હવે અપનાવવો જરૂરી છે.

રાજયમાં કોરોનાનો સંકટકાળ હજુ સમાપ્ત થયો નથી અને લોકડાઉનના સમયે ગરીબો, જરૂરીયાતમંદો માટે અનાજ સહીતની વ્યવસ્થા કરીને કોઈ ભૂખ્યો ન સુવે તે આ શાસને જોયુ છે. પરપ્રાંતીય કામદારો અંગે પ્રારંભીક દ્વીધાભરી સ્થિતિ બાદ ઝડપથી તેઓને વતન ભણી જવાની વ્યવસ્થા કરીને શાસનમાં સ્થિતિ સ્થાપકતા છે તે સાબીત કર્યું છે. રાજયના ઉદ્યોગો ફરી શરૂ થાય તે માટેની વ્યવસ્થા પણ તંત્રએ કરી છે.

કોરોના સામેના તબીબી જંગમાં જો કે અનેક વખત પ્રશ્નો ઉભા થયા તે વાસ્તવિકતા છે અને તેની સંક્રમણ સામેની કામગીરી પર પણ અસર પડી હતી પણ એ કહી શકાય કે જે મહામારી છે તેની ગંભીરતા કદાચ વિશ્વના કોઈ શાસન પારખી શકયુ ન હતું. તેથી રાજયની સરકારના માર્કસ સાવ ઘટાડી શકાય નહી છતાં જે રીતે અમદાવાદ જેવા હોટસ્પોટને ડામવા જે નિર્ણય થોડા મોડા પણ અંતે લેવાયા અને જે રીતે અમદાવાદમાં સંક્રમણ ઘટયું તે શાસનની પ્રતિબદ્ધતા દર્શાવી ગયું છે અને હવે રાજયના વહીવટીતંત્રને એક મોડેલ મળી ગયું તે રાજય માટે સારી બાબત છે.

રૂપાણી અને તેની કેબીનેટ ગુજરાતને સૌથી ઓછામાં ઓછુ આરોગ્ય- માનવ જીંદગીને નુકશાન થાય તે ચિંતા કરે છે અને તેમાં લોકોનો સાથ જરૂરી છે. જેના વગર વહીવટીતંત્ર એકલું સફળ ન થાય અને રૂપાણી તથા તેની ટીમ એ માટે જે પ્રયાસો કરે છે તેમાં આપણે સૌ સાથ આપીએ તે પણ જરૂરી છે.

રાજકીય રીતે જોઈએ તો ગુજરાત રાજયસભાની ચૂંટણીના કારણે 2017થી ન્યુઝમાં છે. ધારાસભામાં બેઠકો ડબલ ડીજીટમાં આવી તે પછી દિલ્હીને મજબૂત કરવા માટે જે પ્રયાસો થયા તે રાજકીય નિર્ણયો તરીકે સાચા હતા પણ નૈતિકતા- રાજકીય મુલ્યો વિ.ની દ્રષ્ટીએ કેટલા ખરા હતા તે મુલાવાનું કામ પ્રજા પર છોડી દેવું જોઈએ.

એકંદરે ચાર વર્ષનું શાસનમાં કદી પ્રતિબદ્ધતાની કમી જોવા મળી નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વ્યક્તિગત છબી હંમેશા સંવેદનશીલ શાસન તરીકેની બની રહી છે. તેઓ કદી શાસનમાં કોઈ આસપાસની ‘વર્તુળો’ની સ્થિતિ બનવા દીધી નથી તે સૌએ સ્વીકાર્યુ છે. કેબીનેટની કમજોર કડી છતાં તેઓએ ખુદે તે કામની જવાબદારી ઉપાડીને લોકોને તેના કારણે સહન કરવું પડે કે વહીવટીતંત્રમાં તેવો સંદેશો ન જાય તે રૂપાણીએ જોયું છે અને હવે કોરોનાથી મુક્ત થયા બાદ ગુજરાત ફરી તેના વાઈબ્રન્ટ માર્ગે જશે તે પણ બ્લુપ્રિન્ટ તૈયાર છે જે આજે જ જાહેર થયેલી નવી ઔદ્યોગીક નીતિ દર્શાવશે તેમાં કોઈ શક નથી.

અંતે વિજયભાઈ રૂપાણી તથા તેની ટીમ રાજયને સારા શાસન માટે અભિનંદનને પાત્ર છે. શાસનની અપારતાનો કોઈ અંત નથી અને સરકારની પ્રતિબદ્ધતાની પણ કોઈ કમી નહી હોય તે અપેક્ષા સાથે અભિનંદન....
શુભેચ્છા....


Related News

Loading...
Advertisement