જન્માષ્ટમી પર્વમાં જ જાણીતા યાત્રાધામો પર કોરોના ગ્રહણ : દર્શનાર્થીઓ માટે દરવાજા બંધ

07 August 2020 10:22 AM
Jamnagar Dharmik Gujarat
  • જન્માષ્ટમી પર્વમાં જ જાણીતા યાત્રાધામો પર કોરોના ગ્રહણ : દર્શનાર્થીઓ માટે દરવાજા બંધ

દ્વારકાના જગત મંદિરે કાનુડાના જન્મ વધામણાનો અવસર પ્રથમવાર દર્શનાર્થીઓથી વંચિત : વીરપુર જલારામ મંદિર ખોડલધામ, ઉમિયાધામ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બગદાણા, ગોપનાથ મહાદેવ સહિતના મંદિરો જન્માષ્ટમી પર્વ નિમિતે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે: વિશ્વ વિખ્યાત જગત મંદિર દ્વારકા જન્માષ્ટમી પર્વમાં તા.10 થી 13 સુધી બંધ રાખવા જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ મૂકાયો : કોરોનાના કેસ વધી જતાં લોકમેળા, રથયાત્રા સહિતના ધાર્મિક આયોજનો પર બ્રેક

રાજકોટ તા.7
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હાલ કોરોનાના કેસ વધવાને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજથી જન્માષ્ટમીના તહેવારો શરૂ થયા છે. આજે બોળચોથ છે. સૌરાષ્ટ્રમાં અનેક સુપ્રસિઘ્ધ ધર્મસ્થાનો છે. જયાં જન્માષ્ટમીના તહેવારોમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે.

કોરોના મહામારીમાાં લોકો એકઠા ન થાય અને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દ્વારકાધીશનું મંદિર જન્માષ્ટમી પર્વમાં દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. એટલું જ નહી વીરપુર જલારામ મંદિર આવતીકાલ તા.8થી 27 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. તેમજ ખોડલધામ મંદિર, ઉમિયાધામ-સિદસર, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર તેમજ જાણીતા મંદિરો જન્માષ્ટમી પર્વ દરમ્યાન બંધ રહેશે. ખોડલધામ તા.9 થી 16 બંધ રહેશે. સીદસર ઉમિયાધામ પણ તા.9 થી 16 બંધ રહેશે.

સુપ્રસિઘ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે તા.8 થી 20 સુધી બંધ રહેશે. તહેવારોને ઘ્યાને લઇને સંક્રમણ ન ફેલાય તેથી મંદિર બંધ રાખવાનો નિર્ણય ગાદીપતિ પૂ.શ્રી.રઘુરામ બાપાએ લીધો છે.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પણ જન્માષ્ટમી પર્વ નિમિતે બંધ રાખવામાં આવેલ છે. ભાવિકો માટે તમામ ધાર્મિક કાર્યક્રમો ઓનલાઇન કરવામાં આવી રહ્યાં છે. મંદિરની સભાઓ, આરતી દર્શન પણ ઓનલાઇન કરવામાં આવી રહ્યાં છે.

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલી ઇસ્કોન મંદિરને અનિશ્ચિત સમય માટે ફરી ભાવિકો માટે બંધ કરી દેવાયું છે. મંદિરના પ્રમુખ વૈષ્ણવ સેવાદાસે જણાવ્યું છે કે સવારની 4:30ની મંગળા આરતી સવારે 7:30 વાગ્યાની શ્રૃંગાર આરતી તથા સાંજની 7 વાગ્યાની ગૌર આરતી ફેસબુક પર લાઇવ કરાશે.

જૈનોના પર્યુષણપર્વનો આગામી તા.15મીથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ઉપાશ્રયો બંધ રહેશે. વ્યાખ્યાન, તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાનાર નથી. દરેક જૈનો પોતાના ઘરે રહીને ધર્મ આરાધના કરશે. કોરોનાના કેસ વધતાં જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાતા લોકમેળા પણ બંધ રખાયા છે. તેમજ રથયાત્રા પણ બંધ રહેશે. કોરોનાના ઉપદ્રવને ઘ્યાનમાં રાખીને સૌ કોઇએ પોતાના ઘરમાં રહીને જ પૂજા, આરાધના કરવાની રહેશે.

બગદાણા
બગદાણા બાપા સીતારામ આશ્રમ પણ દર્શનાર્થીઓ માટે બંધ છે.

ગોપનાથ
તળાજા તાલુકાના મોટા ગોપનાથ મહાદેવ મંદિર બ્રહ્મચારી જગ્યાના પ્રમુખ ઘનશ્યામસિંહ રાઠોડના જણાવ્યા પ્રમાણે તળાજા પ્રાંત અધિકારીની સૂચનાથી કોરોના મહામારીને લઈ ગોપનાથ મંદિર અને દરિયા કિનારે ભરાતો સાતમ- આઠમ અને ભાદરવી અમાસ નો મેળો બંધ રાખવામાં આવેલ છે.એ ઉપરાંત શ્રાવણ માસના આવતા દરેક સોમવારે મંદિરે દર્શન બંધ રહશે. દરેક ભક્ત જનોએ નોંધ લેવી.

દ્વારકા-જામખંભાળીયા
વિશ્વવિખ્યાત જગત મંદિર શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે પ્રતિવર્ષે જન્માષ્ટમી સહિતના વિવિધ તહેવારોમાં લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી પડે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી દિવસોમાં જન્માષ્ટમી પર્વે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા ચાર દિવસ માટે ભાવિકો માટે પ્રવેશ બંધી અંગે હુકમ કરતું જાહેરનામું આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે દર વર્ષે જન્માષ્ટમી પર્વે આશરે દોઢ લાખ જેટલા ભાવિકો દર્શન કરી, આસ્થા વ્યક્ત કરે છે. આ વચ્ચે આગામી તારીખ 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસોમાં લાંબી રજાઓ પણ આવતી હોવાથી દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભકતોની ભીડ ઉમટી પડે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. હાલ કોરોના વાયરસના વધતા જતા કેસો તથા સંક્રમણની પુરી સંભાવનાઓ હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા આજરોજ ગુરુવારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જેમાં જણાવ્યા મુજબ હાલ કોરોના વાયરસની મહામારી સામે તકેદારીના ભાગરૂપે તા. 10 ઓગસ્ટથી તા. 13 ઓગસ્ટ સુધી દ્વારકાધીશ મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જન્માષ્ટમી પર્વે ચાર દિવસ સુધી ભક્તોને દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે આ નિયમ મંદિરના પૂજારી તથા સરકારી ફરજ પરના કર્મચારીઓને લાગુ પડશે નહીં તેમ પણ વધુમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement