કોરોનાને મહાત આપી સ્વસ્થ થયેલા : 28 દિવસ પૂર્ણ કરેલા વ્યકિતઓ પ્લાઝમા દાન કરે : કલેકટરની અપીલ

06 August 2020 05:28 PM
Rajkot Saurashtra
  • કોરોનાને મહાત આપી સ્વસ્થ થયેલા : 28 દિવસ પૂર્ણ કરેલા વ્યકિતઓ પ્લાઝમા દાન કરે : કલેકટરની અપીલ
  • કોરોનાને મહાત આપી સ્વસ્થ થયેલા : 28 દિવસ પૂર્ણ કરેલા વ્યકિતઓ પ્લાઝમા દાન કરે : કલેકટરની અપીલ

રાજકોટમાં પ્લાઝમા થેરેપી શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે : અતિ ગંભીર કોરોના પોઝીટીવ દર્દીઓને સ્વસ્થ કરવા તમામની નૈતિક ફરજ

રાજકોટ તા.6
રાજકોટમાં કોરોના પોઝીટીવ અને અતિ ગંભીર દર્દીઓને હવે પ્લાઝમા થેરેપી આપી ઝડપથી સ્વસ્થ કરવાની સારવારને મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ શહેરની ત્રણ ખાનગી બ્લડ બેન્કોને પ્લાઝમા કલેકટ કરવાની પરવાનગી મળી છે. જેમાં સૌરાષ્ટ્ર વોેન્ટરી બ્લડ બેંક, રેડક્રોસ અને લાઇફનો સમાવેશ કરાયો છે. આ ત્રણ પૈકીની બે ખાનગી બ્લડ બેંકો એકાદ સપ્તાહમાં પ્લાઝમાં કલેકટર કરવાનું કામ શરૂ કરનાર છે.

જયારે રેડક્રોસ બ્લડ બેંક જરૂરી માળખુ વિકસાવી કામ શરૂ કરશે તેવુ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ‘સાંજ સમાચાર’ સાથે વાત કરતા જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત પ્લાઝમા થેરેપી સારવારને પરવાનગી મળી છે. કોરોના પોઝીટીવ-અતિ ગંભીર દર્દીઓને કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા બાદ 28 દિવસ બાદ સાજા થયેલ વ્યકિત પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

કોરોના પોઝીટીવ-અતિ ગંભીર પેશન્ટોને જીંદગી બચાવવા માટે કોરોનાને હરાવી સાજા થયેલા વ્યકિતઓ પોતાના પ્લાઝમાનું દાન કરવા આગળ આવે તેવી અપીલ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ‘સાંજ સમાચાર’ના માઘ્યમથી કરી છે. પ્લાઝમા ડોનેટ કરવું તે રકતદાન કરવા જેટલું જ સરળ છે. કોઇપણ કોરોના પોઝીટીવ અને સ્વસ્થ થયેલ વ્યકિત 28 દિવસ બાદ પોતાના પ્લાઝમાનું દાન કરવા આગળ આવે અને હાલમાં કોરોના પોઝીટીવ અતિ ગંભીર દર્દીઓને સાજા કરવામાં મદદરૂપ બને અને માનવતા ધર્મ બજાવે તેવી સમયની માંગ છે.

દરમ્યાન જિલ્લા કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની ત્રણ ખાનગી બ્લડ બેંક ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ પ્લાઝમા ડોનેટ કરી શકાય છે. ડોનેટ કરનાર વ્યકિત સ્વસ્થ હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારના જરૂરી ટેસ્ટો કરાવ્યા બાદ કોરોનાને મહાત આપી સ્વસ્થ થયેલા વ્યકિત 28 દિવસ બાદ પ્લાઝમાનું દાન કરી શકે છે.

પ્લાઝમાં થેરેપી કોઇપણ કોરોના પોઝીટીવ-અતિ ગંભીર પેશન્ટને ઝડપથી સાજા કરવામાં ખૂબ જ અસકારકારક નિવડી છે. પ્લાઝમા ડોનેટ કરવાથી કોઇ-નુકશાન-આડઅસર થતી નથી. લોકોને ગભરાવાની જરૂરત પણ નથી. લોકો પોતાનું પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવ બચાવવા જરૂરથી આગળ આવે તેવી પણ અપીલ કલેકટરે કરી છે.

રાજકોટ સિવિલમાં પ્લાઝમા કલેકટની સુવિધા છે. હવે ત્રણ ખાનગી બ્લડ બેંકોમાને પણ મંજૂરી અપાઇ છે. રાજકોટમાં અન્ય જિલ્લાના કોરોના પોઝીટીવ દર્દીઓ વધુ પડતા આવે છે. આવા દર્દીઓને ના પાડી શકાતી નથી. અન્ય જિલ્લામાં જરૂરી સુવિધા નહી હોવાથી રાજકોટ સિવિલમાં ભારણ વધુ છે. આ તમામ સ્થિતિ વચ્ચે કોરોનાના ગંભીર દર્દીઓને સાજા કરવા દરેકની ફરજ હોય પ્લાઝમાં દાન કરે તે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

બોલબાલાના જયેશભાઇ ઉપાઘ્યાય આજે સાંજે પ્લાઝમાના પ્રથમ ડોનર બનશે
સંભવિત સાંજે 6 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા આપશે : તમામ રિપોર્ટમાં સ્વસ્થ જાહેર
રાજકોટની બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાઘ્યાય આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાંજે 6 વાગ્યે પ્લાઝમાનું દાન કરી સૌરાષ્ટ્ર-રાજકોટના પ્રથમ પ્લાઝમા ડોનર બનશે. જયેશભાઇ ઉપાઘ્યાયે 28 દિવસ પહેલા જ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે અને બમણા જુસ્સાથી સેવાના કામે વળગી ગયા છે.

રાજકોટની બોલબાલા સંસ્થાના જયેશભાઇ ઉપાઘ્યાયે પોતાના પ્લાઝમાનું દાન કરવા બુધવારે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઇ પ્લાઝમાનું દાન કરતા પૂર્વે મેડીકલ ગાઇડ લાઇન અનુસાર જરૂરી તમામ પ્રકારના ટેસ્ટ કરાવ્યા હતા. જે ટેસ્ટના તમામ રિપોર્ટ આજે જાહેર થયા છે જેમાં જયેશભાઇ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર થયા છે.

કોરોના પોઝીટીવ ગંભીર દર્દીઓને સ્વસ્થ કરવાની સેવાનું બીડુ જયેશભાઇએ ઉપાડયું છે. એક ખાનગી હોસ્પિટલના ગંભીર દર્દીને જયેશભાઇનું પ્લાઝમા આપવામાં આવશે તેવુ મનાય છે. જયેશભાઇ ઉપાઘ્યાય 2/7ના રોજ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા અને સાત દિવસમાં કોરોનાને મ્હાત આપી 9/7ના રોજ ડિસ્ચાર્જ થયા હતા.

જયેશભાઇ ઉપાઘ્યાય કોરોના મુકત થયાના 28 દિવસ બાદ પ્લાઝમાં આપી શકનાર હોય આજે 28 દિવસ પૂર્ણ થતા હોવાથી રાજકોટના પ્રથમ પ્લાઝમા ડોનર જયેશભાઇ ઉપાઘ્યાય બનશે. તેમના તમામ રિપોર્ટમાં સ્વસ્થ થયાનું પુરવાર થયું છે. આજે સાંજે સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા દાન કરશે તેવુ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement