શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં અવનવા ખુલાસા : હોસ્પિટલને 3 લાખ ચૂકવ્યાં છતાં કોઇ સેફટી નથી : મૃતકના પરિવારનો આક્રોશ

06 August 2020 05:21 PM
Ahmedabad Gujarat
  • શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં અવનવા ખુલાસા : હોસ્પિટલને 3 લાખ ચૂકવ્યાં છતાં કોઇ સેફટી નથી : મૃતકના પરિવારનો આક્રોશ

અમદાવાદ,તા. 6 : ‘ત્રણ લાખ રૂપિયા હોસ્પિટલમાં આપ્યા છતા કોઇ સેફટી નથી, અમારે અમારું સ્વજન પાછું જોઇએ છે’ આ શબ્દો છે શ્રેય હોસ્પિટલના અગ્નિ કાંડમાં મૃત્યુ પામેલા મહિલાના સ્વજનના.

ખાનગી હોસ્પિટલો લાખોની સંખ્યામાં દર્દીના પરિવાર પાસેથી ફી વસૂલે છે પણ આવી તગડી ફી લેતી હોસ્પિટલોમાં પણ દર્દીની કોઇ સલામતી નથી તેનો દાખલો શ્રેય હોસ્પિટલનો અગ્નિકાંડ છે. હોસ્પિટલમાં અગ્નિ હોનારતમાં માર્યા ગયેલા ખેરાલુના જ્યોતિબેન સિંધીનો પરિવાર આક્રોશ સાથે કહે છે કે હોસ્પિટલમાં રૂપિયા ત્રણ લાખ ભર્યા છતાં કોઇ સેફટી નથી, અમારે અમારી વ્યક્તિ પાછી જોઇએ છે.

મૃતકના નણંદે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, અમારા માણસનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવા છતાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. અમે વોર્ડમાં શિફટ કરવાનું કહેવા છતાં શિફટ નહોતા કર્યા જેથી બનેલી ઘટનામાં તેમનું મોત થયું હતું.

મૃતક મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યોતિબેન સાથે ઘરના સભ્યોએ વીડિયો કોલથી વાત કરી હતી અને આઠ કલાક બાદ તેમના સમાચાર આવ્યા હતા. હોસ્પિટલ તરફથી અમને કોઇ ફોન નહોતો આવ્યો, મીડિયા મારફતે જાણ થઇ હતી.

પુત્ર માતાને હોસ્પીટલે તેડવા જાય તે પહેલા યમદૂત તેડી ગયા
અત્રેની શ્રેય હોસ્પીટલમાં સર્જાયેલા અગ્નિ કાંડને પગલે અનેક હૃદય વલોવી નાખે તેવી ઘટનાઓ બહાર આવી છે. તો સાથે સાથે હોસ્પીટલની બેદરકારી પણ છતી થઈ છે. અગ્નિ કાંડમાં નવરંગપુરામાં રહેતા લીલાવતીબેન શાહનું મૃત્યુ નીપજયુ છે. તેમનો 12 દિવસ પહેલા કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો.

મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ વિડીયો કોલ પર લીલાવતીબેને પુત્ર રાજુભાઈ સાથે વાત કરી હતી ત્યારે લીલાવતીબેને પુછેલુ કે મારે ઘેર આવવુ છે. ત્યારે પુત્રે કહેલૂ કે કાલે તમને પહેલા માળે વોર્ડમાં શિફટ કરાશે પછી રજા આપવામાં આવશે.પરંતુ લીલાવતીબેનને પુત્ર તેડવા આવે તે પહેલા અગ્નિકાંડનાં કારણે યમદુતનું તેડુ આવી ગયુ હતું. હોસ્પીટલની બેદરકારી સામે આક્રોશ ઠાલવતાં લીલાવતીબેનની દોહીત્રી પ્રિયાંશી શેઠે જણાવ્યું હતું કે નાનાને પણ અહી જ દાખલ કર્યા હતા તેની સાથે અછૂત જેવુ વર્તન થતુ હતું.


Related News

Loading...
Advertisement