શ્રેય હોસ્પિટલનું ફાયર સેફટીનું લાયસન્સ જ રિન્યુ નહોતું થયું

06 August 2020 05:18 PM
Ahmedabad Gujarat
  • શ્રેય હોસ્પિટલનું ફાયર સેફટીનું લાયસન્સ જ રિન્યુ નહોતું થયું
  • શ્રેય હોસ્પિટલનું ફાયર સેફટીનું લાયસન્સ જ રિન્યુ નહોતું થયું
  • શ્રેય હોસ્પિટલનું ફાયર સેફટીનું લાયસન્સ જ રિન્યુ નહોતું થયું

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં અગ્નિકાંડ મામલે ચોંકાવનારો ખુલાસો: સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને આડેધડ તપાસ કર્યા વિના અપાતી મંજુરી અને હોસ્પિટલોના સંચાલકોની હોસ્પિટલમાં પુરતી સુવિધા ઉભી કરવાને બદલે કમાઈ લેવાની વૃતિથી કોરોનાના બદલે અગ્નિકાંડે 8 લોકોની જિંદગી ભુંજી નાખી

અમદાવાદ તા.6
અત્રે નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં અગ્નિકાંડ સર્જાતા 8 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. આ અગ્નિકાંડમાં એવી પણ ભયંકર બેદરકારી છતી થઈ છે કે આ ખાનગી હોસ્પિટલનું ફાયર સેફટીનું લાયસન્સ જ રિન્યુ થયું નહોતું છતાં તેને કોવિડ સેન્ટર ખોલવાની પરવાનગી આપી દેવાઈ હતી.

હાલ કોરોનાના વધતા જતા કેસના કારણે ખાનગી હોસ્પિટલોને કોવિડ સેન્ટરની પરવાનગી આપવામાં સરકારની બેદરકારી અને વધુ પૈસા કમાવવાની લાલચે ખાનગી હોસ્પિટલના સંચાલકોની બેજવાબદારીના કારણે 8 વ્યક્તિઓની જિંદગી આગમાં હોમાઈ ગઈ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં આઈસીયુમાં આગ ભભુકી હતી. જેમાં 8 દર્દીઓ જીવતા ભુંજાઈ ગયા હતા. આ આગની ઘટનામાં હોસ્પિટલની બેદરકારી છતી થઈ છે. આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટી ભરત મહંતની પોલીસે પુછપરછ માટે અટકાયત કરી હતી. વધુમાં ટ્રસ્ટી ભરત મહંત ભાજપના કાર્યકર હોવાનું જાણવા મળેલ છે.

સેકટર-1ના જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ જેસીપી આર.વી.અંસારીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. આ હોસ્પિટલમાં ફાયર સેફટી જ નહોતી. આટલું જ નહીં. ઈમરજન્સી એકઝીટ પણ નહોતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. જોઈન્ટ પોલીસ ઓફ કમિશ્નરે એવી ચોંકાવનારી વિગતો જરાવી હતી કે હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરતા તે પણ એકસપાયરી ડેટના મળી આવ્યા હતા આટલું જ નહીં પણ મધરાતે લાગેલી આગમાં મોતને ભેટનાર દર્દીઓના પરિવારને પણ હોસ્પિટલે જાણ કરી નહોતી, આ પરિવારજનોને મીડિયા દ્વારા આગની કરુણાંતિકાની જાણ થઈ હતી. હાલ હોસ્પિટલમાંથી 5 મૃતદેહોને પીએમ માટે લઈ જવામાં આવ્યા છે, હાલ શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે એફઆઈઆર દાખલ કરાઈ છે.

સ્વજન ગુમાવનાર પરિવારનો આક્રોશ : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: અમને અમારા સ્વજન પાછા આપો
પિતા-પુત્રની સારવાર માટે શ્રેય હોસ્પિટલને અગિયાર-અગિયાર લાખ રૂપિયા ચૂકવવા છતાં હોસ્પિટલની બેદરકારીથી ધોળકાના પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે. આ પરિવારની હોસ્પિટલને એક જ માંગ છે. અમને અમારા સ્વજન પાછા જોઈએ. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા 10 દિવસથી કોરોના પોઝીટીવ હોવાના કારણે શ્રેય હોસ્પીટલમાં દાખલ હતા ત્યારે જ આગ લાગી હતી જેમાં પિતા-પુત્રનું મોત થયું હતું. મૃતકના પરિવારે જણાવ્યું હતું કે જયારે પણ હોસ્પિટલ તરફથી કહેવામાં આવતુ ત્યારે પૈસા ભરતા હતા. અત્યાર સુધીમાં 11 લાખ રૂપિયા આપ્યા હતા છતાં હોસ્પીટલની બેદરકારીથી અમે અમારા સ્વજન ગુમાવ્યા છે. આ પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અમને અમારા સ્વજન પાછા જોઈએ.

હોસ્પીટલમાં ચાર માળની માન્યતા: પાંચમા માળનું બાંધકામ અને બેઝમેન્ટમાં કેન્ટીન ગેરકાનુની
અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગમાં અનેક ગેરરીતિ પણ જાહેર થઈ છે. હોસ્પીટલમાં ચાર માળની મંજુરી હતી પણ પાંચમો માળ ગેરકાનુની રીતે પતરા-પાર્ટીશન વિ.થી ઉભો કરાયો હતો તો બેજમેન્ટમાં કેન્ટીન પણ ગેરકાનુની હતી.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : મહિલા દર્દીના સ્પાર્કથી વાળ સળગ્યા ને આગ ફેલાઈ
ઓક્સિજનની લપેટમાં આવતા આગ વિકરાળ બનેલી
અત્રે નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં ભભૂકેલી આગ 8 જિંદગીઓ બળીને ખાખ થઇ ગઇ હતી, આઈસીયુમાં સ્પાર્ક થવાથી મહિલા દર્દીના વાળ સળગતા ત્યારબાદ આગ ફેલાતા આ અગ્નિકાંડ સર્જાયાની વિગતો બહાર આવી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રાત્રે 3-30 વાગ્યે આઈસીયુ વોર્ડમાં 8 નંબરના બેડ પાસે કોઇ કારણસર શોર્ટ સર્કીટ થયું હતું. અને મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી. પીપીઈ કીટ પહેરેલા કર્મચારીએ ત્યાં જઇને આગ બુઝાવવાનો પ્રયાસ કરતા પીપીઈ કીટમાં આગ લાગી હતી. જેથી તેઓએ બચવા માટે ત્યાંથી બહાર દોડી ગયા હતા અને આગ ત્યાં રહેલ ઓક્સિજન સિલીન્ડર સુધી પહોંચી હતી અને સિલિન્ડર આગની લપેટમાં આવતા આખો વોર્ડ આગની ઝપટમાં આવી ગયો હતો.

આગની ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતા આગને કાબૂમાં લીધી હતી. આ આગમાં 8 લોકો જીવતા બળીને ભડથુ થયા હતા. જ્યારે અન્ય 40 દર્દીઓ ફાયર બ્રિગેડના સ્ટાફે બચાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતાં.


Related News

Loading...
Advertisement