શાળાઓ શરૂ થવામાં અનિશ્ચીતતા: ફીના મુદ્દે હવે સરકાર સાથે સંચાલકો કરશે મંત્રણા

06 August 2020 04:42 PM
Ahmedabad Gujarat Rajkot
  • શાળાઓ શરૂ થવામાં અનિશ્ચીતતા: ફીના મુદ્દે હવે સરકાર સાથે સંચાલકો કરશે મંત્રણા

કોરોનાની મહામારીએ મચાવી રાખેલા હાહાકારનાં પગલે દિપાવલી સુધી શાળાઓ શરૂ થઈ શકે તેમ નથી : હાઈકોર્ટનાં ચુકાદાને અનુસરીને શાળા સંચાલકો સ્કુલ ફી લેશે: ભરત ગાજીપરા : હવે શિક્ષણ મંત્રી ચુડાસમાનાં તેડાની પ્રતિક્ષા: ડો.જતીન ભરાડ : સરકાર સાથે મંત્રણા બાદ આગળ વધાશે: અજયભાઈ પટેલ : રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી: ચર્ચા-વિચારણા

રાજકોટ તા.6
કોરોના વાયરસની મહામારીના ફુંફાડાએ ગુજરાત સહીત સમગ્ર દેશને અજગર ભરડો લીધો છે જેના પગલે સંક્રમિત દર્દીઓનો આંકડો જેટ ગતિએ વધીને 19.56 લાખને પાર થયેલ છે. દેશમાં આ મહામારીમાં સપડાયેલા 40 હજાર લોકો મોતને ભેટેલ છે. હાહાકાર મચાવતી આ મહામારીના પગલે સાવચેતીનાં પગલારૂપે શાળા-શૈક્ષણીક સત્રથી વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ મહામારીએ હાલ સમગ્ર દેશને હચમચાવી દીધો હોય શાળાઓ શરૂ થવામાં અનિશ્ચીતતા રહેલી છે.

કોરોનાના સંક્રમિત દર્દીઓનાં આંકડાનો ગ્રાફ રોજબરોજ સતત ઉંચકાય રહ્યો હોય તેમ શાળા સંચાલકો પણ પરિસ્થિતિ જોખમી હોવાનું માની દિપાવલી સુધી શાળાઓ શરૂ કરવી હિતાવહ ન હોવાનું જણાવી રહ્યા છે. જયારે બીજી તરફ સ્કુલ ફીનાં મુદ્દે કાનુની લડતમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો ટયુશન ફી વસુલવા માટે ખાનગી શાળા સંચાલકોને મંજુરી આપતા તેમજ સરકાર સાથે બેઠક કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા જણાવતાં સ્વનિર્ભર શાળા સંચાલકો હાલ તુરંત ફીના મુદ્દે રાજય સરકાર અને શિક્ષણમંત્રીનાં તેડાની પ્રતિક્ષા કરી રહ્યા છે. જે બાદ જ આ પ્રકરણમાં આગળ વધવાનો વ્યુહ અપનાવાશે.

ભરતભાઈ ગાજીપરા
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાં ભરતભાઈ ગાજીપરાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે સ્કુલ ફીનાં મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપી દેતા આ પ્રશ્ન હલ થયેલ છે.
હાઈકોર્ટના ચુકાદાને અનુસરીને શાળા સંચાલકો હવે ટયુશન ફી વસુલી શકશે. જોકે હાઈકોર્ટનાં ડાયરેકશન મુજબ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં હોદેદારો સરકાર સાથે બેઠક યોજી આગળ વધશે.
હાલની પરિસ્થિતિને અનુલક્ષીને શાળા સંચાલકો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે. ગાજીપરાએ વિશેષમાં જણાવ્યું હતું કે કોરોનાના હાહાકારને લઈને હાલ તો ફીઝીકલી શાળાઓ શરૂ કરવી જોખમી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે આગામી બેઠક યોજાય ત્યારે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ડો.જતીનભાઈ ભરાડ
ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાં ઉપપ્રમુખ ડો.જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે કોરોનાના ફુંફાડાને લઈ દિપાવલી સુધી શાળાઓમાં શિક્ષણ શરૂ કરી શકાય તેમ નથી. તેમજ સ્કુલ ફી અંગેનાં હાઈકોર્ટનાં ચુકાદા બાદ સરકાર સાથે બેઠક કરવામાં આવશે જે બાદ આગળ ધપશે.

અજયભાઈ પટેલ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ અજયભાઈ પટેલે ફી અંગેનાં હાઈકોર્ટનાં ચુકાદાને આવકારી જણાવ્યું હતું કે સરકાર સાથેની ફીના મુદ્દે મંત્રણા કરાશે. આજે ફીના મુદ્દે રાજકોટ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી હતી. જેમાં આ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ખાનગી શાળા સંચાલકોએ હવે મીનીમમ ‘ફી’વસુલ કરવી જોઈએ: વાલી મંડળ
સરકારે વ્યવહારૂ ઉકેલ લાવવા પગલા લેવા જરૂરી
રાજકોટ શહેર-જીલ્લા વાલી મહામંડળનાં પ્રમુખ હિંમતભાઈ લાબડીયા, માજી ડે.મેયર મોહનભાઈ સોજીત્રા તથા ક્ધવીનર રાજેશભાઈ કિયાડાએ એક અખબારી નિવેદનમાં જણાવેલ છે કે હાઈકોર્ટનાં ચુકાદા બાદ હવે ખાનગી શાળાઓએ ટયુશન ફી સિવાયની કોઈપણ પ્રકારની ફી લેવાની રહેશે નહિં તેમજ શિક્ષણ ફી સરકાર અને શાળા સંચાલકોએ સાથે બેસીને કેટલી શિક્ષણ ફી લેવી? તે નકકી કરવાનું રહેશે.
વધુમા તેઓએ જણાવેલ છે કે ખાનગી શાળાઓ જેટલો સમય બંધ રહે અને ફરી જયારે શાળાઓ શરૂ થાય તે વચ્ચેનાં સમયગાળાની ફી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી વસુલ કરવી જોઈએ નહિં. અત્યારનાં સંજોગોમાં ઓનલાઈન શિક્ષણ ખાનગી શાળાઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણ આપવા માટે જે ટેકનોલોજી અને માનવ સંશાધન શકિતઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેની જ મીનીમમ ફી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી વસુલ કરવી જરૂરી છે સરકારે હવે વ્યવહારૂ ઉકેલ લાવવો જરૂરી છે.


Related News

Loading...
Advertisement