ભાવનગરના ભંડારીયા ગામનો જવાન ઉતરાંચલ સરહદે શહિદ : વતનમાં અંતિમયાત્રા

05 August 2020 10:24 AM
Bhavnagar
  • ભાવનગરના ભંડારીયા ગામનો જવાન ઉતરાંચલ સરહદે શહિદ : વતનમાં અંતિમયાત્રા
  • ભાવનગરના ભંડારીયા ગામનો જવાન ઉતરાંચલ સરહદે શહિદ : વતનમાં અંતિમયાત્રા

ગામમાં શહિદ યાત્રા નીકળી : હજારો લોકો જોડાયા : સ્વયંભુ બંધ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.પ
ભાવનગર તાલુકાના ભંડારિયા ગામના સપૂત અને માઁ ભારતીના વીર જવાન શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ તા.31ને શુક્રવારે વીરગતિ પામ્યા બાદ આજે મંગળવારે તેમનો પાર્થિવદેહ વતન પહોંચ્યો હતો, આ તકે રાષ્ટ્રપ્રેમના જબ્બર જુવાળ જોવા મળ્યો હતો. હજારો લોકોએ સ્વયંભુ ઉમટી પડી સજળ નયને વીર જવાનને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

ઉત્તરાંચલ ખાતે ફરજ પર રહેલા ભારતીય સૈન્યના જવાન અને ભંડારિયાના સપૂત શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને ગત.તા.31 જુલાઈના હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા હતા. તેમનું પોસ્ટીંગ હતું એ સ્થળે વાતાવરણ ખૂબ જ ખરાબ હોવાના કારણે આજે છેક પાંચ દિવસે તેમનો પાર્થિવદેહ વતન ભંડારિયા ગામે બપોરે 1.30 કલકે પહોંચ્યો હતો. ગઈકાલે સોમવારે દિલ્હીથી હવાઈ માર્ગે સદગત જવાનના પાર્થિવદેહને અમદાવાદ સુધી લવાયો હતો જ્યાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાએ પુષ્પાંજલિ અર્પિ હતી જ્યારે આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

સવારે અમદાવાદથી પાર્થિવદેહને મોટરમાર્ગે ભંડારિયા લવાયો હતો. રસ્તામાં ઠેર ઠેર રાષ્ટ્પ્રેમી લોકો દ્વારા સ્વ. શક્તિસિંહને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ કારણે વતન ભંડારિયા ખાતે પણ પાર્થિવદેહ પહોંચતા સમય ખાસ્સો લાગ્યો હતો તેમજ અહીં પણ ગામથી 5 કિલોમીટર દૂરથી જ યુવાનો, આગેવાનોએ વીર જવાનના પાર્થિવદેહનું સ્વાગત કરી તિરંગા સાથે શોર્ય યાત્રા યોજી દેશભક્તિના પૂર્ણ માહોલ વચ્ચે વાહનોના કાફલામાં જોડાઈ ગયા હતા. ભંડારિયા ગ્રામના દરેક લોકોએ આ તકે એકતાના દર્શન કરાવ્યા હતા, ગામમાં દરેક જગ્યાએ વીર જવાનની વિરગતિને નમનને લગતા બેનર હોર્ડિંગ્સ લાગ્યા હતા. તો વેપાર ધંધા બંધ પાળવામાં આવ્યા હતા.

વીર જવાન શક્તિસિંહનો પાર્થિવદેહ ઘરે પહોંચ્યો ત્યારે ભારે ગમગીન દ્રશ્યો સર્જાયા હતા, ચાર બહેનોના એકના એક ભાઈ શક્તિસિંહને તેમની બહેનોએ આજે રક્ષાબંધનના બીજા દિવસે અશ્રુભીની આંખો સાથે રાખડી અર્પણ કરી ત્યારે સૌ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી. તેમના માતા અને પત્ની સહિતના પરિવારજનોના હૈયાફાટ રુદને ગમગીની સર્જી હતી. સદગતની અંતિમયાત્રા રાષ્ટ્રીય માન સન્માન સાથે નીકળી હતી અને ગામના મુખ્ય માર્ગો પર થઇ મોક્ષધામ પહોંચી હતી જ્યાં આર્મીના નિવૃત જવાનો દ્વારા પ્રોટોકોલ મુજબ પુષ્પાંજલિ અપાઈ હતી.


Loading...
Advertisement