નિકાવા-ખરેડી પંથકમાં વીજ ધાંધિયાના મુદ્દે ધારાસભ્ય મેદાને; પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલન

05 August 2020 10:21 AM
Jamnagar
  • નિકાવા-ખરેડી પંથકમાં વીજ ધાંધિયાના મુદ્દે ધારાસભ્ય મેદાને; પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલન

ધારાસભ્ય પ્રવિણ મુસડીયા અને જિલ્લા પંચાયત સભ્ય જે.પી. મારવિયા સહિત ગ્રામજનોની વીજ કચેરીએ રજૂઆત

(રાજુભાઈ રામોલીયા દ્વારા) કાલાવડ,તા. 5
કાલાવડના કોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા અને નિકાવા જિલ્લા પંચાયત સભ્ય જે.પી. મારવિયાની આગેવાની હેઠળ નિકાવા ખરેડીના ખેડૂતોની ખેતીવાડીમાં વીજ ધાંધીયા સામે નિકાવા જીઈબી કચેરીના નાયબ ઇજનેરને ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચીમકી આપી હતી.

ખેતીવાડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠાની અનિયમિતતા અને વારંવાર ફોલ્ટ રીપેરીંગનાં ધાંધીયા સામે વીજ કચેરીએ 100 જેટલા ખેડૂતો ઉમટ્યા. કાલાવડ તાલુકાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયાની આગેવાની હેઠળ નિકાવા અને ખરેડી ગામના 100 જેટલા ખેડૂતો ગઇકાલે નિકાવા જીઈબી કચેરીએ ઉમટી પડ્યા હતા. અને ખેતીવાડીમાં સર્જાતા વીજ ધાંધીયા તેમજ અનિયમિત વીજ પુરવઠા બાબતે ખેડૂતોએ રજૂઆત કરી હતી. તેમજ ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને આ પ્રશ્નનું નિરાકરણ નહીં ાવે તો ખુદ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા ખેડૂતોની સાથે મેદાને ઉતરી આંદોલન કરવાની ફરજ પડશે તેવું ધારાસભ્ય દ્વારા ઉચ્ચારેલ હતું.

છેલ્લા ઘણા સમયથી ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો અનિયમિત આવે છે તેમજ વીજતાર કે કોઇપણ ફોલ્ટ હોય ત્યારે જાણ કરવા છતાં પણ રીપેર કરવામાં આવતા નથી છેલ્લા પાંચ દિવસથી તો ખેતીવાડીમાં વીજળી આવી જ નથી ત્યારે ખેડૂતોના કુવામાં પાણી હોવા છતાં છતે પાણીએ મોલ સુકાઈ રહ્યો છે. આઠ કલાક સુધી તો પુરતી વીજળી મળતી જ નથી. આ તમામ રજૂઆતો સાથે ખેડૂતો વીજ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી અને સત્વરે યોગ્ય કરવા માંગણી કરી હતી. તેમજ કોઇ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપી હતી.

અંતે કાલાવડના ધારાસભ્ય અને નિકાવાના જ વતની પ્રવિણભાઈ મુસડીયાના અને જિલ્લા પંચાયતના સદસ્ય જે.પી. મારવિયાએ ઉગ્ર રજૂઆત સાથે જણાવેલ કે જો ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ નહીં કરવામાં આવે તો અમારે ખેડૂતો સાથે સાથે મેદાનમાં ઉતરી આંદોલન છેડવાની ફરજ પડશે તેવી ગંભીર ચીમકી ઉચ્ચારેલ હતી.


Loading...
Advertisement