અમરેલીમાં સોશ્યલ ડિસ્ટન્સ કોરાણે : રવિવારી ગુજરી બજારમાં ભારે ભીડ : પોલીસનું સુચક મૌન !

05 August 2020 10:13 AM
Amreli
  • અમરેલીમાં સોશ્યલ ડિસ્ટન્સ કોરાણે : રવિવારી ગુજરી બજારમાં ભારે ભીડ : પોલીસનું સુચક મૌન !

રસ્તા પર માસ્ક વગર નીકળ્યા તો પકડીને દંડ કરે પણ સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી કેમ નહિ ?

અમરેલી, તા. પ
અમરેલી શહેર સહિત જીલ્લાભરમાં કોરોનાનાં કેસનો વિસ્ફોટ થઈ રહેલ હોવા છતાં પણ અમરેલી શહેરમાં રામજી મંદિર રોડ ઉપર રવિવારી બજાર ભરાતા સોશ્યલ ડિસ્ટન્સનાં ધજીયા ઉડેલ હતા. જાહેર રોડ ઉપર મેળાવડા જેવો માહોલ સર્જાયેલ હતો. ગામની મઘ્યમાં ફરીવાર રવિવાર બજાર ભરાતા ટ્રાફિકની સમસ્યા પણ વકરેલ હતી. ટ્રાફિક પોલીસ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવાનાં બદલે દંડ વસુલવામાં જ મશગુલ રહેતા જાગૃત જનતામાં પોલીસની નીતિ સામે ભારે રોષની લાગણી છવાયેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરનાં હાર્દસમાં રામજી મંદિર રોડ ઉપર ભરાતી રવિવારી બજાર પાલિકા અને પોલીસ તંત્ર ઘ્વારા ગાંધીબાગ સામે ફેરવવામાં આવી હતી. જેનાં કારણે શહેરની મઘ્યમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવીથયેલ હતી. લોકડાઉન બાદ આ સ્થળે ભરાતી રવિવારી બજાર બંધ થયેલ હતી. લાંબા સમયથી બંધ રહેલ રવિવારી બજાર આજે ગાંધીબાગ સામે ભરાવાનાં બદલે રામજી મંદિર ઉપર ભરાતા ટ્રાફિક સમસ્યાથી અફડા-તફડીનો માહોલ સર્જાયેલ હતો.

ટ્રાફિક પોલીસ ટ્રાફિક સમસ્યા હલ કરવાનાં બદલે નાગનાથ મંદિર સામે, સ્વામિનારાયણ મંદિર સામે તેમજ બ્રહૃાસમાજની વાડી સામે ત્રણથી ચાર જેટલા ટીઆરબી જવાનો સાથે વાહનચાલકોને દંડવાનું બીડુ ઝડપેલ હોય તે રીતે ફરજ બજાવી રહેલ છે. વાહનચાલકો જાણે મોટા ગુનેગાર હોય તેવું તોછડું વર્તન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલની ફરિયાદો ઉઠેલ છે. કોરોના મહામારીમાં ધંધા રોજગાર પડી ભાંગેલ છે ત્યારે રોજીરોટી માટે અહી-તહી ભટકી રહેલા ગરીબ વાહનચાલકો સાથે માનવતા દાખવવાનાં બદલે ટ્રાફિક પોલીસ રોફ છાંટી દંડ વસુલી રહેલ છે.

શહેરમાં વકરી રહેલ ટ્રાફિક સમસ્યા હળવી કરવાનાં બદલે ફકત દંડ વસુલવામાં આવી રહેલ છે. આજની રવિવારી બજારમાં લોકો કોરોનાને જાણે વિસરી ગયા હોય તેવો માહોલ સર્જાયેલ હતો. અમરેલીની હાર્દસમાં બજારમાં હાલની વિકટ પરિસ્થિતિમાં રવિવારી બજારમાં મેળાવડો છવાયેલ હતો. શહેરનાં જાગૃત અને બુઘ્ધિજીવી લોકો ઉમટેલા માનવ મહેરામણને જોઈ ભારે અફસોસ કરી રહેલ હતા કે લોકોમાંકોરોના સામે હજુ પણ જાગૃતતા આવેલ નથી. આવા મેળાવડાનાં કારણે વિસ્ફોટક પરિસ્થિતિનાં નિર્માણની દહેશત ઉભી થયેલ હતી. સાથો સાથ સરકારી તંત્ર ઘ્વારા સોશ્યલ ડિસ્ટન્સનો કડક અમલ કરાવી રવિવારી બજાર ફરી ગાંધીબાગ સામે જ ચાલું કરાવવા માંગણી ઉઠેલ હતી.


Loading...
Advertisement