અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં જમીન રી-સર્વેમાં ગોટાળા : જમીન ઘટી ગયાની રાવ

05 August 2020 10:12 AM
Amreli
  • અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં જમીન રી-સર્વેમાં ગોટાળા : જમીન ઘટી ગયાની રાવ

અમરેલી જિલ્લામાં જમીનની ડિજીટલ માપણીમાં અનેક પ્રકારની વિસંગતતા : વાંધા અરજીઓના ઢગલા : અનેકના ક્ષેત્રફળો બદલાઇ ગયા

અમરેલી, તા. પ
સરકાર ઘ્વારા સેટેલાઇટ દ્વારા કરવામાં આવેલી જમીન માપણીની સમસ્યાઓ હજી સુધી પૂર્ણ થઇ નથી તો કયાંક રીસર્વેમાં થયેલા ગોટાળાના પગલે ખેડૂતોની જમીનો જતી રહી છે તો કયાંક એક ખેડૂતની જમીન બીજાના નામે થઇ ગઈ છે. આ ભૂલોની સમસ્યાઓને સુધારવા ખેડૂતોએ અનેકવાર રજૂઆતો અને વાંધા અરજીઓ કરી પરંતુ હજી સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આજ સુધી આવ્યું નથી. અમરેલી જિલ્લાના ઉંટવડ ગામના એક નહિ પરંતુ કેટલાય ખેડૂતો આ સમસ્યાથી પીડાય રહ્યા છે.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાજકોટ-ભાવનગર રોડ પર આવેલા ઉંટવડ ગામમાં સેટેલાઇટ દ્વારાથયેલી જમીન માપણીના કારણે અનેક ખેડૂતોની જમીનો સરકારી ચોપડે ઉથલ પાથલ થઈ ચુકી છે. ઉંટવડ ગામના એક-બે નહિ પરંતુ 30થી વધુ ખેડૂતો સરકાર દ્વારા કરાયેલા રીસર્વે બાદ મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા સેટેલાઈટ દ્વારા કરવામાં આવેલી જમીન માપણીમાં ખેડૂતોની જમીનોમાં કયાંકને કયાંક અનેક ભૂલો સામે આવી છે. કોઈની જમીન બીજાના નામે થયેલ જોવા મળે છે તો કોઈ ખેડૂતના નકશા બીજા ખેડૂતના નકશામાં વળી જતા જોવા મળે છે. કોઈ ખેડૂતોના ખેતરનું સ્થળ ફરેલા જોવા મળે છે અને ખેતર કરતા નકશાઓ પણ અલગ આવી રહ્યા છે. આવામાં એક ભાઈની જમીનના નકશા બીજા ભાઈના નામે થયા છે જેને લઈને ભાઈઓમાં પણ વિખવાદ થઇ રહ્યો છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં છે.

સેટેલાઇટ દ્વારા થયેલી જમીન માપણીમાં ખેડૂતો ભારે અવઢવમાં મુકાયા છે. કારણ કે રીસર્વે બાદ જે ખેડૂત પાસે વધારે જમીન હતી તે ઓછી દર્શાવાઈ રહી છે અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોની જમીન વધારે આવી રહી છે. તેમજ ખેડૂતોની જમીન ઓછી થઇને આવી છે તો અન્ય બીજા ખેડૂતની જમીનમાં વધારે જમીન દર્શાવાઈ રહી છે. આ ઉપરાંત કોઈ ખેડૂતના નકશાઓ બીજા ખેડૂતોના નકશામાં ચડાવી દેવાયા છે. તો હકીકતમાં જે જમીન છે તેનાકરતા નકશાઓ કાંઈક અલગ જ આવ્યા છે.

આ ઉપરાંત ખેડૂતો દ્વારા અનેક વાર સરકારી ઓફિસોના ધક્કાઓ ખાઈને અરજીઓ લખીને રીસર્વે રેકોર્ડ પ્રમોલગેશન બાદ સામે આવેલી ક્ષતિઓને દૂર કરવા માટે અરજીઓ કરવામાં આવી છે. એક ખેડુત અલ્પેશભાઈ ખૂંટ દ્વારા સેટેલાઇટ દ્વારા થયેલ જમીન માપણીમાં નકશામાં ફેરફાર આવતા પાંચ વખત લેખિતમાં અરજીઓ કરી છે તેમજ દસ જેટલા ધક્કાઓ પણ ખાઈચુકયા છે પણ તેમની અરજીઓનો કોઈ નિકાલ આવ્યો નથી. ન માત્ર ખેડૂતો પરંતુ ગામના આગેવાનો દ્વારા પણ અનેક રજૂઆતોઓ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનાં આક્ષેપો કરાઈ રહ્યા છે. મામતદાર ઓફિસથી માંડીને અનેક કચેરીએ ધક્કા ખાવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. જે ખેડૂતોની વાંધા અરજીઓના આધારે ફરીથી માપણી કરાઈ છે તેવા ખેડૂતોના પ્રશ્નોનું હજી સુધી નિરાકરણ આવ્યું નથી. ત્યારે સરકાર દ્વારા જે ખેડૂતોની સેટેલાઇટ દ્વારા જમીન માપણી કરી છે તે આજ દિન સુધી પૂર્ણ થઇ નથી. કયાંક ખેડૂતોની જમીન માપણીમાં ભૂલો જોવા મળી રહી છે. આમ આ ખેડૂતોની સમસ્યા વધી રહી છે. ત્યારે હવે આ ખેડૂતોના લટકતા પ્રશ્નનો હલ કયારે આવશે તે તો આગામી સમય જ બતાવશે.

અમરેલી જિલ્લામાં કુલ-5232 જેટલી સેટેલાઇટ રીસર્વેની વાંધા અરજીઓઆવેલી છે. તેમાંથી 5109 જેટલી વાંધા અરજીઓનો નિકાલ થયો હોવાનો તંત્ર દ્વારા દાવો કરાઈ રહ્યો છે. આ માપણીમાં થયેલી ભૂલોને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખે પણ સ્વીકારી હતી અને ઓફિસોમાંથી બેસીને માપણી કરવાને બદલે ખેડૂતોને સાથે રાખીને માપણી કરવા સલાહ આપી હતી અને માપણી કરતી કંપની દ્વારા સરખું કામ ન કર્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો અને સરકાર દ્વારા યોગ્ય કરવા માટે માંગ કરી હતી.


Loading...
Advertisement