હવે ધોરજીથી ટ્રેનમાં ડુંગળીનો જથ્થો 2437 કિમી.નો પ્રવાસ કરી બાંગ્લાદેશ પહોંચશે

04 August 2020 11:27 PM
Dhoraji Saurashtra
  • હવે ધોરજીથી ટ્રેનમાં ડુંગળીનો જથ્થો 2437 કિમી.નો પ્રવાસ કરી બાંગ્લાદેશ પહોંચશે

રેલવેએ ઉપલેટા, ગોંડલ અને ધોરાજી સહિતના માર્કેટિંગ યાર્ડના આગેવાનો અને વેપારીઓ સાથે મિટિંગો કરી આયોજન પાર પાડ્યું : ધોરાજી સ્ટેશન પરથી ડુંગળીનું લોડિંગ શરૂ : ભાવનગર પશ્ચિમ રેલવે વિભાગને 46 લાખની આવક થશે

( અહેવાલ: વિપુલ હીરાણી, ભાવનગર)
ભાવનગર:
પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળના નવા રચાયેલા વ્યવસાય વિકાસ વિભાગને અનોખી સફળતા મળી છે. જે મુજબ હવે ડુંગળીના જથ્થાને ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી લઇ જવા માટે ગૂડ્ઝ ટ્રેનમાં લોડિંગની શરૂઆત કરાઈ છે. અગાઉ ધોરાજી, ઉપલેટા અને ગોંડલમાં આવેલા માર્કેટિંગ યાર્ડના આગેવાનો સાથે પશ્ચિમ રેલવેના અધિકારીઓએ મિટિંગો કરી ડુંગળીને પાર્સલ ટ્રેનમાં મોકલવા આયોજન કર્યું હતું. આ મલ્ટી-લેવલ કમર્શિયલ ડેવલપમેન્ટ યુનિટ્સનો મુખ્ય ઉદ્દેશ રેલ્વે દ્વારા 2024 સુધીમાં રોડ મારફત લઈ જવાતી બિન-બલ્ક પરંપરાગત ચીજોના અતિરિક્ત ટ્રાફિકને આકર્ષિત કરીને માલ ભાડું બે ગણું કરવાનો છે.

ગૂડ્ઝને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલ્વે દ્વારા ઝોનલ કક્ષાની સાથે સાથે તેના તમામ છ મંડળોમાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટોની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિટ સતત ડુંગળીના વેપારીઓ સાથે વાત કરી ડુંગળીના જથ્થાને ધોરાજી સ્ટેશનથી 2437 કિમિ દૂર બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી પહોંચાડવા પ્લાન તૈયાર કર્યો હતો. 3 ઓગષ્ટે ધોરાજી સ્ટેશન પરથી ડુંગળીનો જથ્થો લોડ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. આ નવી પહેલથી રેલવેને 46 લાખ રૂપિયાની આવક થશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદી મુજબ 22 માર્ચથી સંપૂર્ણ લોકડાઉન અને વર્તમાનના આંશિક લોકડાઉન દરમિયાન કઠિન પરિસ્થિતિઓ અને પ્રચંડ પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ લગભગ 89,700 હજાર ટન વજનની આવશ્યક સામગ્રીનું પરિવહન 439 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે શામેલ છે. આ પરિવહન નાં માંઘ્યમથી થતી આવક રૂ,28.52 કરોડથી વધુની રહી છે.

કોરોના મહામારીને કારણે પશ્ચિમ રેલવે પર કુલ નુકસાન લગભગ 1986 કરોડનું રહયુ છે. જેમાં ઉપનગરીય વિભાગ માટે 296 કરોડ અને બિન-પરા માટે 1690 કરોડ રૂપિયા નુકસાનનો સમાવેશ થાય છે. આ હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ 1 માર્ચ, 2020 થી 2 ઓગસ્ટ, 2020 સુધી ટિકિટ રદ કરવાના પરિણામે 408.84 કરોડ રૂપિયાની રિફંડની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 196.24 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે.


Related News

Loading...
Advertisement