કારોબારી બેઠકમાં ચેરમેન-ડીડીઓ વચ્ચે ચકમક

04 August 2020 06:41 PM
Rajkot
  • કારોબારી બેઠકમાં ચેરમેન-ડીડીઓ વચ્ચે ચકમક

કારોબારીની મંજુરી વિના સરકારમાંથી બારોબાર કામો મંજુર થઈને આવતા ચેરમેન સહિતના સભ્યો આક્રમક બન્યા બાદ ‘ઢીલા’ પડી ગયા: તમામ દરખાસ્તો બહાલ

રાજકોટ તા.4
કોરોનાકાળ વચ્ચે આજે યોજાયેલી જીલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠકમાં કેટલાંક કામો બારોબાર સરકારમાંથી મંજુર થઈને આવવાના મુદે ચેરમેન તથા જીલ્લા વિકાસ અધિકારી વચ્ચે ચકમક ઝરી હતી. છેવટે 4 કરોડના નવા વિકાસકામો તથા સરકારમાંથી મંજુર થઈને આવેલી દરખાસ્તોને બહાલી આપી દેવામાં આવી હતી.

વિકાસ કમિશ્નરની કારોબારી ચેરમેનને હોદા પરથી દુર કરવાની નોટીસના વિવાદ વચ્ચે કારોબારી સમીતીની બેઠક યોજવામાં આવી હતી. ભૂતકાળમાં પેન્ડીંગ રખાયેલી અર્ધોડઝન જેટલી દરખાસ્તોનો તથા કારોબારીની મંજુરી પુર્વે જ સરકારમાં બારોબાર મંજુરી લઈ લેવાનો મુદો ચગ્યો હતો. જસદણ-વીછીયા તાલુકાના એકાદ ડઝન ગામોમાં ગ્રામ પંચાયતની બિલ્ડીંગ બનાવવા સહીતની સાત દરખાસ્તોને કારોબારીમાં પેશ કરાયા વિના જ સરકારે બારોબાર મંજુરી આપી દીધી હતી અને તે ઔપચારીક મંજુરી માટે કારોબારીમાં મુકવામાં આવી હતી.

એ તકે કારોબારી અધ્યક્ષ તથા અન્ય સભ્યો ભડકયા હતા. નિયમાનુસાર 15 લાખથી વધુના કામોની દરખાસ્તો કારોબારીમાં મંજુર થયા બાદ સરકારમાં આખરી મંજુરી માટે મોકલવામાં આવે છે. પરંતુ આ વખતે અર્ધોડઝન કામો સીધા સરકારમાંથી મંજુર કરાવી લેવાયા હતા અને જાણ અર્થે કારોબારીમાં મુકાયા હતા. આ પ્રકારની પ્રક્રિયાથી કારોબારીના અધિકારોનું શું? તેવો સવાલ ઉઠાવ્યો હતો. આ તકે જીલ્લા વિકાસ અધિકારીએ એવો બચાવ કર્યો કે સરકારમાંથી ફાઈલ કે કામ મંજુર થઈને આવે એટલે કારોબારીનું ધ્યાન દોરવાનું થાય છે. કારોબારી નામંજુર કરે તો પોતે સરકારમાં રિપોર્ટ કરશે.

આ મામલે ચેરમેન તથા ડીડીઓ વચ્ચે ચકમક થઈ હતી. અન્ય શાખા અધિકારીઓ પણ દાદ દેતા ન હોવાનો ઉભરો ઠાલવવામાં આવ્યો હતો. પ્રારંભમાં ચેરમેનની સાથે અવાજ ઉઠાવનાર સભ્યો ડીડીઓની દલીલ બાદ ઢીલા પડી ગયા હતા. છેવટે સરકારમાંથી જ સીધા મંજુર થઈને આવેલા કામોને બહાલી આપી દેવામાં આવી હતી. આજની કારોબારી સમીતીની બેઠકમાં સોલાર રૂફટોપ લગાવવા, વકીલોની પેનલ રચવા તથા વકીલ પેનલને ફી વધારો આપવા જેવી દરખાસ્તો પણ હાથ પર લેવામાં આવી હતી.

કારોબારી ચેરમેન રહેશે કે જશે? હોદ્દા પરથી દુર કરવાની નોટીસમાં કાલે સુનાવણી
કે.પી.પાદરીયાએ બે મહિનાની મુદત માંગી: વિકાસ કમિશ્ર્નરના વલણ પર મીટ

ભ્રષ્ટાચારનો કેસ ધરાવતા રાજકોટ જીલ્લા પંચાયતના કારોબારી સમીતીના ચેરમેન કે.પી.પાદરીયાને હોદ્દા પરથી દુર કરવા સંબંધી શોકોઝ નોટીસ મામલે આવતીકાલે સુનાવણી છે. ફેંસલો આવે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે. ચેરમેન દ્વારા બે માસનો સમય માંગવામાં આવ્યો છે. જીલ્લા પંચાયતની કારોબારી સમીતીના ચેરમેન સામે ભ્રષ્ટાચારનો આરોપ છે. સ્વભંડોળની ગ્રાન્ટના કામોમાંથી કોન્ટ્રાકટર પાસે લાંચ લેતા પકડાયા હતા.

ભ્રષ્ટાચારનો આવો કેસ હોવાથી હોદા પર ન રહી શકાય તેવા રીપોર્ટ પછી 87(1) હેઠળ શોકોઝ નોટીસ ફટકારવામાં આવી હતી અને તેની આવતીકાલે સુનાવણી થવાની છે. કે.પી.પાદરીયાએ આજે વાતચીતમાં કહ્યું કે કોરોનાના પ્રવર્તમાન માહોલમાં પોતે કાયદાકીય નિષ્ણાંતોની સલાહ લઈ શકયા નથી એટલે સમગ્ર કેસ ચલાવવામાં બે માસની મુદત માંગી છે. આ અંગે વિકાસ કમિશ્ર્નર સમક્ષ લેખિત માંગણી કરવામાં આવી છે.

આ મામલે પાદરીયાની માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ તેના પર મીટ છે. આ પ્રકરણમાં આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સથી સુનાવણી થવાની છે. માંગ ન સ્વીકારાય તો પોતે સુનાવણીમાં હાજરી આપશે તેમ પાદરીયાએ ઉમેર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કારોબારી ચેરમેન કે.પી.પાદરીયાએ કોરોના કેસો છુપાવાતા હોવાનો મુદો ઉઠાવ્યો હતો તે મામલે જીલ્લા ભાજપ સંગઠન સાથે પણ લેખીત નિવેદનમાં તડાફડી થઈ હતી ત્યારબાદ તેઓને હોદા પરથી દુર કરવાનો મામલો ઉપસ્થિત થયો હતો.

-તો કારોબારીની સતાનું શું? પાદરીયા

કારોબારી ચેરમેન કે.પી.પાદરીયાએ જણાવ્યું હતું કે બાંધકામ જેવા વિભાગો કામોની દરખાસ્તો કારોબારીમાં મંજુર કરાવ્યા વિના કે કારોબારીને વિશ્વામાં લીધા વિના બારોબાર મોકલી દયે અને સરકાર મંજુરી આપી દયે તો પંચાયતીરાજમાં સમીતીની સતાનું શું? નિયમ એવો છે કે 15 લાખથી વધુના કામો કારોબારી મંજુર કરે પછી જ સરકારમાં મોકલવાના હોય છે.

થોડા દિવસો પુર્વે વિકાસ કમિશ્નરને વીડીયો કોન્ફરન્સમાં આ મુદે ધ્યાન દોરાયુ હતું. તેઓએ પણ પ્રક્રિયા અનુસરવા સૂચવ્યુ હતું. કોઈ દરખાસ્તો પેન્ડીંગ રાખવા કારોબારીને અબાધીત અધિકાર હોય છે છતાં બારોબાર ફાઈલો મોકલી દેવાતા અધિકારીઓનું ધ્યાન દોર્યા વિના છુટકો ન હતો છેવટે સભ્યોએ આ વખતે દરખાસ્તો મંજુર કરવાનું સ્વીકાર્યુ હતું એટલે બહાલી આપી દીધી હતી.


Related News

Loading...
Advertisement