જમીન અંગેની વિવાદીત કલમ દૂર કરાશે : મુખ્યમંત્રી

04 August 2020 06:33 PM
Ahmedabad Gujarat
  • જમીન અંગેની વિવાદીત કલમ દૂર કરાશે : મુખ્યમંત્રી

આદીજાતિ સલાહકારની બેઠકમાં આદીવાસી સમાજના પડતર પ્રશ્ર્નો મુદ્દે થઇ ચર્ચા

ગાંધીનગર તા.4
ગુજરાતમાં આદિવાસી સમાજની જમીન ઉપર 73એએની વિવાદિત કલમ રદ કરવામાં આવશે. આ ઉપરાંત કાયદાની આંટીઘૂંટી વચ્ચે એક ભાઇ બીજા ભાઈને જમીન આપી શકતો નથી તે મુદ્દે મહેસૂલી કાયદામાં સુધારો લાવવાની ખાતરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપવામાં આવી છે.
આજે સ્વર્ણિમ સંકુલ ખાતે ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે આયોજીત કરવામાં આવી હતી.

જેમાં ભાજપઅને વિપક્ષ કોંગ્રેસનાં ધારાસભ્યો બેઠકમા ઉપસ્થિત રહ્યા હતા અને વનબંધુ કલ્યાણ યોજના સહિતની ગુજરાતના આદિવાસી સમાજના વિવિધ પડતર પ્રશ્નો અને રજૂઆતો મુદ્દેે ચર્ચા કરી હતી. જેમાં મોટાભાગના પ્રશ્નોમાં વિજયભાઈ રૂપાણીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હોવાનો સ્વીકાર વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ એ કર્યો છે, આ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આજે યોજાયેલી પરિષદ બેઠકમાં વિજય રૂપાણી અને મુખ્ય સચિવની અધ્યક્ષતા માં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે મળી હતી. જેમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજના પડતર પ્રશ્નો અને રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અંબાજીથી ઉમરગામ સુધી વન બંધુ કલ્યાણ યોજના કાર્યરત છે. ત્યારે 90 હજાર કરોડથી વધુના કામ આદિવાસી સમાજ માટે ભાજપ સરકાર દ્વારા કર્યા હોવાનો દાવો કર્યો હતો.

તો બીજી તરફ તેમણે એમ પણ કહ્યું હતું કે 5 હજાર કરોડથી વધુ સિંચાઇના કામો ની સમીક્ષા પણ આજની બેઠકમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત 250 થી વધુ વસ્તી ધરાવતા અંદાજિત 450 અલગ અલગ આદિવાસી પરા અને 98 ટકા આદિવાસી સમાજ ના ગામડા રસ્તાઓથી જોડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આદિવાસી સમાજમાં 15 ટકા અનામતની દ્રષ્ટિએ સરકારી ભરતીઓ થાય છે કે નહીં? તેનો પણ રીવ્યુ આજની બેઠકમાં કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો .

તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વીન કોટવાલ એ બેઠક બાદ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો વર્ષોથી મુદ્દો ચાલે છે જેમાં ગુજરાતમાં આદિવાસીની જમીન ઉપર 73 અઅ ની કલમ ના કારણે આર્થિક નુકસાન થાય છે. અને આ મુદ્દે આજની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆતો કરી હતી જેમાં તેમણે એવો વિશ્વાસ આપ્યો હતો કે આવનાર સમયમાં આ કલમ રદ કરવા માટે સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરશે.


Related News

Loading...
Advertisement