શ્રી રામ મંદિર શિલાન્યાસમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતિને નિમંત્રણ નહી : શિષ્યો લાલઘૂમ

04 August 2020 05:32 PM
Ahmedabad Gujarat
  • શ્રી રામ મંદિર શિલાન્યાસમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતિને નિમંત્રણ નહી : શિષ્યો લાલઘૂમ

શંકરાચાર્યજીના શિષ્યો દ્વારા કલેકટરને આવેદન આપી રજુઆત

રાજકોટ તા.4
અયોઘ્યામાં શ્રી રામ મંદિર શિલાન્યાસનો ત્રિદિવસીય મહોત્સવ શરૂ થયો છે. રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા મર્યાદીત સંખ્યામાં નિમંત્રણો અપાયા છે જેમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીને નિમંત્રણ નહી અપાતા તેમના શિષ્યો ઉકળી ઉઠયા છે. આજે શિષ્યોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ઉકળાટ ઠાલવ્યો હતો.

જગદગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્યોએ કરેલી રજુઆત એવી છે કે રામજન્મભૂમિ માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ શ્રી રામ જન્મભ પૂનરોઘ્ધાર સમિતિ બનાવી સુપ્રિમ કોર્ટ સુધી કેસ લડી, કોર્ટમાં પુરાવા રજૂ કરી સાબિત કરેલ છે કે આ જ રામજન્મભૂમિ છે અને તે રીતે રામજન્મભૂમિ માટે પૂરતો પ્રયાસ કરી મોટી લડત આપેલ છે. એટલું જ નહી તેના માટે આંદોલન કરેલ છે, યાત્રા કાઢેલ છે, જેલમાં ગયેલ છે એટલે કે સૌથી વધુ પ્રયત્ન કરનાર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ છે.

આમ સતત અને સળંગ રામ જન્મભૂમિ માટે લડત આપનાર જયોતિષપીઠાધીશ્ર્વર અને દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સહિત અન્ય બે પીઠોના શંકરાચાર્યજી મહારાજને પણ અયોઘ્યા રામજન્મભૂમિ ઉપર નિર્માણ પામનાર શ્રી રામ મંદિરના ભૂમિપૂજન અને શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ આપેલ નથી અને આમ કરીને શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટે દેખીતી રીતે દ્વૈષ રાખી સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂઓનું અપમાન કરેલ છે.

રામજન્મભૂમિ માટે સતત બલિદાન આપનારા સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ ચારેય પીઠના જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજને શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રીત ન કરવા તે ધર્મદ્રોહ સમાન જ છે. જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અમારી વિનંતી છે.


Related News

Loading...
Advertisement