BPL-અંત્યોદય કાર્ડધારકોને ‘મફત’ કપાસીયા તેલ નહીં મળે ; રાજય સરકારની સતાવાર સ્પષ્ટતા

04 August 2020 05:07 PM
Rajkot Saurashtra
  • BPL-અંત્યોદય કાર્ડધારકોને ‘મફત’ કપાસીયા તેલ નહીં મળે ; રાજય સરકારની સતાવાર સ્પષ્ટતા

સોમવારે સરકારે કરેલી જાહેરાતનું માત્ર 24 કલાકમાં જ સૂરસૂરીયું; 1 લીટર કપાસીયા તેલ રૂા.50 ચુકવીને ખરીદવાનું રહેશે

રાજકોટ તા.4
ગુજરાત રાજય સરકારે ગઈકાલે જન્માષ્ટમી તહેવારો અવસરે ગરીબ અને મધ્યમવર્ગ પરિવારોને એક લીટર કપાસીયા તેલનું મફત વિતરણ કરવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી તેનું 24 કલાકમાં જ બાળમરણ થઈ ગયું છે. પુરવઠા ખાતાના સચીવ દ્વારા સાંજ સમાચાર સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજય સરકાર જન્માષ્ટમી તહેવારો અવસરે ગરીબ અને મધ્યમવર્ગ પરિવારને એક લીટર મફત કપાસીયા તેલ આપવાની નથી અને તમામ આવા પરિવારોને એક લીટરના રૂા.50 ચૂકવીને જે તે રેશનીંગ દુકાનેથી જથ્થો ખરીદવાનો રહેશે તેવુ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાત રાજય સરકારે ગઈકાલે મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે જન્માષ્ટમી તહેવારો અવસરે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને એક લીટર મફતમાં કપાસીયા તેલનું વિતરણ કરવામાં આવશે. આ માટે રાજય સરકારે 36 લાખ પાઉચની ખરીદી કરી લીધી છે. આ સમાચાર ઈલેકટ્રોનીકસ માધ્યમથી વહેતા થયા બાદ તમામ અખબારોએ પણ આ સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા. માત્ર 24 કલાકમાં રાજય સરકારે કરેલી જાહેરાતનું બાળમરણ થયુ છે.

રાજય સરકારના પુરવઠા ખાતાના ટોચના અધિકારી તુષાર ધોળકીયાએ સાંજ સમાચાર સાથેની ટેલીફોનીક વાતચીતમાં સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું કે જન્માષ્ટમી તહેવારો અવસરે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલા બીપીએલ તેમજ અંત્યોદયકાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક લીટર કપાસીયા તેલનું વિતરણ રૂા.50 વસુલીને કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

આ સંદર્ભનો 17-7-2020ના રોજ રાજય સરકારે તમામ જીલ્લા પુરવઠા અધિકારીને પરિપત્ર પણ કરી દીધો છે અને આ પરીપત્રની અમલવારી આજે પણ યથાવત છે. ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને એક લીટર મફત કપાસીયાનું તેલ આપવામાં આવશે નહી. પૈસા આપીને જ ખરીદવાનું રહેશે તેવુ સ્પષ્ટતાપૂર્વક અંતમાં જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement