C.E.S.I. હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર; 40 બેડ તૈયાર; 4 ખાનગી હોસ્પિટલોના અડધા બેડ રિઝર્વ રખાશે

04 August 2020 05:03 PM
Rajkot Saurashtra
  • C.E.S.I. હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર; 40 બેડ તૈયાર; 4 ખાનગી હોસ્પિટલોના અડધા બેડ રિઝર્વ રખાશે

રાજકોટમાં અન્ય 22 ખાનગી હોસ્પિટલોમાં 200 બેડ કોરોનાની સારવાર માટે જરૂર પડયે સંભાળી લેવાશે; 100 પથારીની સગવડતા

રાજકોટ તા.4
રાજકોટ શહેર અને જીલ્લામાં જુલાઈ માસ દરમ્યાન કોરોના પોઝીટીવ કેસનો રાફડો ફાટયો હતો. ઓગષ્ટ માસમાં પણ શરુઆતના ત્રણ દિવસમાં જ સરેરાશ રાજકોટ શહેર અને જીલ્લામાં 75થી80 જેટલા કોરોના પોઝીટીવ કેસો બહાર આવી રહ્યા છે. આગામી સમયમાં જન્માષ્ટમી તહેવારો આવી રહ્યા છે અને લોકો હરવા-ફરવા બહાર નીકળે ત્યારે કોરોના સંક્રમણ વકરે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવું મનાઈ રહ્યું છે.

આ પરિસ્થિતિ વચ્ચે કોરોના પોઝીટીવના દર્દીઓ વધે તો આવા દર્દીઓન ખાનગી તેમજ સરકારી હોસ્પીટલોમાં સારવાર મળી રહે તે માટે રાજકોટ જીલ્લા કલેકટરે હવે કોરોના પોઝીટીવની દર્દીઓની સારવાર માટે કામદાર રાજય વિમા યોજનાની હોસ્પીટલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દેવાનો નિર્ણય કર્યો છે. હાલમાં આ હોસ્પીટલમાં ઓકસીજન પાઈપલાઈનનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને એકાદ સપ્તાહમાં 40 બેડની વધુ એક કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર મળે તે માટે આ હોસ્પીટલ શરુ કરી દેવામાં આવશે તેવું અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ જણાવ્યું હતું.

રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના પોઝીટીવના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને દર્દીઓને સારવાર મળી રહે તે માટે હાલ સીવીલ હોસ્પીટલમાં 520 જેટલા પેશન્ટોને સમાવી શકાય તે માટેની સગવડતા તૈયાર કરવામાં આવી છે. સાથોસાથ રાજકોટ શહેરમાં 14 જેટલી ખાનગી હોસ્પીટલમાં પણ 200થી વધારે પેશન્ટોને સારવાર મળી રહે તે માટે હોસ્પીટલોને મંજુરી આપવામાં આવી છે. કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધે તો રાજય સરકારની કામદાર રાજય વિમા યોજનાની હોસ્પીટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર આપવા માટેની મંજુરી આપવામાં આવી છે. આ હોસ્પીટલમાં 40 બેડની સગવડતા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં ઓકસીજન પાઈપલાઈન ફીટીંગનું કામકાજ ચાલી રહ્યું છે. એક સપ્તાહમાં આ હોસ્પીટલ શરુ થઈ જશે.

રાજકોટ જીલ્લાના અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ વધુમાં જણાવેલ હતું કે રાજકોટ શહેરમાં આ ઉપરાંત ચાર વધુ ખાનગી હોસ્પીટલોમાં 50 ટકા બેડ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર આપવા માટે રિઝર્વ રાખવા તૈયારી શરુ કરવામાં આવી છે જેમાં ગોકુલ, એચ.જે.દોશી, વોકહાર્ટ અને જલારામ હોસ્પીટલને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ચાર હોસ્પીટલમાં 100 જેટલા બેડની સગવડતા મળી રહે તેવુ નકકી કરવામાં આવ્યું છે. સાથોસાથ શહેરની અન્ય 22 જેટલી ખાનગી ફીઝીશ્યન ડોકટરોની હોસ્પીટલોમાં પણ પેશન્ટોને સારવાર મળે તે માટે આ હોસ્પીટલોના તબીબોએ તૈયારી દર્શાવી છે. આ 22 હોસ્પીટલોમાં 200 જેટલા બેડ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. જરૂરત પડયે રાજય સરકારે નકકી કરેલા દરે આ તમામ હોસ્પીટલોમાં કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

દરમ્યાન વધુમાં એવું જણાવાયું છે કે, રાજકોટની રેલ્વે હોસ્પીટલને પણ હાલમાં રિઝર્વ રહેવા જણાવવામાં આવ્યું છે. આ હોસ્પીટલમાં ઓકસીજનની સગવડતા નથી પરંતુ ઓછા લક્ષણ ધરાવતા કોરોનાના દર્દીઓને જરૂરત પડયે રેલવે હોસ્પીટલમાં પણ ખસેડવામાં આવે તેવી તૈયારી રાખવામાં આવી છે. રેલ્વે હોસ્પીટલમાં 40 બેડની સગવડતા ઉપલબ્ધ કરી દેવામાં આવી હોવાનું અંતમાં જણાવાયું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલને વધુ પાંચ એમ્બ્યુલન્સ અપાશે; જીઆઈડીસી દ્વારા વાહનની સગવડતા
રાજકોટ શહેરમાં કોરોના પોઝીટીવના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ સીવીલ હોસ્પીટલને અદ્યતન સગવડતા સાથે વધારાની પાંચ મીની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવનાર છે. રાજય સરકારના સાહસ જીઆઈઆઈસી દ્વારા આ પાંચ મીની એમ્બ્યુલન્સનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે. આ પાંચ એમ્બ્યુલન્સને તૈયાર કરવાનું કામ મુંબઈ ખાતેની અનંતા યુનિ.ના ઈજનેરોને સોંપવામાં આવ્યું છે. આ પાંચ મીની એમ્બ્યુલન્સ તૈયાર થઈ ગયા બાદ રાજકોટ સીવીલ હોસ્પીટલને ફાળવી દેવામાં આવશે જેના કારણે કોરોના પોઝીટીવ દર્દીઓને લાવવા તેમજ મુકવા જવા માટેની વધુ સગવડતા ઉપલબ્ધ બનશે.

સાથોસાથ અન્ય જીલ્લામાંથી આવતા કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થયા બાદ આવા પેશન્ટોને તેમના શહેર સુધી મોકલવાની સગવડતા પણ રાજકોટ હોસ્પીટલમાં ઉપલબ્ધ બનશે. એકાદ અઠવાડીયામાં ઓકસીજન સહિતની સુવિધા સાથેની આ પાંચ મીની એમ્બ્યુલન્સ રાજકોટ સીવીલ હોસ્પીટલને સોંપી દેવામાં આવશે તેવું
જાણવા મળેલ છે.

રાજકોટ જેલમાં કોરોના પોઝીટીવ આવે તો તૈયારી રાખવા સૂચના; અધિક્ષકને તેડાવતા કલેકટર
રાજકોટ જીલ્લા જેલમાં કોરોના પોઝીટીવ દર્દીઓ આવે તો આવા દર્દીઓને અલગ રાખવા તેમજ સઘન સારવાર માટે જેલમાં શું સગવડતા છે તેમજ કેદીઓનું નિયમિત આરોગ્ય વિષયક ચેકીંગ કરવામાં આવે છે કે કેમ તે સંદર્ભની તૈયારી માટે રાજકોટ જીલ્લા જેલના અધિક્ષક બન્નો જોશીને રાજકોટ જીલ્લા કલેકટરે આજે બોલાવ્યા હતા અને જીલ્લા જેલમાં કેદીઓને કોરોના પોઝીટીવ આવે તો કઈ રીતે સારવાર આપવી, જેલમાં અલગ લોડ ઉભો કરીને ત્યાં રાખવા, હોસ્પીટલમાં તબીબો પોઝીટીવ દર્દીઓની સઘન સારવાર કરે અને નિયમિત તમામ કેદીઓનું ચેકીંગ કરે તે સંદર્ભના વિવિધ મુદાઓને ધ્યાનમાં લઈને જેલ અધિક્ષક બન્નો જોશી સાથે રાજકોટ જીલ્લા કલેકટર રૈમ્યા મોહને ચર્ચા કરી હતી.

હાલમાં જેલમાં કેટલા કેદીઓ છે તેમજ તમામનું આરોગ્ય ચેકીંગ કરવામાં આવે છે કે કેમ તે સહિતની વિગતો પણ કલેકટરે મેળવી હતી. ખાસ કરીને બહારના જીલ્લાથી ટ્રાન્સફર થઈને આવતા કેદીઓનું આરોગ્ય વિષયક ખાસ તપાસ કરવી તે સહિતના મુદાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement