પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ...વધુ સાવચેતી રાખો...છેલ્લા બે દિવસમાં રોકેટ ગતિએ વધતા કોરોના કેસ : વધતી જતી ચિંતા

04 August 2020 04:30 PM
Rajkot Saurashtra
  • પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ...વધુ સાવચેતી રાખો...છેલ્લા બે દિવસમાં રોકેટ ગતિએ વધતા કોરોના કેસ : વધતી જતી ચિંતા

રાજકોટમાં હોસ્પિટલો ફૂલ : આઈસીયુ બેડ તથા વેન્ટીલેટરમાં વેઇટીંગ

*રાજકોટમાં સુરત-અમદાવાદ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે લોકોએ જ સાવધાની રાખવાની છે
*શુક્રવારથી જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ, ઘેર રહીને ઉજવણી કરવાનું વિચારો : દિન-પ્રતિદિન વધતું જતું સંક્રમણ ચિંતાપ્રેરક
*સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું નથી, માસ્ક પહેરવામાં બેદરકારીના દર્શન
*ઓક્સિજન સીલીન્ડરની અછત સર્જાવાની સંભાવના : ગુણુભાઈ ડેલાવાળા-જયેશ ઉપાધ્યાય

રાજકોટ,તા. 4
રાજ્યમાં અનલોક-3 બાદ પ્રજાને કોરોના મહામારીમાંથી મુક્તિ મળી ગઇ હોય તે રીતે પોતાનો જીવન વ્યવહાર ચલાવી રહ્યાં છે. તા. 1લી ઓગસ્ટનાં રાત્રિ કર્ફયુ દૂર થતાં લોકો મોડી રાત સુધી રેસકોર્સ રીંગ રોડ પર બેઠેલા હતાં. હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે. રવિવારે 80 કેસ હતા. છેલ્લા બે દિવસથી 70થી વધારે સંખ્યામાં કોરોનાના કેસ બહાર આવ્યા છે ત્યારે પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ હવે વધુ સંભાળ લેવાની જરુર છે. સાવધાની, સર્તકતા અને સાવચેતીની બાદબાકી કરશો તો કોરોના તમારી પ્રતિક્ષા કરતો ઉભો જ છે.

ગઇકાલે રક્ષાબંધનના દિવસે રાત્રે બધી રેસ્ટોરાં ફૂલ હતી. અમુક જગ્યાએ વેઇટીંગ પણ હતું. હમણાં જીભના સ્વાદ પર કાબુ રાખો...સોશ્યલ ડીસ્ટન્સનાં ધજીયા ઉડતા જોવા મળી રહ્યાં છે. કોરોના પોઝીટીવ કેસોની દિન-પ્રતિદિન સંખ્યા વધતી જોઇને આગામી દિવસોમાં ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરે તેવી સંભાવના છે.

રાજકોટમાં ખાનગી હોસ્પિટલો ફૂલ છે.કોવિડ સેન્ટર પણ કોરોનાના દર્દીઓથી પેક છે. વેન્ટીલેટરમાં વેઇટીંગ છે. વેન્ટીલેટર ઓછા છે. ઘેર સારવાર માટે ઓક્સીજનની પણ અછત સર્જાવાના એંધાણ છે. માથે સાતમ આઠમના તહેવારો છે.

સરગમ ક્લબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાને ઓક્સીજનના બાટલા અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, અત્યારે અમારા સ્ટોકમાં દસ બાટલા છે. જોઇતા હશે તો વ્યવસ્થા થઇ શકશે પરંતુ મોટી સંખ્યામાં માંગ હશે તો મુશ્કેલી સર્જાય ખરી.

બોલબાલા ટ્રસ્ટનાં જયેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, હાલમાં અમારી પાસે સ્ટોકમાં 50 બાટલા છે. 26 ઘરોમાં કોઇ ઘેર એક કે બે છે. કુલ 100 બાટલામાંથી 50 બાટલા બહાર છે. ભાવનગરનાં જૈન અગ્રણી દ્વારા 200 ઓક્સીજનના બાટલા મળવાની સંભાવના છે. તા. 10 પછી તે અંગે ખબર પડે. રાજકોટમાં કોરોનાના દર્દીઓની માત્રા વધતા આગામી દિવસોમાં ઓક્સીજનના બાટલાની અછત સર્જાઈ શકે છે. લોકોએ કારણ વગર બહાર નીકળવું ન જોઇએ. અથવા તો સોશ્યલ ડીસ્ટન્સ તથા માસ્કનું કડકપણે પાલન કરવું જોઇએ.

આગામી તા. 7મીના શુક્રવારે બોળચોથ તા, 8મીના નાગપાંચમ, તા.9 તથા 10ના બે છઠ્ઠ છે. તા. 11ના સાતમ તથા 12ના જન્માષ્ટમી છે. આમ તહેવારોની મોસમમાં લોકો કોરોનાને ભૂલીને પૂર્વવત જીવન વ્યવહાર કરશે તો કેસની સંખ્યામાં ઉછાળો આવ્યા વિના રહેશે નહિ.

રાજકોટમાં ગઇકાલે 70 કોરોના કેસ હતાં. રવિવારે 80 કેસ નોંધાયા હતાં. દિન-પ્રતિદિન સંક્રમણ વધતું જાય છે જે ચિંતા ઉપજાવે તેવી બાબત છે. જો આમને આમ કેસમાં વધારો થતો જશે તો સુરત-અમદાવાદ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વાર નહિ લાગે. સામાન્ય પ્રજા ઘરમાં રહીને કંટાળી ગઇ છે તે હકીકત છે પણ જે કોઇ ઘરમાંથી બહાર નીકળે છે તે બીનદાસ્ત રીતે સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા નથી અને માસ્ક પણ પહેરતા નથી.

રાજકોટની 10થી વધુ વધુ ખાનગી હોસ્પિટલો (કોવિડ સેન્ટર) ફૂલ છે. નવા નવા કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આઇસીયુ બેડ તથા વેન્ટીલેટર સપોર્ટ માટે હાલ વેઇટીંગ છે. ઘેર સારવાર લેતાં હોમ આઈસોલેશનના દર્દીઓ માટે ઓક્સીજનનાં બાટલાની અછત સર્જાવાની સંભાવના છે. ઓક્સીજન મશીનની સંખ્યા પણ ઓછી છે.

એક જ વાત છે
રાજકોટના પ્રજાજનો સરકારી ગાઈડલાઈન અનુસાર સોશ્યલ ડીસ્ટન્સ જાળવે અને ફરજીયાત માસ્ક ધારણ કરે તે જરુરી અને આવશ્યક છે. નહિંતર કોરોના કોઇને મુકશે નહિ. આ વાત યાદ રાખજો.

રાજકોટમાં પ્રથમ પ્લાઝમા થેરાપી કરાવશે બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય
બોલબાલા ટ્રસ્ટનાં જયેશ ઉપાધ્યાયને કોરોના પોઝીટીવ થયા બાદ સીનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા અને કોરોનાને મહાત આપીને ઘેર પાછા ફર્યા હતા અને અત્યારે સેવાના કાર્યોમાં લાગી ગયા છે.

જયેશ ઉપાધ્યાય સંભવત આજે તમામ ટેસ્ટ કરાવીને એક મહિલા માટે પ્લાઝમા થેરાપી કરાવશે. જયેશ ઉપાધ્યાય રાજકોટમાં પ્રથમ વખત પ્લાઝમા આપશે.
Related News

Loading...
Advertisement