કાલે આઈપીએલ ગવર્નિંગ બોર્ડની બેઠક: યુએઇમાં આયોજન સામે અનેક પ્રશ્નો

01 August 2020 04:37 PM
India Sports
  • કાલે આઈપીએલ ગવર્નિંગ બોર્ડની બેઠક: યુએઇમાં આયોજન સામે અનેક પ્રશ્નો

આઈપીએલમાં સામેલ તમામ ટીમ સપોર્ટ સ્ટાફ, મેનેજમેન્ટ તથા બ્રોડકાસ્ટર ઉપરાંત ક્રિકેટ બોર્ડના હોદેદારોને પણ યુએઇમાં એક સપ્તાહના ક્વોરેન્ટાઈનમાં રહેવું પડે તેવી સ્થિતિ: ગેઇટમની અંગે પણ વિવાદ : યુએઇ સરકાર 30થી 50 ટકા પ્રેક્ષકો સાથે મેચ રમાડવા માગે છે : ભારત સરકાર મંજૂરી આપશે કે કેમ તે પ્રશ્ન: ફ્રેન્ચાઈઝીની સ્પોન્સરશીપ પણ હજુ નિશ્ચિત નથી : આઈપીએલ પૂર્વે એડ શુટીંગ વગેરે માટે ખેલાડીઓની ઉપલબ્ધીનો પ્રશ્ન ચર્ચાશે

મુંબઇ,તા. 1
આગામી સમયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે યુએઇમાં આઈપીએલ યોજવા માટેની તૈયારી કરી છે પરંતુ દરેક તબક્કે આઇપીએલના આયોજન સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે અને આવતીકાલે યોજાનારી આઈપીએલ ગવર્નિંગ બોડીની બેઠકમાં આ પ્રશ્નોની ચર્ચા થશે તેમ માનવામાં આવે છે. આઈપીએલની તારીખો નિશ્ચિત થઇ ગઇ છે તેમ છતાં ટીમ ઓનર એટલે કે ફ્રેન્ચાઈઝીએ ક્રિકેટ બોર્ડ પાસે અનેક સ્પષ્ટતાઓ પણ માંગી છે.

ફ્રેન્ચાઈઝી અને બ્રોડકાસ્ટરે એ પ્રશ્ન ઉભો કર્યો છે કે હજુ તેઓ મેનેજમેન્ટ સ્ટાફ અને બ્રોડકાસ્ટીંગમાં કેટલા લોકોની ટીમને લઇ જઇ શકે તે નિશ્ચિત કરવાનું રહેશે ઉપરાંત સ્પોન્સરશીપ અને ગેઇટ રેવન્યુ એટલે કે જે ટીકીટ વેચાશે તેના હિસ્સા અંગે પણ સ્પષ્ટતા નથી. ગેઇટમનીની રકમ નાની હોય છે પરંતુ હાલ જે રીતે કોરોનાની સ્થિતિ છે તેના કારણે ક્રિકેટ ટીમોને પણ સ્પોન્સરશીપ મેળવવામાં ભાવતાલ કરવા પડી રહ્યા છે અને મોટાભાગની કંપનીઓએ હજુ ડીલ પૂરી કરી નથી. એક વખત કંપનીઓ સ્પોન્સર નક્કી થાય તૂર્ત જાહેરાત માટેનું શુટીંગ શરુ કરવું પડશે અને તેમાં ખેલાડીઓ કઇ રીતે ઉપલબ્ધ બનશે, ક્યાં શુટીંગ કરવું અને તેમાં કોરોના પ્રોટોકોલ કઇ રીતે પાડવો તે પણ પ્રશ્ન છે.

યુએઇના ગ્રાઉન્ડસમાં ફીનો પણ પ્રશ્ન છે. ગેઇટમની ભારતમાં સ્થાનિક ક્રિકેટ બોર્ડ સાથે નિશ્ચિત કરી લેવામાં આવે છે પરંતુ વિદેશી માલિકીના સ્ટેડીયમમાં ગેઇટમની કઇ રીતે વસૂલાશે અને તેમાં ફ્રેન્ચાઈઝીને કેટલો ભાગ મળશે તે પણ પ્રશ્ન છે. બીજી તરફ યુએઇમાં કોરોનાની ચિંતા પૂરેપૂરી નાબૂદ થઇ નથી અને તેથી યુએઇ સરકારે અહીં આવનાર દરેક ટીમને ઓછામાં ઓછા એક સપ્તાહ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડે તેવી જાહેરાત કરી છે. આ નિયમ યુએઇમાં આવતા તમામ પ્રવાસીઓને લાગુ છે અને તેથી ટીમ ઉપરાંત તેના સ્પોર્ટ સ્ટાફ, મેનેજમેન્ટ અને બ્રોડકાસ્ટરની ટીમને એક સપ્તાહ સુધી હોટલમાં રાખવા વગેરેનો જંગી ખર્ચ પણ વધી જશે.

યુએઇએ તેની સાથે ખાલી સ્ટેડીયમમાં રમાડવાનો ઇન્કાર કર્યો છે અને ઓછામાં ઓછા 30 થી 50 ટકા સીટોમાં પ્રેક્ષકોને બેસાડાશે તેવા સંકેત છે. જો કે કોરોના પ્રોટોકોલમાં ભારતીયો માટે મંજૂરી સરકાર પાસેથી લેવાની રહેશે અને તેથી જ આ અનેક પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો થશે.

હું ડોમેસ્ટીક ક્રિકેટ કેમ રમાડવું તેની ચિંતા કરું છું : રાહુલ દ્રવિડ
ઓક્ટોબરથી ઘરઆંગણાના યુવા ક્રિકેટરોની સ્થાનિક સ્પર્ધાઓ ચાલુ થશે તો આઈપીએલ સાથે ટક્કરની શક્યતા
મુંબઈ - યુએઇમાં એક તરફ આઈપીએલ ખસેડાઈ રહ્યો છે પરંતુ ડોમેસ્ટીક ક્રિકેટ કઇ રીતે રમાડવું તે પ્રશ્ન છે. ઓક્ટોબર માસથી દેશમાં રણજી ટ્રોફી સહિતની ડોેમેસ્ટીક સ્પર્ધાનો પ્રારંભ થનાર છે અને તેમાં તમામ અન્ડર-19થી લઇ અને યુવા ખેલાડીઓ હશે.

મોટાભાગના ખેલાડીઓ 23 થી 24 વર્ષની વયના જ છે. અને ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન તથા હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીના ચેરમેન રાહુલ દ્રવિડે કોરોનાના સંક્રમણ વચ્ચે ડોમેસ્ટીક ક્રિકેટની સીઝનનું શેડ્યુલ એ સૌથી મોટો પડકાર બની રહેશે તેવું જણાવ્યું છે. જો ડોમેસ્ટીક ક્રિકેટની સીઝન ઓક્ટોબરથી ચાલુ થાય તો આઈપીએલમાં અનેક ડોમેસ્ટીક ક્રિકેટરો ભાગ લઇ રહ્યા છે અને જો તેમને આઈપીએલ રમવા મંજૂરી અપાય તો ઘરેલુ ક્રિકેટને ફટકો પડી શકે છે. ઉપરાંત ક્રિકેટ ચાહકો કે જે ડોમેસ્ટીક ક્રિકેટમાં બહુ ઓછો રસ ધરાવે છે તે આઈપીએલના કારણે રસ ઘટશે તેમ મનાય છે.


Related News

Loading...
Advertisement