ઘરવેરા અને ઘરના પાણીવેરામાં રાહત યોજના પૂરી: ગઇકાલે અંતિમ દિવસે રૂા.92 લાખની આવક

01 August 2020 03:43 PM
Jamnagar
  • ઘરવેરા અને ઘરના પાણીવેરામાં રાહત યોજના પૂરી: ગઇકાલે અંતિમ દિવસે રૂા.92 લાખની આવક

ગઇકાલ સુધીમાં વળતર યોજના હેઠળ જામનગર મહાનગરપાલિકાને રૂા.22.50 કરોડની આવક: ઘરવેરામાં 44 હજાર જેટલા અને પાણીવેરામાં 20 હજારથી વધુ કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધો

જામનગર તા.1:
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘર વેરામાં વળતરની યોજનાના ગઇકાલે અંતિમ દિવસે રૂા.92 લાખથી વધુની આવક થઇ હતી. આશરે 44 હજાર જેટલા આસામીઓએ ઘર વેરામાં રૂા.1.71 કરોડનું વળતર (રીબેટ)મેળવ્યું હતું. આ ઉપરાંત પાણી ચાર્જમાં 20 હજારથી વધુ લાભાર્થીઓએ 32.64 લાખનું વળતર મેળવી રૂા.3.18 કરોડ ચુકવ્યા હતા. આમ ગઇકાલ સુધીમાં વળતર યોજના હેઠળ જામનગર મહાનગરપાલિકાને રૂા.22.48 કરોડની આવક થઇ હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા 26મે થી મિલ્કતવેરા અને પાણી વેરામાં 30 જૂન સુધી 10 થી 25 ટકા સુધીની વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. આ પછી કોરોનાની સ્થિતિને કારણે મહાનગરપાલિકાએ આ યોજનાની મુદત વધારી હતી. ઘર વેરામાં અને ઘરના પાણી વેરામાં વળતરની મુદત ગઇકાલે 31જુલાઇના રોજ પૂરી થઇ હતી. ગઇકાલે અંતિમ દિવસે સાંજે 5:30 સુધીમાં 91.57 લાખની આવક થઇ હતી. જો કે ઓનલાઇન પેમેન્ટ મધરાત્રીના 12 વાગ્યા સુધી સ્વીકારવાનું ચાલુ રહ્યું હતું.
કોર્મશીયલ અને ઇન્ડ્રસ્ટીયલ મિલકતના વેરામાં અને તેને સંલગન પાણી વેરામાં રાહતની યોજના હજુ એક મહિનો એટલે કે, તા.31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવેલ છે.

26મે થી 31 જુલાઇ સુધીમાં આ વેરા વળતર યોજના હેઠળ મહાનગરપાલિકાને રૂા.22.50 કરોડ જેટલી આવક થઇ હતી. આ પૈકી 19.30 કરોડ મકાન વેરા પેટે હતા. જે સામે 1.31 કરોડનું વળતર આપવામાં આવ્યું હતું. આશરે 44 હજાર જેટલા લાભાર્થીઓએ ગઇકાલ સુધીમાં ઘર વેરામાં રાહત મેળવી હતી. જયારે પાણી ચાર્જમાં ગઇકાલ સુધીમાં મહાનગરપાલિકાને 3.18 કરોડની આવક થઇ હતી અને તે સામે 32.64 લાખનું વળતર ચુકવાયું હતું. પાણી ચાર્જમાં 20 હજારથી વધુ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો. આ યોજનાની કામગીરી કમિશ્ર્નર સતીષ પટેલની સુચનાથી ડે.કમિશ્નર વસ્તાણી, આસી.કમિશ્ર્નર (ટેકસ) નિર્મળ, ટેકસ ઓફિસર જી.જે.નંદાણીયાના માર્ગદર્શન હેઠળ વેરા શાખાના સ્ટાફે કરી હતી.


Loading...
Advertisement